વિવાદ:વડોદરામાં કોરોનાના સાચા આંકડા જાહેર ન કરાતા હોવાનો ભાજપના MLA જીતેન્દ્ર સુખડિયાનો આક્ષેપ, કહ્યું: 'શહેરમાં સ્થિતિ ગભીર છે'

વડોદરાએક વર્ષ પહેલા
ડાબેથી કોરોનાના મૃતકના અંતિમ સંસ્કાર અને જમણેથી ભાજપના MLA જીતેન્દ્ર સુખડિયાની ફાઇલ તસવીર - Divya Bhaskar
ડાબેથી કોરોનાના મૃતકના અંતિમ સંસ્કાર અને જમણેથી ભાજપના MLA જીતેન્દ્ર સુખડિયાની ફાઇલ તસવીર
  • કોરોનાના કેસો અને મૃત્યુદર વધારે છે, લોકોમાં ગભરાટ ફેલાય નહીં, તે રીતે તંત્ર આંકડા આપી રહ્યું છેઃ જીતેન્દ્ર સુખડિયા
  • MLAના આક્ષેપ અંગે OSD કહે છે કે, હું કોઇ કોમેન્ટ આપી શકુ નહીં, તંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે
  • રોજ 400 જેટલા કોરોના પોઝિટિવ કેસ અને 20થી વધુ મોત થતાં હોવાના કોર્પોરેટર ચિરાગ ઝવેરીના આક્ષેપ
  • મૃત્યુઆંક વધતા ગેસ ચિતાને બદલે લાકડાની ચિતા ઉપર મૃતકના અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી રહી છે

વડોદરા શહેરમાં કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તંત્ર દ્વારા પ્રતિદિન 120થી 125 સુધીના પોઝિટિવ કેસો બતાવવામાં આવી રહ્યા છે. આ આંકડો છેલ્લા એક માસથી સ્થિર કરી દેવામાં આવ્યો છે. પરંતુ, વાસ્તવિકતા અલગ છે. વડોદરામાં કોરોનાના પોઝિટિવ કેસોનો આંક તો વધારે જ છે. તેની સાથે મૃત્યુઆંક પણ વધારે છે. આજે ખુદ સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના કાઉન્સિલરે તંત્ર દ્વારા પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકને છૂપાવવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યાં છે. નોંધનીય છે કે, કોરોનાના મૃત્યુઆંકમાં થયેલા વધારાને પગલે હવે તંત્રને ગેસ ચિતામાં અગ્નિસંસ્કાર કરવાને બદલે લાકડાની ચિતા ઉપર અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી રહી છે.

તંત્ર પોઝિટિવ કેસ અને મૃતકોના આંકડા બતાવવામાં ઢાંકપિછોડો કરે છે
વડોદરા શહેરમાં કોરોનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ જેવી સરકારી અને ટ્રસ્ટની કોવિડ હોસ્પિટલ સહિત ખાનગી કોવિડ હોસ્પિટલો કોરોના સંક્રમિત દર્દીઓથી ઉભરાઇ રહી છે. સરકારી હોસ્પિટલોમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓને હોમ ક્વોરન્ટીન થવાની સલાહ આપવામાં આવી રહી છે. જે સ્પષ્ટ બતાવે છે કે, સરકારી હોસ્પિટલોમાં પણ હવે દર્દીઓ માટે જગ્યા નથી. તેવી જ સ્થિતિ વડોદરાની મોટા ભાગની ખાનગી અને ટ્રસ્ટની કોવિડ હોસ્પિટલોમાં છે. કોરોના સંક્રમિત દર્દીઓને લેવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. વડોદરામાં કોરોના દર્દીઓની સંખ્યામાં પ્રતિદિન વધારો થઇ રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા દર્દીઓની સંખ્યામાં અને મૃતકોના આંકડા બતાવવામાં ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે.

