બોલકા નેતાનું મૌન:વડોદરામાં ભાજપાના પ્રવક્તા સંબિત પાત્રાએ ચૂંટણી કમિશનરની નિમણૂંક બાબતે જવાબ આપવાનું ટાળ્યું

વડોદરા6 દિવસ પહેલા
વડોદરામાં ભાજપાના રાષ્ટ્રીય નેતાની પત્રકાર પરિષદ
  • રાહુલ ગાંધી ક્યારેય P.M.બની શકશે નહિં, મહેનત કરવી પડે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ નજીક આવી રહ્યા છે. તેમ રાજકીય પક્ષોનો પ્રચાર તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. વડોદરામાં આવેલા ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રાએ ચૂંટણી કમિશનરની નિમણૂંકને લઇ સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગેલા જવાબ અંગે મામલો કોર્ટમાં હોવાનું જણાવી જવાબ આપવાનું ટાળ્યું હતું. નોંધનીય છે કે, ચૂંટણી કમિશનર તરીકે નિમાયેલા અરૂણ ગોયેલે વી.આર.એસ. લેતાની સાથેજ તેઓને ચૂંટણી કમિશનર બનાવી દેવામાં આવતા સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે.

કેમ્પેઇન ચલાવતા નથી
આજે વડોદરા ખાતે ચૂંટણી પ્રચારના ભાગરૂપે આવેલા ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રાએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, સોનીયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણીમાં પોતાના પક્ષ માટે કોઇ મહેનત કરવા માંગતા નથી. તેથીજ તેઓ ક્યારેય P.M.બની શકે નહિં. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પોતાના પક્ષ માટે વડાપ્રધાન સતત ગુજરાતમાં પ્રવાસ ખેડી રહ્યા છે. અને જંગી જાહેર સભાઓને સંબોધી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસના કોઇ દિગ્ગજ નેતા જેવા કે, સોનીયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાધી સહિતના નેતાઓ પ્રચારમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. તેઓ કેમ્પેઇન ચલાવતા નથી.

વડાપ્રધાન પસીનો પાડી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભારત દેશમાં વિકાસ અવિરત થઇ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ભારત આગળ ધપી રહ્યું છે. હિંદુસ્તાનમાં ઇકોનોમીમાં ભારત 11 માં ક્રમે હતું. તે 5 માં ક્રમ ઉપર આવી ગયું છે. આજે દેશમાં 11 લાખ પાકા મકાનો, 36 લાખ મહિલાઓને સિલીન્ડર, 4 કરોડ માટે અન્ન યોજના જેવી અનેક વિધ ગરીબો અને વિકાસ લક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. P.M.નો અર્થ માત્ર પ્રાઇ મિનીસ્ટર નથી. પરંતુ, પસીનો અને મહેનત પણ છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિકાસ માટે પસીનો પણ પાડી રહ્યા છે. અને મહેનત પણ કરી રહ્યા છે.

149 સીટોનો રેકોર્ડ તોડવો અશક્ય
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેર-જિલ્લાની તમામ 10 બેઠકો ઉપર ભાજપાનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતમાં ભાજપા રેકોર્ડ બ્રેક સીટો સાથે વિજય જીત મેળવશે.. જોકે, પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 149 બેઠકો સાથેનો રેકોર્ડ આ વખતે ભાજપા તોડશે ? તેવા એક પ્રશ્નના જવાબમાં તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું. માત્ર તેઓએ ભાજપા બહુમતી સાથે સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં એકજ દાદા સોમનાથ દાદા
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન કર્યું હતું કે, ભાજપે ગુંડાઓ અને બુટલેગરોને પેરોલ અપાવ્યા છે અને તેઓ લોકોને ધમકાવે છે. તેવા એક પ્રશ્નના જવાબમાં રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રાએ જણાવ્યું કે, 1995 પહેલા કોંગ્રેસના શાસનમાં ગુંડાઓનું શાસન હતું. તે સમયે દાદાઓની બોલ બાલા હતી. હવે ગુજરાતમાં એક જ દાદા છે 'સોમનાથ દાદા'.

અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
વડોદરા ખાતે ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રાની યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર ભાજપા પ્રમુખ ડો. વિજય શાહ તેમજ ભાજપા અગ્રણીઓ ડો. જ્યોતિબહેન પંડ્યા, સત્યેન કુલાબકર, મુકેશ દિક્ષીત, સંજીવ પંચોલી તેમજ હર્ષદ પરમાર (વકીલ) વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...