વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા અક્ષય ઠાકોર નામનો કિશોર ગુમ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. બીજી તરફ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા ઢીલી કામગીરીને કારણે આટલા દિવસ બાદ મૃતદેહ મળ્યો છે.
એક છોકરો મોબાઇલ ઘરે આપી ગયો
વડોદરામાં કિશનવાડી વુડાના મકાનમાં રહેતા અને છુટક મજૂરી કરતા બળવંતભાઇ ઠાકોરની પોલીસ ફરિયાદ ગત 6 ડિસેમ્બરે નોંધાઇ હતી. જેમાં જણાવ્યું હતું કે, તેમના 14 વર્ષિય પુત્ર અક્ષયે ગત 28 નવેમ્બરના રોજ ફોન પર કહ્યું હતું કે, તે બપોર સુધીમાં ઘરે આવી જશે. જોકે, રાત સુધી ઘરે ન આવતા તેની શોધખોળ શરૂ કરી હતી. તો અક્ષયના મિત્ર અજયે જણાવ્યું હતું કે, અક્ષય તેનો ફોન આપીને ગયો છે અને કેટરિંગનો ઓર્ડર હોવાથી જઈ રહ્યો છે, તેમ કહી એક વ્યક્તિની બાઇક પાછળ બેસીને જતો રહ્યો હતો.
અક્ષય કેટરિંગના આર્ડરમાં જતો
અક્ષય અગાઉ પણ કેટરિંગના આર્ડરમાં જતો હોવાથી બે-ત્રણ દિવસે ઘરે આવતો હતો. જેથી તે પરત આવી જશે તેમ પરિવારને લાગ્યું હતું. પરંતુ, નવ દિવસથી તે પરત ન આવતા આખરે તે ગુમ થયો હોવાની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
પોલીસે તપાસ નહીં કર્યાંનો બહેનનો આક્ષેપ
મૃતક અક્ષયની બહેન રાધાએ આજે આક્ષેપ કર્યા હતા કે, મારો ભાઇ 28 નવેમ્બરથી ગુમ હતો અને 6 ડિસેમ્બરે ફરિયાદ લીધી. હવે ચૂંટણી પૂર્ણ થઈ ત્યારે ગત રાત્રે પોલીસે તપાસ કરી અને સમા કેનાલ પાસેથી તેના કપડાં મળી આવ્યા. તપાસ કરતા તેનો મૃતદેહ અંકોડિયા પાસે કેનાલમાંથી મળ્યો છે. મારા ભાઇની સાથે રહેલા છોકરાઓ કહે છે કે તેઓ સમા કેનાલમાં ન્હાવા ગયા હતા અને ત્યાં અક્ષય ડૂબી ગયો હતો. પરંતુ આ મામલે પોલીસે આટલા દિવસ તપાસ ન કરતા મારા ભાઇનો મૃતદેહ આટલા બધા દિવસ બાદ મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.