વડોદરા નજીક આવેલા વાઘોડિયામાં કમલાનગર સોસાયટીમાં રહેતી એક માતાએ માસૂમ દીકરીને નર્મદા કેનાલમાં ફેંકી પોતે પણ ગુમ થતાં ચકચાર મચી જવા પામી છે. વાઘોડિયા પોલીસે માતા સામે દીકરીની હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકના 2019માં લગ્ન થયા હતા
વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જશવંતભાઇ જેશલભાઇ રાઠવાએ જણાવ્યું છે કે, તેના લગ્ન વર્ષ 2019માં ક્વાંટના ખાટીયાવાં ગામમાં રહેતી કલ્પના રાઠવા નામની યુવતી સાથે થયા હતાં. લગ્ન જીવનમાં તેમને સવા વર્ષની દીકરી પ્રિતી છે. દરમિયાન ગત 1 ફેબ્રુઆરીના રોજ દીકરી પ્રિતી બીમાર હોવાથી તેને દવાખાને લવા જવા માટે પત્નીએ કહ્યું હતું. જો કે જસવંતભાઇના એટીએમ કાર્ડમાં ખામી સર્જાતા રૂપિયા ઉપાડી શકાયા ન હતાં. તેથી તેઓ સંબંધીના ઘરે ગયા હતા અને તેમની પાસે રૂપિયાની માંગણી કરતા સંબંધીએ તેમનું એટીએમ કાર્ડ આપી રૂપિયા ઉપાડી લેવા કહ્યું હતું. પરંતુ જશવંતભાઇ એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા તો રૂપિયા ઉપડ્યા ન હતાં. તેથી તેઓ પત્નીને લઇને ઘરે પરત આવી ગયા હતા.
પત્ની ઘરમાંથી કોઇને કહ્યા વિના દીકરીને લઇને જતી રહી
દરમિયાન પત્ની કલ્પના ઘરમાંથી કોઇને કહ્યા વિના દીકરીને લઇને જતી રહી હતી. જેથી તેને શોધવા પતિ વાઘોડિયા બસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં કલ્પના એક પેસેન્જર કારમાં બેઠેલી નજરે પડી હતી અને તેને ઘરે પરત આવવા કહ્યું હતું. પરંતુ કલ્પનાએ કહ્યું હતું કે, તે દીકરીને બોડેલી ખાતે દવાખાને લઇ જઇ રહી છે. આમ કહી તે કારમાં રવાના થઇ ગઇ હતી. બીજા દિવસે જશવંતભાઇને તેમના પિતાએ ફોન કરી જણાવ્યું હતું કે કલ્પના તેમના ઘરે કે પિયર પહોંચી નથી. બોડેલી ખાતે પણ તે હોસ્પિટલમાં પહોંચી ન હતી.
પુત્રીની લાશ મળી
4 ફેબ્રુઆરીના રોજ સાંજના જશવંતભાઇને જાણવા મળ્યું હતું કે, તેમની દીકરીની લાશ વાઘોડિયાના સૈડાંલ ગામની નર્મદા માઇનોર કેનાલમાંથી મળી આવી છે. જ્યારે હજુ સુધી તેમની પત્ની કલ્પનાની કોઇ ભાળ મળી નથી. હાલ વાઘોડિયા પોલીસે કલ્પના સામે દીકરીની હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.