અડધી રાત્રે ડિમોલિશન:ભાજપના શાસકોએ લોકવિરોધના ડરે રાતના અંધારામાં 2 દેરી તોડી પાડી

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેરીઓ તોડી પાડ્યા બાદ ભાથુજી મહારાજ અને બળિયાદેવની મૂર્તિને પાલિકાના સેન્ટ્રલ સ્ટોરના મંદિરમાં મૂકવામાં આવી હતી. - Divya Bhaskar
દેરીઓ તોડી પાડ્યા બાદ ભાથુજી મહારાજ અને બળિયાદેવની મૂર્તિને પાલિકાના સેન્ટ્રલ સ્ટોરના મંદિરમાં મૂકવામાં આવી હતી.
  • રોક સ્ટાર સર્કલ પાસેની ભાથુજી મહારાજની દેરી અને મલ્હાર પોઇન્ટ નજીક બળિયા દેવની દેરી દૂર કરાઈ
  • મનીષા ચોકડીના બ્રિજની કામગીરીમાં નડતરરૂપ હોવાનું કારણ આપીને પાલિકાએ રસ્તો કરી નાખ્યો
  • ચુપકીદીથી કરાયેલી કામગીરી સામે લોકોનો રોષ: મૂર્તિઓને પાલિકાના સેન્ટ્રલ સ્ટોરના મંદિરમાં ખસેડાઇ, 3 દેરી તોડાઇ હોવાનો કરણી સેનાનો આક્ષેપ

પાલિકાના ભાજપના શાસકોએ લોકો વિરોધના ડરે રાત્રિના અંધારામાં ગુપચૂપ રીતે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ફ્લાયઓવર બ્રિજ નીચે આવેલી 2 નાની દેરીઓને તોડી પાડી છે. બ્રિજમાં નડતરરૂપ હોવાનું કારણ આપીને રાતે મિશનને પાર પાડતાં લોકોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. પાલિકાના ભાજપના શાસકોએ અગાઉ પર બ્રિજની કામગીરીની આડમાં જીઇબી પાસે આવેલા હનુમાન મંદીરને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વિરોધ થતાં કામગીરી મુલતવી રાખવી પડી હતી.

ગુરુવારે અડધી રાતે 12.30 વાગ્યાના અરસામાં પાલિકાના એએમસીની ટીમે દબાણ શાખાને સાથે રાખી અંધારામાં રોક સ્ટાર સર્કલ પાસે આવેલી ભાથુજી મહારાજની દેરી તથા મલ્હાર પોઇન્ટ પાસે બળિયા દેવની દેરી તોડી પાડી હતી. પાલિકાની ટીમે રાત્રીના અંધારામાં ગુપચૂપ રીતે કરેલી કામગીરી અંગે સ્થાનિક લોકોને જાણ થતાં તેઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ અંગેની વાતો વહેતી થતાં જ સમગ્ર શહેરમાં તંત્ર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.દેરીઓ તોડી પડાયા બાદ ત્યાં સ્થાપિત કરાયેલી ભાથુજી મહારાજ અને બળિયાદેવની મૂર્તિઓને પાલિકાના સેન્ટ્રલ સ્ટોરના મંદિરમાં મૂકી દીધી હતી. પાલિકાની આ કામગીરીને હિન્દુ અગ્રણીઓએ વખોડી કાઢી હતી. કરણી સેનાએ હનુમાનજીની દેરી સહિત ત્રણ દેરી તોડાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.

દિવસે ટ્રાફિક રહેતો હોવાથી રાત્રે કામગીરી કરી
વિકાસના કારણે લોકોની આસ્થા જળવાઈ રહે તે રીતે દેરીઓને દૂર કરી છે. બંને મંદિરની મૂર્તિઓને સેન્ટ્રલ સ્ટોરના મંદિરમાં વિધિવત રીતે મૂકી પૂજા અર્ચના કરી છે. ટ્રાફિકના કારણે જ રાત્રીના સમયે કામગીરી કરી છે. > કેયુર રોકડિયા, મેયર, વડોદરા

બ્રિજમાં અડચણ હોવાથી દૂર કરાઇ
એડિશનલ મ્યુનિ. કમિશનર સુરેશ તુવેરના જણાવ્યા મુજબ બ્રિજના બાંધકામમાં નડતરરૂપ હોવાની સૂચનાના આધારે ગુરુવારે રાત્રીના 12.30થી 1.30 વાગ્યાના અરસામાં બે દેરીઓને દૂર કરી છે. દેરીઓમાં સ્થાપિત મૂર્તિને સેન્ટ્રલ સ્ટોરના મંદિરમાં મૂકી છે.

ધાર્મિક લાગણી દુભાવી છે
વિકાસની દોટમાં ધાર્મિક લાગણી દુભાવી છે. શું સત્તા પક્ષને મંદિરો જ દેખાય છે, બીજા ધર્મના રોડ પરના દબાણો ક્યારે દેખાશે? > ડો. જ્યોતિર્નાથ, હિન્દુ અગ્રણી

હિંદુઓ સાથે રમત બંધ કરો
વિકાસના નામે મંદિરો દૂર કરવાં યોગ્ય નથી. જો મંદિર તોડે તો બીજે બનાવી આપવું જોઈએ. હિંદુઓ સાથે રમત રમવાનું બંધ કરો. > નિરજ જૈન, સિનિયર એડવોકેટ

ખૂણાનું મંદિર પાલિકાને નડ્યું
સંસ્કારી નગરીને શરમાવતું કૃત્ય છે. મંદિર ખૂણામાં છે તેમ છતાં રાતે અંધારામાં કેમ તોડયું? પાલિકા શહેરનું વતાવરણ ડહોળવા માગે છે. > ભાવિન વ્યાસ, એડવોકેટ

​​​​​​​આપના કાર્યકરોનું રામધૂન કરી વિરોધપ્રદર્શન
આમ આદમી પાર્ટી દ્વારા ઓ.પી.રોડ પર ભાથુજી મહારાજની દેરી તોડી પાડવામાં આવતાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોર્પોરેશન દ્વારા મોડી રાત્રે દેરી પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેના કારણે આમ આદમી પાર્ટીએ શ્રદ્ધાળુઓના આસ્થા સ્થળને તોડી પાડવાની ઘટનાના વિરોધમાં રામધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો.