દીકરીની વેદનાની કહાની પિતાની જુબાની:વિધર્મી યુવકે કહ્યુંઃ 'તું બંને હાથે બ્લેડના 500 ઘા માર', દર્દથી કણસતી યુવતી બોલી 'તેં મને ખાલી સેક્સ માટે જ રાખી છે'

વડોદરાએક મહિનો પહેલાલેખક: મેહુલ ચૌહાણ

મારી ફૂલ જેવી દીકરીને વિધર્મી યુવક પ્રેમજાળમાં ફસાવી મારી આંખ સામે તેને લઈ ગયો... દુઃખ તો થયું, પણ પછી મનને મનાવ્યું કે ચાલો, દીકરી આમ સુખી થાય તોપણ ઘણું છે, પરંતુ એ વિધર્મી પિશાચે મારી દીકરી સાથે જે કર્યું એવું કોઇની દીકરી સાથે ન થાય. અમે અમારી દીકરીને કદી હાથ પણ નહોતો અડાડ્યો ને એ નરાધમ મારી દીકરી જોડે જ તેના શરીર પર બ્લેડ વડે 500 જેટલા ઘા મરાવ્યા. દર્દથી કણસતી મારી દીકરીએ એમ પણ કહ્યું કે હવે મારાથી સહન થતું નથી, હું મરી જઇશ... આ વાત કરતાં વડોદરાના કરોડપતિ બિલ્ડર રીતસર ધ્રૂસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા.

ધો-10 નાપાસ સેલ્વિન પરમારે ફાંકા ઠોકી દીકરીને ફસાવી
પોતાની દીકરી પર થયેલા અત્યાચારને દિવ્ય ભાસ્કર સમક્ષ વર્ણવતાં તેમણે કહ્યું હતું કે મારી દીકરી 2019માં MS યુનિવર્સિટીમાં થર્ડ LLBમાં ભણતી હતી. એ સમયે 10મું ફેલ વિધર્મી યુવક સેલ્વિન પાઉલ પરમારે તેને પ્રેમજાળમાં ફસાવી. સેલ્વિનનાં કપડાં અને ચપ્પલ પહેરવાનાં પણ ઠેકાણાં નહોતાં, પરંતુ પોતે 250 કરોડની સંપત્તિનો માલિક છે અને ફેક્ટરી, રેતીની લીઝો, પેટ્રોલ પંપ છે એમ કહીને મારી દીકરી પ્રિયંકાને (બદલેલું નામ) ભોળવી હતી.

હોટલમાં લઈ જઈ અંગત પળોનો વીડિયો બનાવ્યો
થોડીક મુલાકાતો આકર્ષણમાં પલટાઈ ને સેલ્વિન મારી દીકરી પ્રિયંકાને એક હોટલમાં લઇ ગયો. ત્યાં તેની સાથે માણેલી અંગત પળોનો વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ સેલ્વિને પ્રિયંકાને એટલી હદે વશમાં કરી હતી કે તે પ્રિયંકાને તેના હાથ પર બ્લેડથી 30 કાપા મારી તેનો વીડિયો બનાવી મોકલી આપવા વિવશ કરતો હતો. હદ તો ત્યારે થઈ, જ્યારે પ્રિયંકાને તે શરીર પર 200 કાપા તો ક્યારેક બ્લેડના 400 કાપા મારવા પડશે અને તેના ફોટો મોકલવા પડશે એ રીતે મજબૂર કરતો. આ અંગેની તમામ વ્હોટ્સએપ ચેટ પણ અમારી પાસે છે.

ડોક્ટરે કહ્યું: તમારી દીકરી તો આખા શરીરે ચીરાઈ ગઈ છે
જ્યારે પ્રિયંકા સેલ્વિનના અત્યાચાર સહન ન કરી શકી, ત્યારે તેને શહેરના એક જાણીતા મનોચિકિત્સક પાસે સારવાર માટે લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરે જ્યારે તેનું કાઉન્સેલિંગ કર્યું, ત્યારે તેણે પોતાના શરીર પર રહેલા બ્લેડના ઘા બતાવ્યા. આ જોઇ ડોક્ટર પણ ડઘાઇ ગયા હતા અને અમને કહ્યું કે તમારી દીકરી તો આખા શરીરે ચીરાઈ ગઈ છે, ત્યારે અમને જાણ થઇ કે પ્રિયંકાની હાલત અમારાથી તો જોઇ શકાય એવી પણ ન હતી. પ્રિંયકા હાથે આખી બાયનાં કપડાં પહેરી રાખતી, જેથી અમને આ અંગે જાણ જ ન થવા દીધી.

