તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુખ્યાત બુટલેગર ઝડપાયો:મધ્ય ગુજરાતમાં દારૂનું નેટવર્ક ચલાવતા બુટલેગર લાલુ સિંધીની વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી ધરપકડ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુખ્યાત બુટલેગર લાલુ સિંધી - Divya Bhaskar
કુખ્યાત બુટલેગર લાલુ સિંધી
  • પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં લાલુ સિંધીની સંડોવણી બહાર આવતા સંખ્યાબંધ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે

મધ્ય ગુજરાતમાં વિદેશી દારૂનું નેટવર્ક ચલાવનાર કુખ્યાત બુટલેગર લાલુ સિંધીની વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પાસેથી ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

લાલુ સિંધી મધ્ય ગુજરાતનો લીકર કિંગ બની ગયો
વડોદરાની અંધારી આલમમાં એક સમય પોતાની ધાક જમાવી બેઠેલો મુકેશ હરજાણી ગુજરાતનો લીકર કિંગ બનવાની ઇચ્છા ધરવાતો હતો. પરંતુ કેટલાક કારણોસર તે શક્ય બન્યું નહીં, મુકેશના અંગત મનાતા લાલુ, અલ્પુ અને વિજ્જુ સિંધી સહિત અન્ય સાગરીતોએ મધ્ય ગુજરાતમાં દારૂના ધંધામાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. દરમિયાન ઓકટોબર-2016માં મુકેશ હરજાણીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. મુકેશની હત્યામાં કુલ 11 લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં લાલુ સિંધીની પણ સંડોવણી બહાર આવી હતી. જોકે સમય સાથે સંજોગો પણ બદલાયા અને તમામ આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ છૂટી ગયા હતા. અને લાલુ સિંધી બની ગયો મધ્ય ગુજરાતનો લીકર કિંગ.

લાલુ સિંધી જેવા બુટલેગરો દારૂબંધી કાયદાને ધોળીને પી ગયા છે
રાજ્યમાં દારૂબંધી છે અને સરકાર દ્વારા દારૂબંધીનુ ચુસ્ત પાલન થયા તે માટે તાજેતરમાં જ સજાની જોગવાઇમાં ફેરફાર કરી સખ્ત કાયદો બનાવવામાં આવ્યો છે, પરંતુ, તેનો અમલ માત્ર કાગળો પર જ થતો દેખાઇ રહ્યો છે, જેની પાછળનુ મૂળ કારણ લાલુ સિંધી જેવા મોટા બુટલેગરો છે. જે સરકારના કાયદાને ધોળીને પી ગયા છે. ગુજરાતમાં દારૂબંધી છતાં લાલુ સીંધી લાંબા સમયથી અન્ડરગ્રાઉન્ડ રહીને તેના સાગરીતો મારફતે મધ્ય ગુજરાતમાં દારૂ ખુટવા દેતો નથી.

દારૂનો મોટો જથ્થો પકડાય એટલે લાલુ સીંધીનુ નામ ખુલે જ છે
વડોદરા શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર કે પછી આણંદ, ભરૂચ જેવા શહેરો હોય પોલીસ દારૂનો મોટો જથ્થો પકડે એટલે લાલુ સીંધીનુ નામ ક્યાંક ને ક્યાંક ખુલે જ તે વાત નક્કી છે. તેવી જ રીતે તાજેતરમાં જ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે રેડ પાડી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં પણ લાલુ સીંધીની સંડોવણી બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

લક્ઝુરિયસ કારમાં દારૂની હેરાફેરી કરવાનુ શરૂ કર્યું
વર્ષ-2020ના માર્ચ મહિનામાં લાલુ સિંધીએ દારૂની હેરાફેરી માટે ટ્રેન્ટ બદલી ટ્રક, ટેમ્પો જેવા વાહનો છોડી લક્ઝુરિયસ કારમાં દારૂની હેરાફેરી કરવાનુ શરૂ કર્યું હતુ. તે સમયે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મકરપુરા જીઆઇડીસી ખાતેથી લાલુ સિંધીનો વિપુલ માત્રમાં ઉતરેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આજ સમયે ભરૂચ એલસીબીએ ગોલ્ડન બ્રીજે પરથી પસાર થતી ચાર લક્ઝુરિયસ કારમાંથી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 67 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એલસીબીએ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી લીકર કિંગ લાલુ સિંધીને દબોચી લીધો
આવા પ્રોહિબિશનના અનેક ગુનાઓમાં લાલુ સિંધીની સંડોવણી બહાર આવતા તેની સામે સંખ્યાબંધ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. અંદાજીત દોઢ વર્ષ કરતા વધુ સમયથી મધ્ય ગુજરાતમાં ગેરકાયદે દારૂનુ સામ્રાજ્ય ચલાવતો હતો. તેવામાં વડોદરા જિલ્લા એલ.સી.બીએ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પરથી લીકર કિંગ લાલુ સિંધીને દબોચી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...