ઉમેદવારની ઝોળીમાં રૂપિયાનો વરસાદ:સાવલીના ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારે ફોર્મ ભરવા લોકો પાસેથી દાન માંગ્યું, સમર્થકોએ ઝોળી છલકાવી દીધી

વડોદરાએક મહિનો પહેલા
  • કેતન ઇનામદારે કહ્યું હું 50 નહીં પણ 75 હજાર મતની લીડથી જીતીશ

વડોદરા જિલ્લાની સાવલી બેઠક પર ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારે જનસભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે આ વખતે 75 હજાર મતની લીડથી જીતીશ. સાથે ફોર્મ ભરવા માટે જનતા પાસેથી દાન માંગ્યું હતું. જેમાં લોકોએ તેમની જોળી છલકાવી દીધી હતી.

ગત વખત કરતા દોઢ ગણી લીડ મેળવીશ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. જેમાં ભાજપે પ્રથમ યાદીમાં જ વડોદરા જિલ્લાની સાવલી બેઠક પર કેતન ઇનામદારને રિપિટ કર્યા છે. પોતાના જનસંપર્ક માટે જાણીતા કેતન ઇનામદારે સભાઓને સંબોધિત કરવાનું શરૂ કરી દીધું છે. સાવલીમાં શિવ પાર્ટી પ્લોટ ખાતે આયોજીત ભાજપ વિજય વિશ્વાસ સંમેલનમાં કેતન ઇનામદારે કહ્યું હતું કે પહેલા હું કહેતો હતો કે આ વખતે 50 હજાર મતથી જીતીશ. પરંતુ હવે કહું છું કે 75 હજાર મતથી જીતીશ. ગત વખત કરતા દોઢ ગણી લીડ આ વખતે રહેશે.

જનસભા સંબોધિત કરતા કેતન ઇનામદાર.
જનસભા સંબોધિત કરતા કેતન ઇનામદાર.

તમારી યથાશક્તિ દાન આપો
કેતન ઇનામદારે કહ્યું હતું કે, આ વખતે ફોર્મ ભરવા માટે એક રૂપિયો ખર્ચ હું મારા ખિસ્સામાંથી નથી કરવાનો. તમારા આશિર્વાદથી ભગવાને કેતનને બહુ આપ્યું છે. સાવલી-ડેસર નહીં પણ ગુજરાતની 182 વિધાનસભાની બેઠકના ફોર્મ ભરવાના હોય તો પણ તમારા કેતનનો હાથ પાછો પડે તેમ નથી. પણ આ વખતે મારે લોકોને બતાવવું છે કે તલવારો-સાફા લેવા લોકો મારી પાસે નથી આવતા. આ વાત સાથે તમે સહમત છો કે નહીં? તો મારે તમારો રૂપિયો તો રૂપિયો, પાંચ રૂપિયા કે દસ રૂપિયા તમારી યથાશક્તિ પ્રમાણે આપવાના છે.

સમર્થકોએ ઉમેદવારની ઝોળી છલકાવી દીધી હતી.
સમર્થકોએ ઉમેદવારની ઝોળી છલકાવી દીધી હતી.

ધારાસભ્ય બનાશે કેતન નહીં
કેતન ઇનામદારે લોકો પાસેથી યથાશક્તિ દાન માંગી કહ્યું હતું કે હું અહીં એક ચાદર મુકુ છું અને તમારી ઇચ્છા હોય એટલા રૂપિયા આપજો. ચક્રવૃદ્ઘિ વ્યાજ સાથે પાછું ના આપું તો મારુ નામ કેતન નહીં. મારા પહેલા પણ ધારાસભ્ય હતા અને મારા પછી પણ કોઇ ધારાસભ્ય બનશે. પરંતુ કોઇથી ધારાસભ્ય બનાશે પણ કેતન નહીં બનાય.

કેતન ઇનામદારની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
કેતન ઇનામદારની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

કોંગ્રેસ હજું સાવલી બેઠક પર ઉમેદવાર જાહેર કરવાનો બાકી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે સાવલી બેઠક પર ભાજપે કેતન ઇનામદારનું નામ જાહેર કરી દીધું છે. જો કે હજું સુધી કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

ઉમેદવારની ઝોળીમાં રૂપિયાનો વરસાદ થયો હતો.
ઉમેદવારની ઝોળીમાં રૂપિયાનો વરસાદ થયો હતો.
સાવલીના ભાજપ ઉમેદવાર કેતન ઇનામદાર.
સાવલીના ભાજપ ઉમેદવાર કેતન ઇનામદાર.