એમ.એસ.યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી ભાજપ ધારાસભ્યની પુત્રી જ વિષય બદલાતા તેનો બેઠક વ્યવસ્થામાં નંબર જ ન હોવાથી તે પરીક્ષા આપી શકી ન હતી. જેથી હવે તેને એડિશનલ પરીક્ષા આપવી પડશે.
લિસ્ટમાં નામ જ ન હતું: આર્ચી
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી પરીક્ષાઓમાં વારંવાર છબરડાઓને લઇને વિવાદમાં રહે છે. ત્યારે આજે પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની પુત્રી આર્ચી ઝાલા આજે પરીક્ષા આપી શકી ન હતી. આર્ચીએ જણાવ્યું હતું કે, હું ફસ્ટ યર BA વીથ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરું છું. આજે હું ફાઉન્ડેશન ઇંગ્લિશની એક્ઝામ આપવા માટે આવી હતી. મારો સીટ નંબર જનરેટ થયો છે પરંતુ લિસ્ટમાં નામ નથી. જેથી હું પરીક્ષા આપી શકી નથી. કોલેજમાં આવી મેં ઇંગ્લિશ ફાઇન્ડેશનના મધુ મેડમ સાથે વાત કરી તો તેઓ ઉલટાના મારા પર ખિજાઇ ગયા અને કહેવા લાગ્યા કે લિસ્ટ અરેન્જમેન્ટ જાહેર જ ન્હોતું કરવાનું. મેં લિસ્ટ જાહેર કરીને જ ભૂલ કરી છે. હવે મારે એડિશનલ એક્ઝામ આપવી પડશે. આવી જ સ્થિતિ અન્ય 10થી 15 વિદ્યાર્થીઓ છે.
મને આવી કોઇ ફરિયાદ નથી મળી: ડીન
આ અંગે આર્ટ્સ ફેકલ્ટીના ડીન આધ્યા સક્સેના સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ અંગે મારી પાસે કોઇ ફરિયાદ નથી આવી. મારા ધ્યાને આ વાત આવશે તો તે અંગે ઘટતું કરીશું.
યુનિવર્સિટીએ જ વિષય બદલાવ્યો હતો: MLA ઝાલા
પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આ વિશે દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, મારી પુત્રી આર્ચી આજે પરીક્ષા આપવા પહોંચી હતી. પરંતુ તે પરીક્ષા આપી શકી નથી. પહેલા આર્ચીએ ફ્રેન્ચ ભાષા પસંદ કરી હતી. પરંતુ યુનિવર્સિટી દ્વારા આ ભાષાના વધુ વિદ્યાર્થીઓ ન મળતા તેને વિષય બદલવા માટે કહ્યું હતું. જેથી આર્ચીએ ઇંગ્લિશ ફાઉન્ડેશન વિષય પસંદ કર્યો હતો. ત્યારે હવે યુનિવર્સિટીની જવાબદારી બનતી હતી કે તેણે આર્ચીને ઇંગ્લિશ ફાઉન્ડેશનના વિષયની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવવી જોઇએ. પરંતુ યુનિવર્સિટી દ્વારા આવી કોઇ કામગીરી કરાઇ ન હતી. હવે આર્ચીને એડિશનલ પરીક્ષા આપવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.