હત્યા કે આત્મહત્યા?:લુણાવાડાના યુવક અને શહેરાની યુવતીના મૃતદેહ પાનમ કેનાલમાંથી મળ્યા, બંને કરાટે ટ્રેનર હતા

શહેરાએક મહિનો પહેલા
કરાટે ટ્રેનર યુવક અને યુવતીના મૃતદેહ પાનમ કેનાલમાંથી મળ્યા
  • પોલીસે બંનેના મૃતદેહો શોધવા કેનાલનું પાણી બંધ કરાવ્યું

પંચમહાલ જિલ્લાના શહેરાની પાનમ કેનાલમાંથી મહીસાગરના લુણાવાડાના 22 વર્ષીય યુવક ગૌરાંગ અને યુવતી ધ્વનિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બંને કરાટે ટ્રેનર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.

પિતાએ ધ્વનિને ફોન કરતા ફોન બંધ આવ્યો
મહીસાગર જિલ્લાની રહેવાસી 22 વર્ષીય ધ્વનિ રાબેતા ક્રમ મુજબ ગુરૂવારે સવારે11 વાગ્યે પોતાના ઘરેથી મહીસાગર જિલ્લાના સોનેલાવ ગામની શાળામાં કરાટેની તાલીમ આપવા જવાનું કહીને નીકળી હતી. ગુરુવારના રોજ સાંજના 5:30 વાગ્યે ધ્વનિના પિતા પર તેમના મિત્રનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તેઓનું ટુ-વ્હીલર અને અન્ય કાળા રંગની બાઇક શહેરા તાલુકાના ઊંડારા ગામ પાસે આવેલી પાનમ કેનાલ પાસે પડેલી છે. જેથી પિતાએ ધ્વનિને ફોન કરતા ફોન બંધ આવ્યો હતો.

યુવક અને યુવતીના ટુ-વ્હીલર સ્થળ પરથી મળ્યા હતા
યુવક અને યુવતીના ટુ-વ્હીલર સ્થળ પરથી મળ્યા હતા

લોકોના ટોળા ઉમટ્યા
ત્યારબાદ તાત્કાલિક ધ્વનિના પિતા ઊંડારા ગામે પહોંચ્યા હતા અને ત્યાં જઇને જોતા તેમની માલિકીની બાઇક કેનાલ પાસે પડેલી હતી અને બીજી બાઇક પણ ત્યાં પડેલી હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા હતા. લુણાવાડાના ભોઈ સમાજના લોકો ત્યાં હાજર હતા અને તેમાંથી કોઈએ જણાવ્યું હતું કે, બીજી બાઇક તેમના સંબંધી ગૌરાંગની છે અને ગૌરાંગ પણ તેના ઘરે શાળામાં બાળકોને કરાટેની તાલીમ આપવા જતો હોવાનું જણાવીને નીકળ્યો હતો અને તે પણ ઘરે ન પહોંચતા જાણવા મળ્યું હતું કે, તેની બાઇક પણ ઊંડારા ગામ પાસે આવેલી પાનમ કેનાલ પડેલી છે.

યુવક અને યુવતીના મૃતદેહ મળતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા
યુવક અને યુવતીના મૃતદેહ મળતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા

બંનેના મૃતદેહો કેનાલમાંથી મળ્યા
શુક્રવારની સવારે ધ્વનિના પિતાને વાતોવાતોથી જાણવા મળ્યું હતું કે, ઊંડારા ગામે કેનાલમાં પાણીમાં એક અજાણ્યો મૃતદેહ તરી રહ્યો છે, આથી તેઓ ત્યાં પહોંચ્યા હતા અને થોડીવાર પછી ગૌરાંગના સંબંધીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, ગૌરાંગનો મૃતદેહ થોડે આગળ બલુજીના મુવાડા ખાતે પાનમ કેનાલમાં પાણીમાં તરી રહ્યો છે, જેથી આ બાબતની જાણ શહેરા પોલીસ મથકે કરાતા શહેરાના પી.આઈ રાહુલ રાજપૂત તેમજ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલા સહિતના પોલીસ કર્મીઓએ પહોંચીને બંને મૃતદેહોને ગ્રામજનોની મદદથી બહાર કાઢ્યા હતા અને શહેરાના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. જ્યાં પેનલ તબીબોએ બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બંનેના મૃતદેહો શોધવા કેનાલનું પાણી બંધ કરાવ્યું હતું
પોલીસે બંનેના મૃતદેહો શોધવા કેનાલનું પાણી બંધ કરાવ્યું હતું

મૃતદેહો શોધવા પાણી બંધ કરાવ્યું
ધ્વનિ અને ગૌરાંગ બંને ગુરુવારના રોજ ઊંડારા ગામની પાનમ કેનાલમાં પડી જતા આ બાબતની જાણ શહેરા પી.આઈ રાહુલ રાજપૂત ને થતા તેઓએ પાનમ જળાશયના સંબંધિત અધિકારીને જાણ કરી પાણી બંધ કરાવ્યું હતું અને જ્યારે શુક્રવારના રોજ બંને મૃતદેહોની માહિતી મળી હતી. જેથી વહેલી સવારે પી.આઈ રાહુલ રાજપૂત અને હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલા સ્થળ પર પહોંચી જઈને બંને જણા કેનાલમાં ઉતરી ગ્રામજનો સાથે તેઓએ પણ મૃતદેહ બહાર કાઢવા કમર કસી હતી.

અન્ય સમાચારો પણ છે...