બની બેઠેલા બનેવીએ સાળાને ખંખેર્યો:વડોદરા ભાજપના કાર્યકરે સાળાને લાલચ આપી, તને ONGCમાં નોકરી અને કેનેડાની વર્ક પરમીટ અપાવીશ, 5.60 લાખ ખંખેર્યા

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ 5 લોકો સાથે 5-5 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી

વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપના વર્તમાન કાર્યકરે સગા સાળા સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝા તથા ONGCમાં નોકરી અપાવવાના બહાને 5.60 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરી હતી. ભેજાબાજે પહેલા સાળાની બહેનને પોતાની જાળમાં ફસાવી લગ્ન કરી લીધા હતા. તે બાદ તેને સાળા સહિત 6 વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી હતી. આ મામલે પાણીગેટ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.આરોપી ચિંતનની પાણીગેટ પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં પોલીસ કસ્ટડીમાં રહેવું ન પડે તે માટે બિમારીનું નાટક કરી હોસ્પિટલમા દાખલ થઇ ગયો હતો.

લગ્ન સમયે બિલ્ડર તરીકેની ઓળખ આપી હતી
પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી એ-2, રિદ્ધિ સોસાયટીમાં રહેતો વિવેક કનુભાઇ વસાવા બી.ઇ.ના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ-2018 દરમિયાન મારી બહેન ફાલ્ગુનીએ ચિંતન ઉર્ફે ચેતન પ્રભુદાસ પટેલ(રહે, શ્રી સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા/ મૂળ રહે- જેસીંગપુરા ગામ, વાઘોડિયા, વડોદરા) સાથે ફુલહાર કરીને લગ્ન કર્યાં હતા. પરિવારના સંપર્કમાં આવેલા ચિંતને પોતાની ઓળખ બિલ્ડર તરીકે આપી ફાલ્ગુનીના છૂટાછેડા થયેલા હોવાનું અને તેને એક સંતાન હોવાનું જાણવા છતાં તેની સાથે ફુલહાર કર્યાં હતા.

ભાજપના કાર્યકરે કેનેડાની વર્ક પરમિટ-ONGCમાં નોકરીના બહાને બનેવીએ સાળા સાથે 5.60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી
ભાજપના કાર્યકરે કેનેડાની વર્ક પરમિટ-ONGCમાં નોકરીના બહાને બનેવીએ સાળા સાથે 5.60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી

બનેવીએ સાળા પાસેથી રૂપિયા પડાવ્યા
લગ્નના દિવસે ચિંતન ઉર્ફ ચેતનના કોઇ સંબંધી ન આવતા તેણે સંબંધીનું મોતનું થયું હોવાથી કોઈ આવી નહીં શકે તેવું કારણ જણાવ્યું હતું. ફુલહાર પતાવી મંદિરની બહાર નીકળતા ભેજાબાજ ચિંતને પોતે બીમાર હોવાનું જણાવી સાસરીમાં જ રોકાઈ ગયો હતો. જ્યાં છેલ્લા દોઢ વર્ષથી તે રહેતો હતો. ચિંતને પોતાના સાળા વિશાલના પરિવાર પાસે નાણાં પડાવવા માટે સાળા વિશાલને વધુ અભ્યાસ માટે કેનેડા મોકલવા માટે દબાણ કર્યું હતું અને કેનેડાના વર્ક પરમિટ વિઝા માટે 6 લાખનો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું અને રૂપિયા 3 લાખ પડાવ્યા બાદ ચિંતને બનાવટી વર્ક પરમિટ વિઝાની નકલ આપી હતી. ત્યારબાદ ભાંડો ફૂટતા ONGCમાં નોકરી અપાવવાના બહાને ટુકડે-ટુકડે રૂપિયા પડાવી કંપનીના મેનેજર એચ.આર.ની સહીવાળો વર્ક પબ્લિક રિલેશન ઑફિસરની પોસ્ટવાળો બનાવટી ઓર્ડર આપ્યો હતો.

ફરવા લઇ ગયા બાદ કાર પરત ન આપી
આ ઉપરાંત અન્ય 5 લોકો લીયાકત હુસેન પીર મોહંમદ સિંધી(રહે, સિંધીયાપુરા ગામ, ડભોઇ), લીયાકત મોહંમદ મોહઉદ્દીન સિંધી (રહે, નવાયાર્ડ ગોરવા), શાહિદમીયા અમીરમીયા સિંધી (રહે. બી-50) ઝમઝમ પાર્ક, તાંદલજા) પાસેથી ONGCમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા 5-5 લાખ લીધા હતા. એતો ઠીક ભેજાબાજ ચિંતન શહીદ સિંધીની કાર પણ ફરાવવા માટે લઇ ગયો હતો અને તે કાર પણ પરત આપી નથી.

અગાઉ પણ 5 લોકો સાથે 5-5 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી(પ્રતિકાત્મક તસવીર)
અગાઉ પણ 5 લોકો સાથે 5-5 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી(પ્રતિકાત્મક તસવીર)

છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ અગાઉ અરજી આપી હતી
ડો. તખતસિંહ સોઢાની દીકરીને કેનેડાના વિઝા અપાવવાના બહાને રૂપિયા 5 લાખ પડાવ્યા હતા અને તેમના મિત્ર વિશાલ તપોદર પાસેથી પણ વિઝા અપાવવાના બહાને રૂપિયા 1.50 લાખ પડાવ્યા હતા. ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પટેલની છેતરપિંડીનો ભોગ બનેલા તમામે પોતાના વિસ્તારના પોલીસ મથકમાં પણ તેની સામે અરજી અગાઉ આપી હતી.

પતિએ પત્નીને પણ ધમકી આપી હતી
ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી બહેને નાણાં પરત માંગતા ઉશ્કેરાયેલા ઠગ ચિંતન ઉર્ફ ચેતન પટેલે પત્નીને ધમકી આપતા જણાવ્યું કે, મારી વાત કરીશ તો તને અને તારી છોકરીને પતાવી દઈશ. હું મોટા રાજકીય હોદ્દા પર છું, તેવી ધમકી આપી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ પદ વડોદરાનું વીઝીટીંગ કાર્ડ બતાવ્યું હતું. આમ 6 વ્યક્તિઓ પાસેથી ટુકડે-ટુકડે રૂપિયા 5.60 લાખની રકમ પડાવી છેતરપિંડી આચરી હતી. પાણીગેટ પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા વિવેક વસાવાની ફરિયાદના આધારે ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પટેલ સામે વિશ્વાસઘાત-છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.