પહેલી સ્કૂલ, 1867:બ્રિટિશ સરકાર અને સોરાબજીની રૂા. 5-5 હજારની સહાયથી ફતેગંજમાં શરૂ થઇ એંગ્લો-વર્નાકયુલર સ્કૂલ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફતેગંજમાં રેડ ચર્ચની પાછળ 155 વર્ષ પહેલાં પ્રથમ સ્કૂલની બાંધકામ સમયની તકતી. - Divya Bhaskar
ફતેગંજમાં રેડ ચર્ચની પાછળ 155 વર્ષ પહેલાં પ્રથમ સ્કૂલની બાંધકામ સમયની તકતી.
  • 3 ઓરડાની સ્કૂલમાં અંગ્રેજી-ગુજરાતી બંને ભાષાઓમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ થતો હતો
  • લક્ષ્મીવિલાસ પેલેસનો પ્લાન તૈયાર કરનાર મેજર મેન્ટે સ્કૂલની ડિઝાઇન કરી હતી

ફતેગંજમાં રેડ ચર્ચની સામેના રસ્તાની પાછળ મહારાણા પ્રતાપ પ્રાથમિક સ્કૂલો છે. આ પરિસરમાં હાલમાં સર્વશિક્ષા અભિયાનની કચેરીઓ છે. આ પરિસર છેલ્લી દોઢ સદીથી શિક્ષણ સાથે સંકળાયેલું છે. જેનો પુરાવો અહીં 800 ચોરસફૂટ વિસ્તારમાં ઊભેલી એક ઇમારત છે. આ ઇમારતનું બાંધકામ 1867માં કરવામાં આવ્યું હતું. એ સમયે ફતેગંજ વિસ્તારનો તમામ વહીવટ બ્રિટિશ સરકાર હેઠળ હતો. પણ ભારતીય અને અંગ્રેજ બાળકો શાળામાં ભણી શકે તે હેતુથી બ્રિટિશ સરકાર અને મુંબઇના તે સમયના બેરોનેટ સોરાબજી જમશેતજી જીજીભોયના પાંચ-પાંચ હજારના સહયોગથી આ સ્કૂલ પરિસરને વિકસાવવામાં આવ્યું હતું.

મહારાજા સયાજીરાવ ત્રીજાએ સુરસાગર સામે વર્નાક્યુલર સ્કૂલ શરૂ કરી તેના ચાર વર્ષ અગાઉ આ સ્કૂલ શરૂ થઇ ચૂકી હતી. માત્ર છોકરાઓ માટેની આ સ્કૂલની મુખ્ય ઇમારતમાં માત્ર ત્રણ ઓરડા હતા. આજે 155 વર્ષે પણ આ ઇમારત અડીખમ છે. તે સમયના બારી-બારણા પણ આજ દિન સુધી યથાવત્ છે. તે સમયે આ સ્કૂલનું નામ એંગ્લો-વર્નાકયુલર સ્કૂલ રાખવામાં આવ્યું હતું.

અહીં અંગ્રેજી-ગુજરાતી બંને ભાષાઓમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ થતો હતો. આ ઇમારત માટે દાતા સોરાબજી જમશેતજી અને બ્રિટિશ સરકારે પાંચ-પાંચ હજારની સહાય કરી હતી, આર્થિક મદદ કરી હતી. આ બાબતની બે તક્તીઓ આજે પણ આ ઇમારતમાં છે. એક અંગ્રેજીમાં અને એક ગુજરાતીમાં છે. આ તકતીઓ પર ઇમારત બનાવનાર તરીકે (મેજર) સી( ચાર્લ્સ) મન્ટનું નામ કોતરાયેલું છે. આ ઇમારત પર મુખ્ય દાનવીરનું નામ તકતિ ઉપરાંત પણ બે વાર મોટા અક્ષરે વાંચવા મળે છે.

જમશેતજીનો કારોબાર યુરોપ- ચીન સુધી હતો

  • મેજર મન્ટે કોલ્હાપુરનો ટાઉનહોલ, ભાવનગરની કોર્ટ અને વલસાડમાં એક ચર્ચ સહિતની સંખ્યાબંધ ઇમારતો તૈયાર કરી હતી.
  • આ સ્કૂલ શરૂ થયા બાદ 1871માં પહેલી માત્ર વિદ્યાર્થીઓ માટેની સ્કૂલ શરૂ થઇ હતી. 1879 સુધીમાં વડોદરામાં 6 સ્કૂલો ધમધમતી થઇ ગઇ હતી.
  • સોરાબજી જમશેતજીના પિતા જમશેતજીનું અવસાન 1859માં થયું હતું. ત્યારે તેઓ તે સમયે રૂ. 2 કરોડની મિલકતોના માલિક હતા.
  • જમશેતજી કારોબાર અર્થે બે વાર ચીન ગયા હતા, એકવાર તો ફ્રેન્ચોએ તેમની ધરપકડ કરી હતી. પછી માંડ છૂટકારો થયો હતો.
  • જે બે તકતી ફિટ કરવામાં આવી છે તેમાં ગુજરાતી ભાષાની તકતી તે સમયની પારસી બોલીની શૈલીમાં જ લખવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...