તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાનું પાણી મપાયું:પૂર-પાણીના મુદ્દે ઊઠાં ભણાવતા અધિકારીઓની કાંસના લીકેજ અને બંધ વાલ્વે પોલ ખોલી નાખી

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાંસદ રંજનબેન ભટ્ટે સાથે મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ભૂખી કાંસમાં ઉતરીને નિરીક્ષણ કર્યુ હતુ - Divya Bhaskar
સાંસદ રંજનબેન ભટ્ટે સાથે મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ભૂખી કાંસમાં ઉતરીને નિરીક્ષણ કર્યુ હતુ
  • 50 હજાર લોકોને નડતી સમસ્યાના મૂળની વર્ષો સુધી પાલિકાને ખબર ન પડી, સાંસદ ,મેયર અને મ્યુ. કમિશનરે કાંસમાં ઉતરીને જાતે િનરિક્ષણ કરતાં ભાંડો ફૂટ્યો
  • સાંઇધામ સોસાયટીમાં પાણીના પ્રશ્ને 2 ઇજનેરની બદલી બાદ ખાડો ખોદી જોયું તો વાલ્વ બંધ હતો

શહેરમાં પાણીની સમસ્યા રોજિંદી બની ગઇ છે. એ પછી કાંસમાં પાણી ભરાવાથી પૂરની ર્સજાતી સ્થિતિ હોય કે દૂષિત કે અપૂરતા પાણીનો પ્રશ્ન હોય. ભૂખી કાંસમાં કચરો ભરાતા સાફ સફાઇ શરૂ કરાઇ હતી. જેમાં વર્ષો જૂની લાઇનમાં લીકેજ મળી આવ્યું હતું. આ લીકેજમાંથી લાખો લિટર પાણી કાંસમાં વ્યર્થ વહી જતુ હતું. જયારે તરસાલીમાં પાણી ન આવતુ હોવાની ફરિયાદ બાદ ખાડો ખોદીને તપાસ કરતા માલૂમ પડયુ હતું કે પાણીનો વાલ્વ જ બંધ હતો. જેને બદલી કઢાયો હતો.

ભૂખી કાંસમાં લાઇન લીક થતાં વર્ષો સુધી લાખો લિટર પાણી વેડફાતું રહ્યું
સમા અને નિઝામપુરા વિસ્તારમાં જાનમાલની ભારે તારાજી સર્જનાર ભૂખી કાંસની સમીક્ષા કરવા સાંસદ પાંચમી વખત કાંસમાં ઉતર્યા હતા અને તેમની સાથે મેયર અને મ્યુ.કમિશનર પણ જોડાયા હતા.નવાઈની વાત તો એવી છે કે , આ સ્થળે પાણીની એક ડેડ લાઈન મળી હતી તો લાખો લીટર પાણીનો વેડફાટ કરતું લીકેજ મળી આવતા પાલિકાની પોલ ખુલ્લી પડી હતી.

સાંસદ રંજનબેન ભટ્ટે સાથે મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની સાથે પાલિકાના અધિકારીઓએ નિઝામપુરા જુના બસ ડેપો પાસે આવેલી ભુખી કાંસમાં ઉતરીને કામગીરીનુ નિરીક્ષણ કર્યુ હતુ. છેલ્લા 5 દિવસથી સતત સાંસદ રંજંનબેન ભટ્ટે નિઝામપુરા જુના બસ ડેપો ખાતે આવેલી ભુખી કાંસની મુલાકાત લઇ પહેલા દિવસે જ સ્લેબ તોડાવી નીચે ઉતર્યા હતા અને આ સિલસિલો સતત ચાલુ રાખ્યો હતો.જોકે ગટરનું પાણી પાછું આવી જતાં ભુખી કાંસ ઉભરાવાની સમસ્યા હતી. ત્યારે મંગળવારે તરાપો લઇને કરાયેલા નિરીક્ષણમાં પાણીની એક જૂની ડેડ લાઈન મળી આવી હતી. આ ઉપરાંત વર્ષો જૂની જર્જરિત લાઇનમાંથી પાણીનું લીકેજ મળતા તેને બંધ કરવું પડ્યું હતું.

નવો વાલ્વ નખાતા પાણીની સમસ્યાનો બે મહિને અંત
શહેરના દક્ષિણ વિસ્તારના તરસાલી તળાવ પાસેની એક સોસાયટીમાં સર્જાયેલો પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે 8 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવતાં તેમાંથી બંધ વાલ્વ મળી આવતાં પાલિકાની વધુ એક પોલ ખુલ્લી પડી હતી. હવે ત્યાં નવો વાલ્વ નાખવાની ફરજ પડી હતી.

તરસાલીમાં પાણી માટે 2 મહિનાથી કકળાટ ચાલી રહ્યો છે. આ અંગે સ્થાયી સમિતિની બેઠકમાં પડઘા પડ્યા હતા અને દક્ષિણ ઝોનના 2 ઇજનેરોની બદલી કરી દેવામાં આવી હતી. શહેરના દક્ષિણ ઝોનમાં પાણીની સમસ્યા ચાલી રહી છે અને 5 એમએલડી પાણી દક્ષિણ ઝોનમાં ડાઇવર્ટ કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ તરસાલી વિસ્તારમાં તબક્કાવાર રીતે પાણીની સમસ્યાનો ઉકેલ આવી રહ્યો છે, પરંતુ સાંઇધામ નામની સોસાયટીમાં પાણી માટે પરિસ્થિતિ વકરી હતી અને વોર્ડ 16નાં કોર્પોરેટર સ્નેહલ પટેલે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ફોલ્ટ શોધવા માટે સૂચના આપી હતી.દરમિયાન સ્થાયી સમિતિની બેઠકમાં સાંઇધામ સોસાયટીની પાણીની સમસ્યા મામલે મહિલા સભાસદ સ્નેહલ પટેલે બે મહિનાથી આ બાબતે નિરાકરણ આવતું નથી તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આખરે તાત્કાલિક અસરથી હેમલ રાઠોડ અને સ્મિતેશ પટેલની બદલી થઈ હતી. બીજી તરફ કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય સ્નેહલ પટેલની હાજરીમાં આ સોસાયટીના પાણીનો પ્રશ્નનો ઉકેલવા ખોદાણ કરવામાં આવ્યું હતું. જેમાં 8 ફૂટ ઊંડે ખોદાણ કર્યા બાદ તેમાં વાલ્વ મળ્યો હતો, પરંતુ લાંબા સમયથી આ વાલ્વ ચાલતો જ ન હોવાનો ઘટસ્ફોટ થતાં કોર્પોરેટરની સાથોસાથ પાલિકાનો સ્ટાફ પણ અવાચક પામી ગયો હતો. તાત્કાલિક અસરથી ત્યાં નવો વાલ્વ નાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...