ઘટસ્ફોટ:ગુજરાતી ફિલ્મ-એક્ટ્રેસના ઘરે દારૂની મહેફિલ માણતા પકડાયેલો મિતેશ રબારી અમદાવાદ શહેર ભાજપ મંત્રી નીકળ્યો, નવી ફિલ્મને લઈને પાર્ટી યોજી હતી

વડોદરાએક મહિનો પહેલા
આરોપી મિતેશ રબારી અમદાવાદ ભાજપનો અગ્રણી અને ફિલ્મ-પ્રોડ્યુસર હોવાનો ઘટસ્ફોટ થયો છે.
  • દારૂની વ્યવસ્થા કરી આપનારી અભિનેત્રીએ અગાઉ પણ ફિલ્મ-પ્રોડ્યુસર મિતેશ રબારીની ફિલ્મોમાં કામ કર્યું હતું

વડોદરા શહેરના આજવા રોડ પર રહેતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક્ટ્રેસની બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણી રહેલા અમદાવાદની 3 વ્યક્તિને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી હતી, જે પૈકી આરોપી મિતેશ રબારી અમદાવાદ શહેર ભાજપ મંત્રી અને ફિલ્મ-પ્રોડ્યુસર હોવાનો ઘટસ્ફોટ થયો છે અને અભિનેત્રીને નવી ફિલ્મમાં લેવાની હોવાથી આ પાર્ટી યોજી હોવાનું પણ બહાર આવ્યું છે.

પોલીસે એક્ટ્રેસની પણ ધરપકડ કરી હતી
વડોદરાના આજવા રોડ પર રહેતી યુવતીના ઘરે દારૂની મહેફિલ ચાલી રહી છે. એના આધારે ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. આર.કે ટોરાની, ડી.જે. પ્રજાપતિ અને સ્ટાફના હર્ષદભાઈ, ધર્મેન્દ્રભાઇ, યોગેશભાઈ, રાકેશભાઈ, જૈનુલભાઈ અને હરદીપસિંહ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને દારૂની મહેફિલ માણી રહેલા અમદાવાદ મેમનગર વિસ્તારની વિશ્રામનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્ર ગજેન્દ્રભાઈ ગોસાઈ, બોળકદેવ અમદાવાદ ખાતે રહેતા નીરવ રાજેન્દ્રભાઈ શર્મા અને વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ હર્ષિદ પાર્ક સોસાયટી, અમદાવાદ ખાતે રહેતા મિતેશ અમૃતભાઈ રબારીને ઝડપી પાડયા હતા. આ ઉપરાંત પોલીસે દારૂની મહેફિલની વ્યવસ્થા કરી આપનાર મકાનમાં રહેતી એક્ટ્રેસની પણ ધરપકડ કરી હતી.

અમદાવાદ શહેર ભાજપ મંત્રી મિતેશ રબારી
અમદાવાદ શહેર ભાજપ મંત્રી મિતેશ રબારી

વિદેશી દારૂની બે બોટલો, મોબાઇલ ફોન, બી.એમ.ડબ્લ્યુ કાર જપ્ત
પોલીસે યુવતીના મકાનમાંથી વિદેશી દારૂની બે બોટલો, મોબાઇલ ફોન, બી.એમ.ડબ્લ્યુ કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓને બાપોદ પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરના આજવા રોડ પર એક્ટ્રેસના ઘરમાંથી દારૂની મહેફિલ ઝડપાતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

પૂર્વ ગૃહરાજ્ય મંત્રી સાથે મિતેશ રબારી
પૂર્વ ગૃહરાજ્ય મંત્રી સાથે મિતેશ રબારી

અભિનેત્રીએ અગાઉ પણ મિતેશની ફિલ્મોમાં કામ કર્યું હતું
અમદાવાદથી આવેલા મિત્રોને દારૂની મહેફિલની વ્યવસ્થા કરી આપનારી યુવતી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની એક્ટ્રેસ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી મિતેશ રબારી અમદાવાદ શહેર ભાજપ મંત્રી અને ફિલ્મ-પ્રોડ્યુસર હોવાનો ઘટસ્ફોટ થયો છે અને મિતેશને ભાજપના પૂર્વ મંત્રી સાથે પણ ઘરોબો હોવાનું જાણવા મળ્યું છે. અભિનેત્રીને નવી ફિલ્મમાં લેવાની હોવાથી આ પાર્ટી યોજી હોવાનું પણ બહાર આવ્યું છે. અભિનેત્રીએ અગાઉ પણ મિતેશની ફિલ્મોમાં કામ કર્યું હતું.

ગયા વર્ષે રામોલ પોલીસે અમદાવાદ શહેર ભાજપના મંત્રી મિતેશ રબારીનું કોરોનાં વોરિયર્સ તરીકે સન્માન કર્યું હતું.
ગયા વર્ષે રામોલ પોલીસે અમદાવાદ શહેર ભાજપના મંત્રી મિતેશ રબારીનું કોરોનાં વોરિયર્સ તરીકે સન્માન કર્યું હતું.
પોલીસે મિતેશ રબારી સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી
પોલીસે મિતેશ રબારી સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી
અન્ય સમાચારો પણ છે...