સેલ્વિને મારી દીકરીને ભગાડીને લગ્ન કર્યા
સેલ્વિને પ્રિયંકાને એવી વશમાં કરી લીધી હતી કે તે તેનું કહ્યું માનતી હતી. સેલ્વિન પ્રિયંકાને સપ્ટેમ્બર 2019માં ભગાડી ગયો અને તેની સાથે આણંદ લઇ જઇ લગ્ન કરી લીધા. સેલ્વિન જ્યારે અમારી દીકરીને ભગાડી ગયો ત્યારે અમે ઘરમાં એક શુભ પ્રસંગ લઇને બેઠા હતા, જેથી અમે તેની સામે તાત્કાલિક ફરિયાદ પણ કરી શકીએ એમ ન હતા. શુભ પ્રસંગ પૂર્ણ થયા બાદ અને સેલ્વિન-પ્રિયંકાના લવ-મેરેજના થોડા મહિના બાદ અમને તેમના પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે પ્રિયંકા સાથે મારઝૂડ થાય છે અને માંસાહાર કરવા દબાણ કરવામાં આવે છે તેમજ મજૂરની જેમ કામ કરાવવામાં આવે છે.

પોલીસે કહ્યું: તમારી દીકરીને ઘરે લાવીને શું કરશો?
પ્રિયંકાના પિતાએ પોતાની દર્દનાક હકીકતને આગળ વધારતાં કહ્યું હતું કે દીકરીની આવી હાલત જોઇ ન શકતાં અમે ઓગસ્ટ 2021માં પોલીસની SHE ટીમનો સંપર્ક કર્યો હતો, જેથી અમારા ઘરે છાણી પોલીસ સ્ટેશનથી SHE ટીમ આવી હતી, જેમાં એક નોયલ સોલંકી નામનો પોલીસકર્મી પણ હતો. નોયલે અમારી સાથે વાતચીત કર્યા બાદ દૂર જઇ સામેના યુવક સાથે ફોન પર વાત કરી હતી. એ પછી નોયલે અમારી સાથે ચર્ચા દરમિયાન મને પૂછ્યું કે તમારી દીકરીને તમારે ઘરે પાછી લાવીને તમે શું કરવા માગો છો? હકકીતમાં તો SHE ટીમના સભ્ય તરીકે અમને આવા સવાલ પૂછવા આવકારદાયક નથી.

પોલીસકર્મીએ ઇશારાથી રૂ. 5 હજારની માગણી કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે નોયલે તે રાત્રે અમારી સાથે વાત કરી અને ચર્ચા દરમિયાન તેણે હાથના ઇશારાથી પાંચ હજાર માગ્યા. હું આ ઈશારો સમજી જતાં પોલીસ જીપની પાસે જઇ તેને આપ્યા અને તેણે રૂપિયા ગાડીમાં મૂકવા ઇશારો કર્યો. મેં રૂપિયા ગાડીની સીટ પર મૂક્યા હતા. ગાડીમાં આ રૂપિયા મૂક્યા એના CCTV પણ અમારી પાસે છે. નોયલ અને સેલ્વિન એક જ ધર્મના હોવાથી અમને તેની કામગીરી પર શંકા ઊપજી હતી, જેથી SHE ટીમના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે મારી દીકરીનું કાઉન્સેલિંગ કરાવ્યું. આખરે દીકરી અમારા ઘરે પરત આવી હતી અને સેલ્વિને ગુજારેલા અત્યાચારની વાત કરી. એ અંગે તેની વિરુદ્ધ સપ્ટેમ્બર 2021માં છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નોયલની કામગીરી શંકાસ્પદ નીકળતાં સસ્પેન્ડ
નોયલ સામે પ્રિયંકાના પિતાએ છેક વડાપ્રધાન કાર્યાલયમાં અરજી આપી હતી. જેથી વડાપ્રધાન કાર્યાલયથી પણ અમને યોગ્ય ન્યાય મળે એ દિશામાં કાર્યવાહી થશે એવો પ્રત્યુત્તર મળ્યો હતો, સાથે જ તેની શંકાસ્પદ કામગીરી અંગે તપાસ કરવા તેમજ રૂપિયા લીધાના CCTV ફૂટેજ પણ આપ્યા હતા. આ અંગે વડોદરાના DCP ઝોન-2 અભય સોનીની તપાસમાં જણાયું હતું કે નોયલની કામગીરી શંકાસ્પદ હતી તેમજ તેની સાથે છાણીનો કોન્સ્ટેબલ સંજયકુમાર પણ ગયો હતો. જેની નોકરી SHE ટીમમાં ન હોવા છતાં બિલ્ડરના ઘરે પોલીસની ગાડીમાં ગયો હતો, જેથી નોયલ અને સંજયકુમારને ગત 22 જૂન 2022ના રોજ સસ્પેન્ડ કરી દેવાયા છે.

દીકરીને અમેરિકા મોકલી, હવે તેને પાછા આવવું જ નથી
પોતાના ઘરે પરત લાવ્યા બાદ પિતાએ દીકરીના સારા ભવિષ્ય માટે અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે મોકલી દીધી છે. યુવતીના પિતાના જણાવ્યા અનુસાર, અમારે દીકરી સાથે ફોન પર નિયમિત વાત થાય છે અને અમારી દીકરી કહે છે કે હવે હું ભારત પરત ફરવા માગતી નથી. અમે પણ તેને પાછી બોલાવવા માગતા જ નથી. કદાચ અમારી દીકરીના ભવિષ્ય માટે એ જ સારું રહેશે કે તે હવે ભારત પાછી આવે જ નહીં.

અન્ય સમાચારો પણ છે...