આપઘાત:ચપ્પુ વડે બંને હાથની નસ કાપ્યા બાદ બ્રોકરનો 5મા માળેથી મોતનો ભૂસકો

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલા માળે ઘરમાં હાથની નસ કાપી પાંચમા માળેથી પડતું મૂકી રિયલ એસ્ટેટ બ્રોકરે આપઘાત કર્યો - Divya Bhaskar
પહેલા માળે ઘરમાં હાથની નસ કાપી પાંચમા માળેથી પડતું મૂકી રિયલ એસ્ટેટ બ્રોકરે આપઘાત કર્યો
  • ગોત્રીમાં સુદામાનગર પાસેના શિવમ ફ્લેટ ખાતેનો બનાવ
  • કોરોનાનો ભય સતાવતો હતો
  • ત્રણ દિવસથી ડિપ્રેશનમાં હતા

ગોત્રી સુદામાનગર પાસે શિવમ ફ્લેટમાં રહેતા 55 વર્ષીય રિયલ એસ્ટેટ બ્રોકર દિલીપભાઇ ઇશ્વરભાઇ દેસાઇએ શુક્રવારે મોડી રાત્રે ચપ્પા વડે બંને હાથની નસો કાપ્યા બાદ 1.30થી 2 વાગ્યાના સુમારે પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી દેતાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. ખુશમિજાજ સ્વભાવના બ્રોકર 3 દિવસથી ડિપ્રેશનમાં હતા અને તેમને કોરોનાનો ભય હોવાનું પરિવારે પોલીસને જણાવ્યું છે. પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. 

મધરાતની ઘટનાની જાણ સવારે 7ના સુમારે થઇ, ઘૂંટાતું રહસ્ય
દિલીપભાઇનો મૃતદેહ ફ્લેટની નીચે આવેલી દુકાનની છત પર પડ્યો હોવાની પરિવારજનોને સવારે 7 વાગ્યાના સુમારે જાણ થઇ હતી. પોલીસના તારણ મુજબ તેમણે રાત્રે 1.30થી 2 વાગ્યાના સુમારે હાથની નસો કાપ્યા બાદ પાંચમા માળેથી ઝંપલાવ્યું હશે. તેઓ લોહી નિંગળતી હાલતમાં પહેલા માળે આવેલા પોતાના ફ્લેટમાંથી લિફ્ટમાં પાંચમા માળે ગયા હતા અને પડતું મૂક્યું હતું. તેઓ પટકાતાં પહેલાં નીચેના માળે એસીના કોમ્પ્રેશર સાથે ભટકાયા હતા. ઘટનાની જાણ થતાં ડીસીબી સંદીપ ચૌધરી અને એસીપી એવી રાજગોરે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ 3-4 દિવસથી ડિપ્રેશનમાં હતા અને ચિંતાતુર સ્વરે કહેતા કે, ‘મને કોરોના થશે તો તમારું શું થશે ?’ જોકે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાનો પરિવારે ઇન્કાર કર્યો હતો. તેમણે ભૂસકો માર્યો ત્યારે તેમના ઘરે પુત્ર અને પુત્રવધૂ હતાં. પોલીસને તેમના ઘરેથી શાક સમારવાના લોહીથી ખરડાયેલાં 3 ચપ્પાં, પ્લાસ્ટિકની દોરી અને લોહીના ધબ્બા સાથેનું ઓશિકું પણ મળી આવ્યું હતું.

આપઘાતની થીયરીને ગૂંચવતા કેટલાક સવાલ
- પાંચમા માળેથી ભૂસકો માર્યો ત્યારે તેઓ નીચેના માળે આવેલા એસીના કોમ્પ્રેશર સાથે અફળાયા હતા અને પછી નીચે પડ્યા, પણ કોઇએ કેમ અવાજ સાંભળ્યો જ નહીં ?
- કોરોનાનો ભય હતો તો કોરોનાનો રિપોર્ટ કઢાવવા કેમ ગયા નહીં. 3 દિવસથી જ ડિપ્રેશનમાં રહેવાનું કોઇ ખાસ કારણ શું હતું ?
- તેઓ જે લિફ્ટથી પહેલા માળેથી પાંચમા માળે પહોંચ્યા તેના દરવાજા પર લોહીના ડાઘા છે. લિફ્ટમાંથી લોહીનું એકેય ટીપું મળી આવ્યું નથી.
- ઘરની બાલ્કનીમાં ચપ્પા સાથે એક પ્લાસ્ટિકની દોરી મળી આવી છે. શું તેમણે આ દોરી વડે ફાંસો આપવાનો પણ પ્રયાસ કર્યો હતો ? ત્રણ-ત્રણ ચપ્પાં લઇને આત્મહત્યા કરવાનો તર્ક શું હોઇ શકે ?
- તેમનાં પત્ની કિડનીની બીમારીથી પીડાય છે. તો શું તેમની પત્નીને કોરોના હોવાની શક્યતા કોઇ તબીબે વ્યક્ત કરી હતી, જેને પગલે તેઓ ડિપ્રેશનમાં હતા.
- રાતના 1.30 પછી બનેલી ઘટનાની જાણ છેક 7 વાગ્યે થાય તે બાબત પણ સવાલો ઊભા કરે છે.

પોલીસ દ્વારા એફએસએલ તપાસ પણ કરાવાઈ
પોલીસે આ ઘટનાની કડીઓ મેળવવા અને વધુ સઘન તપાસ કરવા એફએસએલ તપાસ પણ કરાવી છે. આ તપાસમાં બહાર આવ્યું હતું કે, દિલીપભાઇની સાથે કોઇ અન્ય વ્યક્તિ ન હતી. એટલું જ નહીં લિફ્ટની બહાર મળેલા લોહીના ડાઘ પણ તેમના જ છે. આ સિવાય ઘરમાં એકાદ જગ્યાએ લોહીના ડાઘ સિવાય ઘર એકંદરે ચોખ્ખું હતું.

દિલીપભાઈને જમણા હાથ પરના ઘા વધુ ઊંડા
દિલીપભાઇની લાશ પરથી બંને હાથ પર ચપ્પાના ઘા મળી આવ્યા છે. જોકે તેમના જમણા હાથ પરના ઘા વધુ ઊંડા છે. કારણ કે તેઓ ડાબોડી હતા. તેથી ડાબા હાથે તેમણે કરેલો ઘા વધુ તાકાતથી કર્યો હોવાની શક્યતા છે. પોલીસે તબીબની પણ સલાહ લીધી હતી. તબીબના જણાવ્યા મુજબ ધોરી નસ કપાય ત્યારબાદ પણ વ્યક્તિ અડધો કલાક સુધી જીવતો રહી શકે છે. આ દરમિયાન તેઓ ચાલતા ઉપર ગયા હોય તેવી શક્યતા છે. પીએમ રિપોર્ટમાં માથામાં ઇજા અને કમર તૂટી જવાથી મોત થયાનો ઉલ્લેખ છે.

અન્ય સમાચારો પણ છે...