ભાસ્કર એનાલિસિસ:ભાજપના ‘નિશાળિયા’ કાકા, ભાઇ, મામાનું મતદારો પહેલાં કાર્યકરમ્ શરણમ્ ગચ્છામિ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લા ભાજપના ત્રણ કપાયેલા અને એક રડારના નેતાઓની કાર્યકરો સાથે બેઠક
  • સતિષ નિશાળિયા, દિનુ મામા, મધુ ‘ભાઇ’ શ્રીવાસ્તવનું હવે ચૂંટણી લડવાનું પોતાનું મેદાન, યોગેશ પટેલ (કાકા) અવઢવમાં

ભાજપના ઉમેદવારોની યાદી બાદ વડોદરા શહેર જિલ્લામાં સ્થિતિ ઉકળતા ચરૂ સમાન બની છે. માંજલપુરમાં જાહેરાત બાકી છે તે પૂર્વે જ ટિકીટ કપાવવાના ભયથી ધારાસભ્ય હવે સમર્થકો અને કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા છે. જિલ્લામાં કરજણ પાદરા અને અને વાઘોડિયા બેઠક પર ટીકીટ કપાતા ભાજપના વર્તમાન ધારાસભ્યોએ હવે ચૂંટણી અપક્ષ ચૂંટણી લડવા માટે કાર્યકરોના શરણે ગયા છે. મધુ શ્રીવાત્સવે ચૂંટણી લડવી કે નહીં તેનો નિર્ણય કરવા 11 કાર્યકરોની કમિટી બનાવી છે. કરજણમાં પણ સતીષ નિશાળીયા અને પાદરામાં દિનુમામાએ કાર્યકરો સાથે ચર્ચા કરી અપક્ષ લડવા નક્કી કર્યુ છે.

માંજલપુર : બાંકડે બેસતા કાકાએ બે મેદાનોમાં કાર્યકરો પાસે મેન્ડેટ માગ્યો
7 ટર્મથી ધારાસભ્ય રહેલા યોગેશ યોગેશ પટેલે વધુ એક વખત ચુંટણી લડવા દાવેદારી કરી છે. 75 વર્ષની વય મર્યાદા વટાવી ચૂકેલાને રીપીટ કરવામાં નહીં આવે તેવી સી.આર પાટીલની જાહેરાત બાદ યોગેશ પટેલની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. જો પાર્ટી ટિકિટ નહીં આપે તો શું કરવું તે માટે હવે ધારાસભ્ય યોગેશ પટેલ (કાકા) કાર્યકરોના શરણે પહોંચ્યા છે. કહેવાય છેકે, અમદાવાદી પોળના નાકે બાકડા પર બેસતા યોગેશ પટેલ શુક્રવારે સવારે તરસાલી જીઈબી ગ્રાઉન્ડ, સાંજે માંજલપુર મહાત્મા ગાંધી સ્કૂલમાં તેમના સમર્થકો અને કાર્યકરો સાથે બેઠક યોજી ટિકિટ ન મળે તો શું કરવું તે અંગે ચર્ચા વિચારણા કરી હોવાનું મનાય છે.

વાઘોડિયા : ખુદ જ ટિકિટ જાહેર કરનાર મધુ હવે ‘કાર્યકર નિર્ભર’
વાઘોડીયા બેઠક પર ભાજપે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટીકીટ આપી છેલ્લા 6 વર્ષથી ધારાસભ્ય તરીકે જીતતા મધુ શ્રીવાસ્તવની ટીકીટ કાપી છે. દબંગ ઈમેજ ધરાવતા મધુ શ્રીવાસ્તવે 10 નવેમ્બરના રોજ પોતે સમર્થકોના કહેવાથી અપક્ષ ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી.જો કે, હવે અચાનક મધુ શ્રીવાસ્તવે મારા સમર્થકોએ એક કમીટી બનાવી છે. તે જે નિર્ણય લેવાશે તે પ્રમાણે હું આગળ વધીશ તેમ કહેતા આશ્ચર્ય ફેલાયું છે. આમ છેલ્લા 6 વર્ષોથી ભાજપ તો મને ટીકીટ આપવાની જ છે તેવી વાત કહેનારા મધુ શ્રીવાસ્તવ હવે ચુંટણી લડવાનો નિર્ણય લેવા સૌપ્રથમ સમર્થકોના શરણે પહોચ્યાં છે.

કરજણ: કાર્યકરોના ક્લાસમાં નિશાળિયા પાઠ ભણશે, કેવી રીતે લડવું?
કરજણ વિધાનસભા બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલને ફરી વાર ટીકીટ આપી છે. જ્યારે કરજણ બેઠક પર પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયાએ પણ ટીકીટ માંગી હતી. પરંતું બરોડા સુગર બંધ થઈ જતા તેમાં ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોના 25 કરોડ રૂપિયા ફસાતા સરકારે ચુકવવા પડ્યાં હતાં. આ મામલે પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયાની ટીકીટ કપાઈ હોવાનું મનાઈ રહ્યું છે. શુક્રવારે પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયાએ જણાવ્યું હતું કે, મારૂ ચુંટણી લડવાનું પાક્કુ જ છે. હું બે દિવસમાં કાર્યકરોને ભેગા કરૂ છું અને તેમની સાથે ચર્ચા કરીને અપક્ષ લડવું કે અન્ય પાર્ટીમાંથી તે નક્કી કરીશ.

પાદરા : અપક્ષ લડવાની જાહેરાત કરી દીધી, 17મીએ ઉમેદવારી નોંધાવશે
પાદરા બેઠક પર ક્ષત્રિય મત કબજે કરવા ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટીકીટ આપી પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુમામા)ની ટીકીટ કાપી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં દિનેશ પટેલને ટીકીટ આપી હતી. પરંતું કોંગ્રેસમાંથી જશપાલસિંહ પઢીયાર ક્ષત્રિયોના મત મેળવીને ચુંટણી જીતી ગયા હતાં. ટીકીટ કપાતા દિનુમામાએ અપક્ષ લડવાની જાહેરાત કરી દીધી છે. દિનુમામાએ 11 નવેમ્બરે પોતાના સમર્થકો સાથે આ અંગે ચર્ચા પણ કરી હતી. જ્યારે તેઓ 17 નવેમ્બરના રોજ સવારે 11 વાગે પોતાના સમર્થકો સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવા જશે.

અન્ય સમાચારો પણ છે...