વિવાદિત નિવેદન:ભાજપના MLA મધુ શ્રીવાસ્તવની અધિકારીઓને ધમકી, કહ્યું: 'કોઇ અધિકારી કામ નહીં કરે તો ચૌદમુ રતન બતાવતા ખચકાઇશ નહીં'

વડોદરા3 મહિનો પહેલા
પાદરામાં અન્ન વિતરણ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપ્યું(ફાઇલ તસવીર)
  • વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડી લાવજોઃ મધુ શ્રીવાસ્તવ
  • આ પહેલા પણ પોતાના નિવેદનોથી મધુ શ્રીવાસ્તવ વિવાદમાં આવી ચૂક્યા છે

વડોદરા જિલ્લાના પાદરામાં અન્ન વિતરણ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપ્યું હતું. જ્યાં તેઓએ અધિકારીઓને ધમકી આપતા જણાવ્યું હતું કે, કોઇ અધિકારી કામ નહીં કરે તો ચૌદમુ રતન બતાવતા ખચકાઇશ નહીં. આ પહેલા પણ મધુ શ્રીવાસ્તવ અધિકારીઓને ચૌદમુ રતન બતાવવાની ધમકીઓ આપી ચૂક્યા છે.

અડધી રાત્રે મારી પાસે આવજો ચોક્કસ તમારા કામ કરીશ
અન્ન વિતરણ કાર્યક્રમમાં પ્રાસંગીક પ્રવચનમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની જીભ લપસી હતી. તેમણે ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, કોઇ અધિકારી કામ નહીં કરે તો ચૌદમુ રતન બતાવતા ખચકાઇશ નહીં અને આગામી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જે ઉમેદવાર ઉભો રહે તેઓને જંગી બહુમતીથી જીતાડી લાવજો. અડધી રાત્રે મારી પાસે આવજો ચોક્કસ તમારા કામ કરીશ.

આ પહેલા પણ પોતાના નિવેદનોથી મધુ શ્રીવાસ્તવ વિવાદમાં આવી ચૂક્યા છે
આ પહેલા પણ પોતાના નિવેદનોથી મધુ શ્રીવાસ્તવ વિવાદમાં આવી ચૂક્યા છે

કલેક્ટર-પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું તેવુ નિવેદન આપ્યું હતું
વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય વારંવાર વિવાદોમાં રહેતા આવ્યા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયાને ધમકી આપવાની હોય કે તંત્રને ધમકાવવાનું હોય પોતે જ સર્વોપરી છે તેમ માની અને પોતાની દબંગાઈનો પરચો બતાવતા જ હોય છે. 6 મહિના પહેલા વડોદરા જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર દરમિયાન મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, "કલેકટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું.

મામલતદાર-DDOને ચૌદમુ રતન બતાવવાની ધમકી આપી હતી
5 મહિના પહેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોટંબી ખાતે ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મામલતદાર અને ડીડીઓ કામ નહીં કરે તો ચૌદમુ રતન બતાવી દઈશ, તેવી આડકતરી ધમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું ધારાસભ્ય બન્યો પરંતુ મે ક્યારેય ભ્રષ્ટાચાર નથી કર્યો. હું કલેક્ટર અને પોલીસ માટે કાંઈ બોલ્યો હોઉં, પરંતુ તે મારી પ્રજા માટે બોલ્યો છું. જ્યારે કોઈ મામલતદાર હોય કે ડીડીઓ હોય કામ નહીં કરે તો તેને ચૌદમુ રતન બતાવી દઈશ.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડી લાવજોઃ મધુ શ્રીવાસ્તવ
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડી લાવજોઃ મધુ શ્રીવાસ્તવ

મીડિયા કર્મીને પતાવી દેવાની ધમકી આપી હતી
વડોદરામાં ભાજપ સામે બળવો કરીને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવને 3 સંતાન હોવાના આક્ષેપ સાથે ઉમેદવારી ફોર્મ રદ કરવાની માગ ઊઠતાં વિવાદ ઊભો થયો હતો. આ મામલે મીડિયાકર્મીઓએ ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પૂછતાં તેઓ ગુંડાગીરી પર ઊતરી આવ્યા હતા અને તેને ધમકી આપતાં કહ્યું હતું કે 'હવે પૂછીશ તો તને પતાવી દઇશ, અહીં માણસને કહીને ઠોકાવી દઈશ.'

આ પહેલા પણ મધુ શ્રીવાસ્તવ અધિકારીઓને ચૌદમુ રતન બતાવવાની ધમકીઓ આપી ચૂક્યા છે.
આ પહેલા પણ મધુ શ્રીવાસ્તવ અધિકારીઓને ચૌદમુ રતન બતાવવાની ધમકીઓ આપી ચૂક્યા છે.

એક વર્ષ પહેલાં પણ મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીઓ સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યું હતું
એક વર્ષ પહેલાં વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સરકારના મહેસૂલમંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા હતા. આ મુદ્દે મીડિયાકર્મીઓએ સવાલ પૂછતાં સંસ્કારી ગણાતા ભાજપના મધુ શ્રીવાસ્તવ મીડિયાકર્મીઓ પર ગુસ્સે થઇ ગયા હતા અને ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો અને પત્રકારોને મા-બહેનની ગંદી ગાળો દઈ કેમેરા ખેંચ્યા હતા અને હવે ફરીથી મીડિયાકર્મીને પતાવી દેવાની ધમકી આપી હતી.