વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સુબોધનગરમાં 15 વર્ષના કિશોરનો કૂતરાને બાંધવના બેલ્ટ અને પંખા સાથે લટકતો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકના પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. લોકડાઉનમાં કરેલી 4 લાખ રૂપિયાની મદદ પેટે કિશોરને ઘરકામ માટે રાખ્યો હોવાનું બહાર આવ્યું છે.
પરિવારે ઘરમાં તોડફોડ કરી
પોલીસને આજે બપોરે 3 વાગ્યા આસપાસ કોલ મળ્યો હતો કે, માંજલપુર વિસ્તારમાં સુબોધનગરના એક મકાનમાં એક કિશોરે આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, FSL અને ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મૃતકના પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોલીસે લાશનો કબજો લઈને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ દરમિયાન પીડિત પરિવારે ઘરમાં તોડફોડ કરી હતી. પીડિત પરવારનુ ઘર નજીકમાં આવેલા ગોકુલનગરમાં છે. સુબોધનગર સ્થિત આ ઘરમાં દીપાબેન, રાજેશભાઈ અને ગગનભાઈ રહે છે અને તેઓ કિશોરને ત્રાસ આપતા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
મારા દીકરાને ખૂબ મારતા હતાઃમાતા
મૃતક કિશોરના માતા બિંદુબેને જણાવ્યું હતું કે, મારા છોકરાને ખવડાવી અને ચા પીવડાવીને મોકલ્યો હતો. મારા દીકરાને ખૂબ મારતા હતા. મારો છોકરો રોજ કહેતો હતો. અહીં તે બધુ કામ કરતો હતો. લોકડાઉનમાં મેં અહીં કામ કર્યું હતું. તેઓએ કોરોના કાળમાં મારું 4 લાખ રૂપિયાનું દેવુ ભર્યું હતું. તેઓએ વ્યાજ પણ ચડાવ્યું હતું. હવે 12 લાખ રૂપિયા થઈ ગયા હતા. ધીમે ધીમે મારા દીકરા પર હક કરી દીધો હતો. તેઓ કહેતા હતા કે, જ્યાં સુધી મારા રૂપિયા નહીં આપો ત્યાં સુધી આ છોકરો તમને નહીં મળે. પછી મારાથી સહન ન થયું, એટલે મેં મારું મકાન વેચવા કાઢ્યું હતું. એને મને કહ્યું હતું કે, 10 લાખ રૂપિયામાં ગ્રાહક છે. પછી મેં મારા માણસ પાસે સહીં કરાવી દીધી. પછી કહ્યું કે, 10 લાખ નહીં મળે.
કૂતરાના બેલ્ટથી એને મારી નાખવામાં આવ્યો છે
સમાજના અગ્રણી સંજય ઉઘરેજીયાએ જણાવ્યું હતું કે, અમને એવુ લાગે છે કે, વિપુલને મારીને લટકાવી દેવામાં આવ્યો છે. જો એને આત્મહત્યા કરી હોત તો તેને પગ નીચે પડેલા ન હોત. કૂતરાના બેલ્ટથી એને મારી નાખવામાં આવ્યો છે. એને ત્રાસ આપેલો છે એવુ અમને લાગે છે. છોકરાના પિતાને કેન્સરની બીમારી છે. છોકરાઓ બેથી ત્રણ વર્ષથી અહીં કામ કરતા હતા. એ લોકો લાખ-બે લાખ રૂપિયા એમને આપે તો એ લોકો એવુ કહેતા હતા કે, આ બધુ વ્યાજમાં ગયું. એમની મૂડી એવીને એવી બાકી રાખતા હતા. તેઓ કહેતા કે, અમારા રૂપિયા બાકી છે, ત્યાં સુધી અહીં કામ કરવુ પડશે. એવી રીતે માનસિક ત્રાસ આપીને કામ કરાવતા હતા. અમને ન્યાય મળવો જોઈએ એ જ અમારી માંગણી છે. આ પરિવાર ભાદરવા ચેહર માતા મંદિર સાથે સંકળાયેલો છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ થશે
એસીપી પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, 15 વર્ષના છોકરાએ પંખા વડે ગળે ફાંસો ખાધો છે. મૃતદેહને પોસ્ટરમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ પછી જ વધારે માહિતી બહાર આવશે. FSLની ટીમે પણ તપાસ કરી છે, તેના રિપોર્ટના આધારે આગળની તપાસ કરવામાં આવશે. પરિવારજના આક્ષેપો પણ છે. તમામ બાબતની ન્યાયીક તપાસ થશે. મૃતકે દબાણમાં આવીને આત્મહત્યા કરી હશે તો તેની પણ કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.