હત્યા:દુમાડથી દેણા માર્ગ પર મળેલા મૃતકની ઓળખ વડોદરાના ધર્મેશ કહાર તરીકે થઇ, 10 જેટલા ઘા મારી હત્યા કરાઇ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેશ કહારની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ધર્મેશ કહારની ફાઇલ તસવીર.

વડોદરા નજીક દુમાડથી દેણા જવાના માર્ગ ઉપર ઝાડી વચ્ચે ભરાયેલા પાણીના ખાબોચીયામાંથી સવારે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં આ યુવાન દાંડિયા બજાર કાકા સાહેબ ટેકરાનો રહેવાસી હોવાની ઓળખ થઇ છે. આ યુવાન પાંચ દિવસ પૂર્વે કિશનવાડીમાંથી રહસ્યમય ગૂમ થઇ ગયો હતો. દરમિયાન આજે સવારે તેનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં અજાણ્યા હત્યારાઓએ તિક્ષ્ણ હથિયારના 10 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું બહાર આવ્યું હતું.

તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. જે.ડી. સરવૈયાએ જણાવ્યું હતું કે, સવારે દુમાડ અને દેણા ગામની વચ્ચેથી મળી આવેલો મૃતદેહ દાંડિયા બજાર કાકા સાહેબ ટેકરાના મૂળ રહેવાસી અને હાલમાં કિશનવાડી વુડાના મકાનના રહેવાસી 26 વર્ષિય ધર્મેશ સત્યનારાયણ કહારનો છે. તેણે છ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. તેને એક સંતાન છે. તે છેલ્લા કેટલાંક સમયથી કિશનવાડીમાં પત્ની અને પુત્ર સાથે રહેતો હતો.

મૃતદેહ મળતા લોકોના ટોળા ઉમટ્યા હતા
મૃતદેહ મળતા લોકોના ટોળા ઉમટ્યા હતા

પી.એસ.આઇ. જે.ડી. સરવૈયાએ વધુમાં જણાવ્યું કે, તા.13 સપ્ટેમ્બરના રોજ ધર્મેશ ઉપર તેના મિત્રનો ફોન આવ્યો હતો. અને તે મિત્રની બાઇક ઉપર કિશનવાડી ગધેડા માર્કેટ આવ્યો હતો. ત્યાર પછી મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો અને મિત્રોએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, તેનો કોઇ પત્તો ન મળતા વારસીયા પોલીસ મથકમાં ગુમ થયાની જાણ કરી હતી. આ ઉપરાંત પરિવારજનો અને મિત્રોએ ધર્મેશ કહારના ફોટા સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા. દરમિયાન આજે તેનો મૃતદેહ દુમાડ અને દેણા ગામ વચ્ચે ઝાડીમાં પાણીથી ભરેલા ખાબોચીયામાંથી મળી આવ્યો હતો.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસ
ઘટના સ્થળે પહોંચેલી પોલીસ

અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હોવાના મીડિયામાં સમાચારો પ્રસિધ્ધ થતાં ધર્મેશ કહારના પરિવારે તાલુકા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ધર્મેશનો મૃતદેહ વિકૃત થઇ ગયો હોવાથી ચહેરા ઉપરથી ધર્મેશને ઓળખવો પરિવાર માટે મુશ્કેલ હતું. પરંતુ, પરિવારે ધર્મેશે તેના હાથ ઉપર સિંહના ચિતરાવેલા ટેટુ ઉપરથી ઓળખ કરી હતી. લાશની ઓળખ થતા પરિવારે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ધર્મેશની હત્યા જુની અદાવતમાં થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...