• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Bollywood Actor Ranveer Singh's Reality Show Starring A Young Woman Driving A Pilaf Truck In Vadodara, Missed Out On Winning A Prize Of Rs 10 Lakh, Is Now Aiming To Go To KBC

રિયાલિટી શોમાં તક મળી:વડોદરામાં પુલાવની લારી ચલાવતી યુવતી રણવીર સિંહના રિયાલિટી શોમાં ચમકી, 10 લાખનું ઇનામ ચૂકી, હવે KBCમાં જવાનું લક્ષ્ય

વડોદરા2 મહિનો પહેલા
બોલિવૂડ એક્ટર રણવીર સિંહ સાથે વડોદરાની આશીયાના
  • હું સ્ટ્રોંગ છોકરી છું. કોઇ પણ ક્ષેત્રમાં હાર માનવા માગતી નથીઃ આશીયાના

મન મક્કમ હોય તો સફળતા ચોક્કસ મળે છે. ખાનગી ચેનલ ઉપર આવતા બોલિવૂડ એક્ટર રણવીર સિંહના રિયાલિટી શોમાં રૂપિયા 10 લાખનું ઇનામ જીતવાનું ચૂકી ગયેલી વડોદરાની આશીયાનાનું પુલાવની લારીમાંથી રેસ્ટોરન્ટ બનવાનું સપનું અધરું રહી ગયું છે. જોકે, આશીયાનાએ કેબીસી જેવા રિયાલિટી શોમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે અને એક દિવસ લારીમાંથી રેસ્ટોરન્ટ બનાવીને મારું અને પિતાનું સપનું સાકાર કરવાની તેની ઇચ્છા છે.

એક દિવસ ચોક્કસ હું મારું સપનું પૂરું કરીશ
આશીયાનાએ જણાવ્યું હતું કે, ભલે હું રિયાલિટી શોમાં 8માં પ્રશ્નનો જવાબ ખોટો આપતા રૂપિયા 10 લાખનું ઇનામ જીતી ન શકી. પરંતુ, વડોદરાની સામાન્ય પરિવારની યુવતીને ખાનગી ચેનલના લોકપ્રિય શોમાં પ્લેટફોર્મ મળ્યું તેનું મને ગૌરવ છે. હજુ મારી ઉંમર 16 વર્ષની છે. મારી પાસે ઘણો સમય છે. એક દિવસ ચોક્કસ હું મારું સપનું પૂરું કરવા સાથે વડોદરાનું નામ રોશન કરીશ, તેવો મને વિશ્વાસ છે.

વડોદરાની આશીયાનાનું પુલાવની લારીમાંથી રેસ્ટોરન્ટ બનવાનું સપનું અધરું રહી ગયું છે
વડોદરાની આશીયાનાનું પુલાવની લારીમાંથી રેસ્ટોરન્ટ બનવાનું સપનું અધરું રહી ગયું છે

લોકો અભિનંદનની વર્ષા કરી રહ્યા છે
વડોદરાના પ્રતાપનગર રોડ ઉપર આવેલા શરાફી મેરેજ હોલની સામે 12 સભ્યોના પરિવાર સાથે રહેતી આશીયાના ખુરદે ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યો છે. પિતાના અવસાન બાદ પિતા દ્વારા ચલાવવામાં આવતી પુલાવની લારી ચલાવવાની જવાબદારી ઉપાડી લીધી છે. રોજ વહેલી સવારે 4:30થી રાત્રીના 9 વાગ્યા સુધી દાલ પુલાવ, મસુર પુલાવ, કઢી ખીચડી, કઢી પુલાવ જેવા વિવિધ પ્રકારના પુલાવ બનાવે છે. આશીયાનાના હાથે બનેલો ચટાકેદાર પુલાવ ખાવા માટે લોકો દોડી આવે છે. આશીયાનાનો તા.28 નવેમ્બરે શો રજૂ થયા બાદ આશીયાના ઉપર લોકો અભિનંદનની વર્ષા કરી રહ્યા છે.

જીવનમાં આગળ આવવા માટે સંઘર્ષ કરવો પડે છે
આશીયાનાએ જણાવ્યું હતું કે, જીવનમાં આગળ આવવા માટે સંઘર્ષ કરવો પડે છે. હું સ્ટ્રોંગ છોકરી છું. હું કોઇ પણ ક્ષેત્રમાં હાર માનવા માગતી નથી. મને પહેલેથી વાંચનનો અને કંઇક નવું શિખવાનો તેમજ કંઇક નવું કરવાનો શોખ છે. મેં શોમાં જવા માટે 6 માસથી તૈયારી શરૂ કરી દીધી હતી. સોશિયલ મીડિયા તેમજ હાથવગા પુસ્તકો મેળવી રિયાલિટી શોમાં જવાની તૈયારીઓ શરૂ કરૂ કરી હતી. જ્યારે શોમાં મારૂ રજિસ્ટ્રેશન થઇ ગયું ત્યારે મારી ખુશીનો પાર ન હતો. ચેલની ટીમ મારા ઘરે શૂટીંગ કરવા માટે આવી ત્યારે પણ મારી ખુશીનો પાર ન હતો.

આશીયાનાએ કેબીસી જેવા રિયાલિટી શોમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે
આશીયાનાએ કેબીસી જેવા રિયાલિટી શોમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે

મારા પિતાનું લારીમાંથી રેસ્ટોરન્ટ બનાવવાનું સપનું સાકાર કરીશ
વધુમાં તેણે જણાવ્યું હતું કે, હોસ્ટ ફિલ્મ અભિનેતા રણવીર સિંહ સામે મારે પ્રશ્નોના જવાબ આપવાના હતા. મને શરૂમાં ડર લાગતો હતો. પરંતુ, જ્યારે તેમની સામે આવી ત્યારે મારો ડર દૂર થઇ ગયો હતો. અને તેઓ દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા તેના હું કોઇપણ ડર વિના જવાબ આપી રહી હતી. આઠમા પ્રશ્નનો જવાબ ન આપતા રૂપિયા 10 લાખનું ઇનામ જીતી શકી ન હતી. પરંતુ, ભલે હું રૂપિયા 10 લાખનું ઇનામ જીતી શકી નથી. પરંતુ, મને જે પ્લેટફોર્મ મળ્યું તેનાથી હું ખુશ છું. જો ઇનામ જીતી હોત તો મારી લારીમાંથી રેસ્ટોરન્ટ બનાવવાની ઇચ્છા હતી. રેસ્ટોરન્ટ બનાવીને મારા પિતાનું સપનું પૂરું કર્યું હોત. પરંતુ, એક દિવસ હું ચોક્કસ મારું અને મારા પિતાનું લારીમાંથી રેસ્ટોરન્ટ બનાવવાનું સપનું સાકાર કરીશ.

અન્ય સમાચારો પણ છે...