હુકુમ:પ્રેમિકાની હત્યાના પ્રયાસમાં પ્રેમીને 10 વર્ષ કેદની સજા, ઝઘડો થતાં સગર્ભા પ્રેમિકાને ટ્રેનમાંથી ફેંકી દીધી હતી

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 25 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની કેદ

ટ્રેનમાં જતી વખતે પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થતાં પ્રેગનેન્ટ પ્રેમિકાને ચાલુ ટ્રેને નીચે ફેંકી દઇ હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને ન્યાયાધીશે કસુરદાર ઠેરવી દસ વર્ષની સજા તેમજ રૂા.25000નો દંડ ફટકારી આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો હતો.તપાસમાં ખુલ પામ્યું હતું કે, પ્રેમીકા પરણીત હતી અને તેનો પતિ દારૂ પીવાની ટેવ વાળો હોવાના કારણે તે પિતાના ઘરે રહેતી હતી અને ત્યાર બાદ તે જુના પ્રેમી સાથે ટ્રેનમાં બેસી કરજણ જવા રવાના થઇ હતી અને ટ્રેનમાં ઝઘડો થતાં પ્રેમીએ તેને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી હતી.

કેસની વિગત એવી છે કે, આણંદ જિલ્લાના અડાસ ગામમાં રહેતો અલ્પેશ ખોડાભાઇ ઠાકોર અને તેની તેની પ્રેમિકા બન્ને અડાસ રેલવે સ્ટેશનથી તા.10 એપ્રિલ 2017ના રોજ કરજણ જવા માટે લોકલ ટ્રેનમાં બેઠા હતા. દરમિયાનમાં કરજણ રેલવે સ્ટેશન આવતાં અલ્પેશ નીચે ઉતર્યો ન હતો એટલે આ બાબતે અલ્પેશ અને તેની પ્રેમિકા સુમિત્રા વચ્ચે ઝઘડો થયો હતો અને ટ્રેન શરૂ થતાં વલણ ફાટક પાસે આરોપી અલ્પેશે તેની પ્રેમિકાને ચાલુ ટ્રેને નીચે ફેંકી દીધી હતી.ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવતાં મહિલાને માથાના ભાગે તેમજ શરીર પર ગંભીર ઇંજા પહોંચી હતી.

આ બનાવ અંગે ભરૂચ એનજીઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતાં રેલવે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. જે સમયે પ્રેમિકાને ટ્રેનની નીચે ફેંકવામાં આવી તે સમયે તે ગર્ભવતી હતી. આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં સરકાર તરફે એડવોકેટ સ્મૃતિબહેન ત્રિવેદી હાજર રહ્યાં હતા. ન્યાયાધીશે આરોપી અલ્પેશને હત્યાના પ્રયાસના ગુનામાં કસુરદાર ઠેરવી દસ વર્ષની સજા ફટકારી હતી. ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાની સારવાર ભરૂચ ખાતેની હોસ્પિટલમાં કરવામાં આવી હતી અ્ને એનજીઓએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...