વડોદરા પાલિકાની ખંડેરાવ માર્કેટ કચેરીના ચાર રસ્તે જ ફ્રુટ માટેના દબાણો યથાવત છે. ત્યારે ટ્રાફિક વિભાગે સાંજે ખંડેરાવ માર્કેટ નજીક ટુ વહીલર ઉઠાવતા કાઉન્સિલરે ટ્રાફિક પોલીસને સવારે વાહનના દબાણો કેમ દૂર કરતા નથી તેમ કહી આક્રોશ ઠાલવ્યો હતો. ખંડેરાવ માર્કેટ પાછળનું ફ્રુટ માર્કેટ વાહનચાલકો માટે માથાનો દુખાવો છે. વેપારીઓ રોડ પર અડધે સુધી દબાણ કરે છે તેમજ ફ્રુટના વાહનો પાર્ક કરી અડચણ ઊભી કરતા હોવાથી પસાર થતા લોકોને પરેશાની ભોગવવી પડે છે. પોલીસ પણ આ સંદર્ભે આંખ આડા કાન કરતી હોવાના અનેક આક્ષેપ થયા છે.
બુધવારે વિસ્તારના ભાજપના કાઉન્સિલર ધર્મેશ પટણીએ ટ્રાફિક પોલીસ સામે હપ્તા ઉઘરાવતા હોવાના આક્ષેપ કર્યા હતા. સાંજે ટ્રાફિક પોલીસ ટુ-વ્હીલરો ઉઠાવતી હતી ત્યારે પહોંચેલા કાઉન્સિલર ધર્મેશ પટણીએ ટ્રાફિક પોલીસની આ કામગીરીનો વિરોધ કરી કહ્યું હતું કે દુકાનમાં સામાન લેવા જતા નાગરિકોના વાહનો ઉંચકી પોલીસ પરેશાન કરે છે.
આજ રોડ પર વહેલી સવારે ફ્રુટના વાહનો 30-30 ફૂટ સુધી રોડ રોકે છે ત્યારે પોલીસ કાર્યવાહી કરતી નથી. ટ્રાફિક પોલીસ અહીંયા હપ્તા ઉઘરાવે છે તેવા ગંભીર આક્ષેપ કર્યા હતા. ટ્રાફિક પોલીસ સાથે કાઉન્સિલરની થયેલી માથાકૂટ બાદ ટોઇંગ વાન ત્યાંથી રવાના થઈ હતી. જોકે આ સંદર્ભે ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ અજાણ હોવાનું જાણવા મળ્યું હતું.
ભાજપના મહિલા કાઉન્સિલરે દબાણો સામે બાયો ચઢાવતાં ડામી દેવાયા હતા
એક વર્ષ અગાઉ ખંડેરાવ માર્કેટ પાછળ તેમજ માર્કેટમાંથી અને સિદ્ધનાથ રોડ તરફ સવારે ફ્રુટના વેપારીઓ દબાણ કરતા હોવાથી વોર્ડ નં.13ના કાઉન્સિલર જાગૃતી કાકાએ વિરોધ કર્યો હતો. દબાણ શાખાએ દબાણ હટાવ્યા હતા. ત્યારે વેપારીઓએ ભાજપ સંગઠનને રજુઆત કરતા સંગઠને કાઉન્સિલરના વિરોધને ડામી મામલો થાડે પાડતાં હજી દબાણો યથાવત જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.