વડોદરામાં મૃત્યુઆંક વધતા ગેસ ચિતાને બદલે મૃતકના લાકડાની ચિંતા પર અંતિમ સંસ્કાર
વડોદરામાં મૃત્યુઆંક વધતા ગેસ ચિતાને બદલે મૃતકના લાકડાની ચિંતા પર અંતિમ સંસ્કાર

વડોદરામાં કોરોનાની સ્થિતિ ગંભીર છેઃ MLA જીતેન્દ્ર સુખડિયા
સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોનાની સ્થિતિ ગંભીર બની છે. તંત્ર દ્વારા જે આંકડા આપવામાં આવે છે. તે સરકારી હોસ્પિટલોના આપવામાં આવે છે. લોકોમાં ગભરાટ ફેલાય નહીં. તે માટે તંત્ર દ્વારા આંકડા જાહેર કરવામાં આવે છે. મૃત્યુદર પણ ચિંતાજનક વધી રહ્યો છે, પરંતુ, એ વાત ચોક્કસ છે કે, વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓ અને કોરોનાનો મૃત્યુ દર વધારે છે. તંત્ર આંકડા છૂપાવતું નથી, પરંતુ, તેઓ લોકોમાં ગભરાટ ફેલાય નહીં, તે રીતે આંકડા આપી રહ્યું છે, પરંતુ, હું ચોક્કસ માનું છે કે, વડોદરામાં કોરોનાની સ્થિતિ ગંભીર છે.

તંત્ર કેસ અને મૃત્યુના આંકડાઓ છુપાવે છેઃ કોર્પોરેટર ચિરાગ ઝવેરી
કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે, વડોદરામાં કોરોનાની સ્થિતિ દિવસે-દિવસે ખરાબ થઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી 100થી 125નો ચોક્કસ આંકડો આપવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં વડોદરામાં પ્રતિદિન 400 જેટલા કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો છે. તંત્ર દ્વારા મૃત્યુઆંક પણ રોજનો 1થી 2 બતાવવામાં આવે છે, પરંતુ, પ્રતિદિન 20થી વધુ કોરોના સંક્રમીત દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. સ્મશાનોમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે જે રીતે વેઇટીંગ ચાલી રહ્યું છે, તે જોતા સ્પષ્ટ છે કે, તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓ અને કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓનો આંકડો છૂપાવવામાં આવી રહ્યો છે.

કોરોનાના દર્દીના અંતિમ દર્શન કરી રહેલા પરિવારજનો
કોરોનાના દર્દીના અંતિમ દર્શન કરી રહેલા પરિવારજનો

20થી 25 જેટલા લોકો કોરોનાના દર્દીના અંતિમ સંસ્કાર કરવા પહોંચી જાય છે
વડોદરામાં કોરોનાએ હાહાકાર મચાવી મૂક્યો છે. પ્રતિદિન 20 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થઇ રહ્યા છે. અત્યાર સુધી કોરોનાના દર્દીઓને ગેસ ચિતામાં અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા. પરંતુ છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમિત દર્દીઓને લાકડાની ચિતા ઉપર અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. પહેલા કોરોનામાં મૃત્યુ પામતા દર્દીના અંતિમ સંસ્કારમાં પરિવારના એક જ વ્યક્તિને છૂટ આપવામાં આવતી હતી. હવે પરિવારના 3 જેટલા વ્યક્તિઓને PPE કીટ આપીને હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે. એ તો ઠીક કેટલાક કિસ્સામાં 20થી 25 લોકો પોતાના કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કારમાં પહોંચી જાય છે, છતાં તંત્ર દ્વારા રોકવામાં આવતા નથી.

MLAના આક્ષેપ અંગે OSD કહે છે કે, હું કોઇ કોમેન્ટ આપી શકુ નહીં, તંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે
કોરોનાના પોઝિટિવ કેસના આંકડા અને મૃત્યુના આંકડા છૂપાવવામાં આવી રહ્યા હોવાના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા અને કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ મૂકેલા આક્ષેપ અંગે OSD ડો. વિનોદ રાવે જણાવ્યું કે, આ બાબતે હું કોઇ કોમેન્ટ આપી શકુ નહીં, તંત્ર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે.

કોરોનાના દર્દીના મૃતદેહને સ્મશાનમાં લઇ જવાયો
કોરોનાના દર્દીના મૃતદેહને સ્મશાનમાં લઇ જવાયો
અન્ય સમાચારો પણ છે...