વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં આવતા તરસાલી વિસ્તારમાં દબાણો હટાવતી વેળાએ ભાજપના રૂલિંગ પાર્ટીના નેતાએ દબાણ શાખાને લારી અને શેડ નહિ હટાવવાનું ફરમાન સંભળાવ્યું હતું. જોકે આ સમયે ત્યાં હાજર મેયરે નેતાના ફરમાન સામે લારીને હટાવડાવી સરકારી જગ્યામાં ઊભા કરાયેલા શેડને હટાવવા માટે મુદ્દત આપી હતી. લારી હટાવવા મુદ્દે મેયર અને રૂલિંગ પાર્ટીના નેતા વચ્ચે જાહેરમાં તૂ તૂ મૈં મૈં થઈ હતી. દબાણ હટાવવા માટે થયેલી આ રકઝક ભાજપમાં ચર્ચાનો વિષય બની હતી.
શહેરના વોર્ડ 16માં આવતા તરસાલી શાક માર્કેટ નજીક, ચાર રસ્તા પર તેમજ તરસાલી બાયપાસ સુધી રોડ પર લારી- ગલ્લા અને શેડનાં દબાણો અંગે ફરિયાદ મળતાં શુક્રવારે પાલિકાની દબાણ શાખાની ટીમ તરસાલી વિસ્તારમાં ત્રાટકી હતી. ખુદ મેયર કેયુર રોકડિયા અને સ્થાનિક વોર્ડના કાર્યકર્તાઓ તેમજ વોર્ડના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમયે તરસાલી તળાવની સામે લારી અને શેડ હટાવવાની કામગીરી દરમિયાન સ્વામિનારાયણ મંદિર આગળની જગ્યામાં એક લારી અને શેડને નહિ હટાવવા પાલિકામાં રૂલિંગ પાર્ટીના નેતા અને વોર્ડ 19ના કાઉન્સિલર અલ્પેશ લીંબચિયાએ દબાણ શાખાને ફરમાન કર્યું હતું. જેના કારણે એક તબક્કે દબાણ શાખાની ટીમ રોકાઈ ગઈ હતી. જોકે મેયર કેયુર રોકડિયાના ધ્યાને આ બાબત આવતાં જ તેઓએ તાત્કાલિક લારીને ઉઠાવી લેવાની સૂચના આપી હતી. બીજી તરફ શેડ હટાવવા બાબતે મુદત આપી હટાવી લેવા જણાવ્યું હતું.
દબાણ શાખા સાથે થયેલી રકઝક સમગ્ર વિસ્તારમાં અને વોર્ડ ભાજપ તેમજ શહેર ભાજપમાં ચર્ચાનો વિષય બની હતી. આ અંગે અલ્પેશ લીંબચિયાએ જણાવ્યું હતું કે, એક લારી મેયરને રોડ પર દેખાઈ હતી. જ્યારે મને એ રોડ પર નહોતી દેખાઈ એટલે મેં ન હટાવવા કીધું હતું. બીજો કોઈ વિવાદ નથી. બીજી તરફ આ અંગે મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, અલ્પેશભાઈને એમ હતું કે જગ્યા ખાનગી છે એટલે મેં ક્લીયર કર્યું કે આ જગ્યા સરકારી છે એટલે લારી ઉપાડી હતી. પાલિકાની દબાણ શાખાની ટીમે રોડ પર ઊભા કરાયેલા લારી અને શેડના લગભગ તમામ દબાણોને દૂર કર્યાં હતાં.
ગોરવામાં રફીક રાઠોડનોે શેડ હટાવી દેનાર મેયરે તરસાલીમાં મુદત આપી
તાજેતરમાં ગોરવા-બાજવા રોડ પર મધુનગર પાસે રોડને અડચણરૂપ દબાણોનો સફાયો બોલવાયો હતો. જેમાં નામચીન રફીક રાઠોડના શેડને મેયર કેયુર રોકડિયાએ કોઈ મુદ્દત આપ્યા વિના તોડી પડાવ્યો હતો. ત્યારે તરસાલીમાં એક શેડને હટાવી લેવા માટે મુદ્દત આપી હતી. હવે આ શેડ તોડવામાં આવશે કે કેમ તે જોવું રહ્યંુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.