વિવાદ:રોડના ખાતમુહૂર્તમાં ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્ય પહોંચ્યા, કોંગ્રેસના કોર્પોરેટરોની બાદબાકીથી હોબાળો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંજલપુરનાં મહિલા કાઉન્સિલરે કહ્યું,પાર્ટીનો કાર્યક્રમ નથી, આખરે રદ કરાયો
  • કાર્યક્રમથી અધિકારીઓ પણ અજાણ, ભાજપ સંગઠન ખેસ પહેરીને પહોંચી ગયું

શહેરના વોર્ડ નંબર 16માં રોડ-રસ્તાના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં વિપક્ષના કાઉન્સિલરોની અવગણના કરાતાં વિવાદ થયો હતો. કપુરાઈ ખાતેના કાર્યક્રમમાં ભાજપના બોર્ડના સંગઠનના હોદ્દેદારોએ ખેસ પહેરીને હાજરી આપતાં કોંગ્રેસનાં મહિલા કાઉન્સિલરે હોબાળો મચાવ્યો હતો. આખરે કાર્યક્રમને મુલતવી રખાયો હતો. મહત્ત્વની વાત એ છે કે આ કાર્યક્રમથી અધિકારીઓ અજાણ હતા.શહેરના વોર્ડ 16માં મંગળવારે રોડ-રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ 16ના ભાજપના સંગઠનના હોદ્દેદારો પહોંચી ગયા હતા.

તદુપરાંત માંજલપુરના ધારાસભ્ય પણ પહોંચ્યા હતા. જોકે કાર્યક્રમમાં વોર્ડ 16ના કોંગ્રેસના બે કાઉન્સિલરને આમંત્રણ અપાયું નહતું. કાર્યક્રમ બાબતે જાણ થતાં જ કોંગ્રેસનાં કાઉન્સિલર અલકાબેન પટેલ કપુરાઈના રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચી ગયાં હતાં. તેઓએ હોબાળો કરતાં કહ્યું હતું કે, રોડના કામો સ્વર્ણિમની ગ્રાંટમાંથી કરવામાં આવે છે. તેથી કોંગ્રેસના કાઉન્સિલરોને પણ આમંત્રણ મળવું જોઈતું હતું.

તેઓએ પાર્ટીના ખેસ પહેરીને આવેલા સંગઠનના હોદ્દેદારો સામે પણ નારાજગી દર્શાવી આ પાર્ટીનો કાર્યક્રમ થોડો છે, તેમ કહી રોષ ઠાલવ્યો હતો. માંજલપુર વિધાનસભામાં થતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેશ પટેલ પણ દોડી ગયા હતા. ભાજપની આંતરિક ખેંચતાણના કારણે આ કાર્યક્રમ વિશે અધિકારીઓને પણ જાણ કરવામાં આવી ન હોવાથી તેઓ પહોંચ્યા ન હતા. અંતે કોંગ્રેસના કાઉન્સિલરોને પણ આમંત્રણ આપવાનું નક્કી કરી કાર્યક્રમ બુધવારે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

એકાએક કાર્યક્રમ કોણે યોજ્યો, અસમંજસ
વિધાનસભાની ચૂંટણી પૂર્વે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા વિસ્તારમાં વિકાસનાં કામોનાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવાનાં બાકી છે. બીજી તરફ કોર્પોરેશનના પણ રોડ-રસ્તાના વિકાસનાં કામોનાં ખાતમુહૂર્ત પણ કરવાનાં છે. પક્ષમાં ચાલી રહી ચર્ચા મુજબ બંને કામો એક સાથે કરવાનાં હતાં, પરંતુ કોર્પોરેશનના કામોનું લોકાર્પણ અલગથી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે મંગળવારે એકાએક ખાતમુહૂર્તનો કાર્યક્રમ ઊભો કરાતાં તે અંગે 16ના કાઉન્સિલરો, અધિકારીઓ અને સંગઠનને જાણ કરાઈ ન હતી. તદુપરાંત સ્થાનિક લોકો પણ આ બાબતથી અજાણ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...