ઉનાળે માવઠું:માવઠાથી અંધારપટ થતાં બોર્ડના વિદ્યાર્થીઓ અટવાયા, અકોટા વીજ સબ સ્ટેશને હોબાળો

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બરાનપુરામાં મકાન ધરાશાયી, ફતેગંજ-વીઆઇપી રોડ પર ઝાડ પડ્યાં

સાયક્લોનિક સર્ક્યુલેશની અસરને પગલે 15 માર્ચે મોડી સાંજે ગાજવીજ સાથે માવઠું વરસતા ગરમીનો પારો 4 ડિગ્રી ગગળ્યો હતો. 10થી 15 કિમીના પવનો ફુંકાતા ધૂળની ડમરી ઉડી માવઠું વરસ્યું હતું. જેને પગલે મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. બીજી તરફ ધો.10-12ની બોર્ડની પરીક્ષાને પગલે અકોટા વિસ્તારમાં વિજકંપનીના સબ સ્ટેશન પર લોકટોળાં ઉમટ્યાં હતાં. બરાનપુરામાં બંધ મકાન ધરાશાયી થયું હતું તો કારેલીબાગમાં શોર્ટ-સર્કિટ થતા લાઈટો ગુલ થઈ હતી. વીઆઇપી રોડ અને ફતેગંજ પાસે ઝાડ પડી જવાની ઘટના માવઠાને પગલે ઘટી હતી.

કારેલીબાગ અને નવરંગ સિનેમા રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં વિજળી ડૂલ થઇ
આ પહેલા શહેરમાં બુધવારે બપોર બાદ કાળા વાદળોથી વાતાવરણ ઘેરાયું હતું. વાદળો છવાતા ઉનાળાની રૂતુંમાં ચોમાસુ છવાયું હોય તેવી પરીસ્થીતી જોવા મળી હતી. મોડી સાંજે શહેરમાં વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમીનો પારો 32 ડિગ્રી જેટલો અનુભવાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ 19 માર્ચ સુધી મધ્ય ગુજરાતના વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં કમોસમી માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે.

શહેરમાં છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ નોંધાઈ રહ્યું છે. જ્યારે ગાજવીજ સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે શહેરીજનો બપોરે ગરમી અને રાતે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બુધવારના રોજ પણ સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ પણ ભીના થઈ ગયા હતાં.

હજુ પણ શહેરીજનોને 19 માર્ચ સુધી બેવડી રૂતુંનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના ફોર કાસ્ટ મુજબ શહેરમાં 15 માર્ચના રોજ મહત્તમ તાપમાનનો પારો 34 ડિગ્રી અને લધુત્તમ તાપમાનનો પારો 21.2 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે ભેજનું પ્રમાણ સવારે 53 ટકા અને સાંજે 45 ટકા નોંધાયું હતું.જ્યારે પશ્ચિમી દિશા થી 8 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં.

જિલ્લા કલેક્ટરનું ખેડૂતોને તકેદારી રાખવા માટે સૂચન
કમોસમી વરસાદથી જિલ્લા કલેક્ટર એ.બી.ગોરે જિલ્લાના ખેડુતોને પાકને નુકશાનથી બચાવવા પાકને સલામત સ્થળે ખસેડવા જણાવ્યું છે. જો પાકને અન્ય ખસેડી શકાય તેમ ન હોય તો તાડપત્રીથી ઢાંકવા જણાવાયું છે. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયે ન કરવા પણ સુચના અપાઈ છે.

આર્યકન્યા વિદ્યાલય પાસે વિજવાયર તુટી જતાં ભય
કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલય પાસે ઝડપી પવનના કારણે વિજવાયર તુટી પડતા ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. પવનના કારણે મકરપુરા વિસ્તારમાં ઝાડની ડાળખી પડતા દોડધામ મચી હતી. જો કે જાનહાની થઈ ન હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.નવરંગ સિનેમા રોડ પર શોર્ટસર્કિટના પગલે અંધારપટ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...