દુર્ઘટના:આજવા બ્રિજ પર ટ્રકનું ટાયર ફાટતાં ડીઝલ ટેન્કમાં બ્લાસ્ટ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંજલપુર અવધૂત ફાટક નજીક કારમાં આગ
  • સદનસીબે બંને બનાવમાં કોઈ જાનહાનિ નહીં

શહેર નજીકથી પસાર થતા હાઇવે પર આજવા બ્રિજ પર મેટલ ભરેલા ટ્રકના ટાયર ફાટયા બાદ લાગેલી આગને કારણે ડીઝલ ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જેના પગલે ટ્રકના તમામ ટાયર બળી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ સોમવારે સાંજે એક ટ્રક ઉશલપુરા સેવાલિયાથી મેટલ ભરી ટ્રક નબીપુર ખાતે જતી હતી. દરમિયાન હાઇવે પર આજવા બ્રિજ ઊતરતા લક્ષ્મી સ્ટુડિયો પાસે અચાનક ટ્રકના ટાયર ફાટી જતાં આગ લાગી હતી. આગ ફેલાતાં ડીઝલ ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો.

ઘટનાના પગલે ડ્રાઇવરે ટ્રકને રોડની બાજુમાં ઊભી કરી ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે લાશ્કરોએ પહોંચી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી. ટ્રકના 4 ટાયર બળીને ખાખ થયા હતા. આગનો બીજો બનાવ માંજલપુર અવધૂત ફાટક પાસે બન્યો હતો. જેમાં ટો કરીને લઈ જવાતી એક કારમાં અચાનક આગ લાગતાં આસપાસના વાહન ચાલકોમાં નાસભાગ મચી હતી. બનાવ સંદર્ભે ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...