વાસદથી ઝડપાયેલા વડોદરાના ડ્રગ પેડલર અશ્વિન ઉર્ફે જલોના રાજકીય સંપર્કો અને અન્ડરવર્લ્ડ કનેક્શન અંગેની માહિતી બહાર આવી છે. જેમાં તે નામચીન ગેંગસ્ટર હરદીપ સાથે અગાઉ સંકળાયેલો હોવા ઉપરાંત ભાજપના અગ્રણીઓ સાથે ઘરોબો ધરાવતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ભાજપ અગ્રણી અને વોર્ડ પ્રમુખ રાજુ ઠક્કરના ભાઈ અશ્વિન ઉર્ફે જલા નટુભાઈ ઠક્કરને શનિવારની સાંજે આણંદ એસઓજીએ એમડી ડ્રગ સાથે ઝડપી પાડ્યો હતો. જેની જાણ વડોદરા થતાં રાજકીય મોરચે ભૂકંપ સર્જાયો હતો.ભાજપના વોર્ડ પ્રમુખના સગા ભાઇ અશ્વિનને છોડાવવા રાજકીય અગ્રણીઓ વાસદ દોડી ગયા હતા. ફરિયાદમાં જણાવ્યું છે કે, અશ્વિન એમડી ડ્રગની ડિલિવરી કરે છે. તેના માટે ટાટા હેરિયર કાર જીજે 02 ડીપી 4911નો ઉપયોગ કરે છે અને વડોદરા તરફ જનાર છે. જેથી વાસદ ટોલ નાકા પર વોચ ગોઠવી અશ્વિન ઉર્ફે જલાને ઝડપી પાડ્યો હતો. અશ્વિન અગાઉ ફાયરિંગ માટે જાણીતા ગેંગસ્ટર હરદીપ સાથે સંકળાયેલો અને મારામારીના ગુનામાં સંડોવાયેલો છે. તાજેતરમાં જ બીમારીથી હરદીપનું અવસાન થયું હતું.
કારમાંથી વજન કાંટો મળ્યો
આણંદ એસઓજીના પીઆઇ પરમારે જણાવ્યું કે, અશ્વિનના ખિસ્સામાંથી એમડી ડ્રગની પડીકી મળી હતી. જ્યારે કારમાં ગિયર બોક્સની બાજુમાંથી ડ્રગ પેડલર વાપરે તેવો ઈલેક્ટ્રોનિક વજન કાંટો મળ્યો હતો. તેના કોલ રેકૉર્ડ તેમજ ડ્રગ ક્યાંથી લાવતો અને કોને પહોંચાડતો હતો તેની તપાસ થશે.
ખરાબ ધંધા બાદ 5 વર્ષથી સંબંધ નથી : રાજુ ઠક્કર
શહેર ભાજપના અગ્રણી અને વોર્ડ પ્રમુખ રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, અશ્વિન મારો સગો ભાઈ થાય છે. પરંતુ દારૂ પીવાની ટેવ અને અસામાજિક તત્વો સાથે સંબંધોના કારણે મેં 5 વર્ષથી સંબંધ તોડી નાખ્યાં હતાં. પરંતુ એ ડ્રગનો પણ ધંધો કરે છે એની જાણકારી મને એ ઝડપાયો ત્યારે જ થઈ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.