જવાબદારી સોંપવામાં આવી:ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ માટે ભાજપે 150 લોકોને તાલીમ આપી

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ ભરવામાં ભૂલ ન થાય તે માટે વકીલો મૂક્યા
  • ચૂંટણી અધિકારીને​​​​​​​ રોજ હિસાબ રજૂ કરવાનો હોય છે

વિધાનસભાની ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર 40 લાખનો ખર્ચ કરી શકશે. ભાજપ દ્વારા ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ રાખવા અને હિસાબ ચૂંટણી પંચમાં રજૂ કરવા માટે 150 લોકોને ટ્રેનિંગ અપાઈ છે. 3 દિવસ અગાઉ વડોદરા ભાજપ કાર્યાલયમાં ભાજપ પ્રદેશ લીગલ સેલના ઇન્ચાર્જ પરિન્દુ ભગત અને તેમની ટીમ દ્વારા મધ્ય ગુજરાતની અંદાજે 42 સીટ માટે વકીલો અને એકાઉન્ટ ક્ષેત્રના નિષ્ણાતોની ટીમને કેવી રીતે હિસાબ કલેક્ટ કરવા, રજૂ કરવા અને ચૂંટણી ફોર્મમાં કઈ કઈ વિગતો ભરવી તે અંગે પ્રક્રિયા શીખવાડાઈ હતી. ઉલ્લેખનીય છે કે, જે સીટ માટે ઉમેદવારનાં નામ જાહેર થયાં નથી તેવી સીટ માટે પણ ભાજપના લોકોને જવાબદારી સોંપવામાં આવી છે.

ટેક્સ કન્સલ્ટન્ટ અને ભાજપના માંજલપુરના હિસાબની જવાબદારી ધરાવતા દિપક અમીને જણાવ્યું હતું કે, પ્રત્યેક ઉમેદવાર 40 લાખનો ખર્ચ કરી શકશે. તેણે બેંકમાં અલગથી ખાતું ખોલાવવાનું રહેશે. જેમાંથી રોજ રોકડ ઉપાડ માત્ર રૂા.2 હજારનો થઈ શકશે. કોઈપણ વ્યક્તિને ખર્ચ પેટે રોકડા માત્ર 10 હજાર રોજ આપી શકાશે, તેનાથી વધુ રકમ ચેકથી ચૂકવવી પડશે. ચૂંટણી અધિકારીને રોજેરોજ હિસાબ રજૂ કરવાનો હોય છે. ઉમેદવારનાં ફોર્મ ભરવાથી લઇ કાર્યાલય, લાઈટ બિલ અને વિજય સરઘસ સુધીનો ખર્ચ ગણવામાં આવે છે, જે પ્રચારમાં ઉમેદવારનું નામ ન લખ્યું હોય તેના નામે ગણાતો નથી, જે ખર્ચ પક્ષમાં જાય છે.

સ્ટાર પ્રચારકોનો ખર્ચ ઉમેદવારોમાં વહેંચાશે
સ્ટાર પ્રચારકો વડોદરાની 5 બેઠક માટે પ્રચાર કરે તો સ્ટેજ પર બેઠેલા ઉમેદવાર વચ્ચે સ્ટાર પ્રચારક માટે થયેલો તમામ ખર્ચ વહેંચવામાં આવે છે. જેમાં હેલિકોપ્ટરથી લઇ તમામ ખર્ચનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...