તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવાસ કૌભાંડ:વડોદરામાં માનીતાઓને આવાસની ફાળવણી કરવા ભાજપના જ કોર્પોરેટરોની ભલામણ, અંતે જૂથબંધીમાં ભાંડો ફૂટ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાજપના કોર્પોરેટર અજિત દાધીચે ગોટાળા અંગે જાણ કરી, હવે મૂળ લાભાર્થીઓને લાભ મળશે
  • આખો મામલો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચતાં તપાસ કરવા આદેશ, ઇજનેર પ્રમોદ વસાવા સસ્પેન્ડ

પાલિકાની આવાસ યોજનામાં આવસોની ફાળવણી કરવામાં જાણીબૂઝીને ગરબડ કરવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે ત્યારે તેની પાછળ ભાજપની આંતરિક જૂથબંધી કારણભૂત હોવાની બાબત સપાટી પર આવી છે અને આ આંતરિક લડાઈમાં ભાજપના જ કોર્પોરેટર અજિત દાધીચે ભાંડો ફોડતા મૂળ લાભાર્થીઓને સીધો ફાયદો થયો છે. અલબત્ત,માનીતાઓને આવાસ ફાળવવાની ભલામણો પાછળ ભાજપના જ કોર્પોરેટર કલ્પેશ પટેલ , મનોજ પટેલ, અજિત દાધીચના નામો દિવસભર ચર્ચામાં રહ્યા હતા. જો કે આ ત્રણે ભલામણ કર્યાનો ઇનકાર કર્યો હતો.

મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત થયેલા ડ્રોમાં ગેરરીતિ અંગે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી છે ત્યારે કાર્યપાલક ઇજનેર પર ભાજપના જ મનોજ પટેલ, કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સહીત કેટલાક કોર્પોરેટરનું દબાણ આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વિકાસ દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજી નગર ગૃહ ખાતે 382 આવાસોનો ઓનલાઇન ડ્રો કર્યો હતો. જેના લાભાર્થીઅોમાંથી 42 નામો બદલી કઢાયા હતા.

ડ્રોમાં ભાજપના જ કેટલાક કોર્પોરેટરોએ લીસ્ટ જાહેર થઇ ગયા બાદ 42 નામોમાં ફેરફાર કરી નવેસરથી યાદી પાલિકાની વેબસાઇટ પર ચડાવવા ફરજ પાડી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ ,સમગ્ર મામલો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચ્યો હતો. જેને પગલે કોઈપણની શેહશરમ રાખ્યા વિના તપાસ કરવા જણાવવામાં આવ્યું હોવાની વિગત પણ પ્રકાશમાં આવી છે. પાલિકાની સ્થાયી સમિતિના સભ્ય અને વૉર્ડ ન.4ના કોર્પોરેટર અજિત દાધિચે આવાસોના ડ્રોમાં કંઈક કાચું કપાયું હોવાની શંકા વ્યક્ત કરી હતી અને તરત જ સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીને ફરિયાદ કરી હતી.

જેને પગલે સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હોવાની વાતો પાલિકા વર્તુળોમાં વહેતી થઇ હતી. દરમિયાન આવાસ ફાળવણી કૌભાંડમાં સંડોવાયેલા કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવાને સસ્પેન્ડ કરવાનો સ્થાયી સમિતિએ શુક્રવારે સાંજે ઠરાવ કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસે મ્યુ. કમિશનર સમક્ષ રજુઆત કરી એલઆઇજી-એમઆઇજીના આવાસોમાં પણ ગેરરીતિ થયાના આક્ષેપો સાથે કમિટિ રચીને તપાસ કરવાની માગ કરી છે.

મંત્રી યોગેશ પટેલની ટકોર, 2-5 અધિકારી ઘર ભેગા થશે તો જ ભ્રષ્ટાચાર નાબૂદ થશે
અક્ષર ચોક પાસે વોલ્વો બસના નવા રૂટ શરૂ કરવાના કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી યોગેશ પટેલે મંચ પરથી જ મેયર કેયુર રોકડીયાને આવાસ ફાળવણી કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી અમલવારી કરવાની ટકોર કરી હતી. તેમજ અધિકારીઓને ચોર અને ભ્રષ્ટાચારી કહેતા કાર્યક્રમમાં સોંપો પડી ગયો હતો. સમગ્ર મામલે મુખ્યમંત્રી સાથે તેમની વાત થઈ હોવાનું ઉમેરી કહ્યું હતું કે ભ્રષ્ટ અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી ન કરી પાણીચું આપી ઉદાહરણરૂપ કાર્યવાહી કરો, બે-પાંચ અધિકારી ઘર ભેગા થશે તો જ ભ્રષ્ટાચાર નાબૂદ થશે.

ડ્રો મુજબ નામો યાદીમાં ન હતાં
અમને લાગ્યું મેં મૂળ ડ્રો મુજબના નામ નથી . જેથી તરત જ સિટી ઇજનેરને તપાસ કરવા કહ્યું હતું. બીજું, મેં કોઈ નામ માટે ભલામણ કરી નથી. - અજિત દાધિચ,વૉર્ડ 4

મેં પ્રકાશ નગર માટે ભલામણ કરી હતી
પરત થયેલી પ્રકાશ નગર સ્કિમના એક કિસ્સામાં સવા બે લાખ ભરનારને હજી સુધી આવાસ ન મળતાં તેના માટે ચોક્કસ રજૂઆત કરી હતી. - મનોજ પટેલ,વૉર્ડ 7

મેં એકપણ નામ માટે ભલામણ કરી નથી
મેં એક પણ આવાસ માટે કોઈ પણ અધિકારી ને રજૂઆત કરી નથી કે ભલામણ કરી નથી.આવાસ યોજનામાં મકાન આપવા માટે એક પણ નામ આપ્યું પણ નથી. - કલ્પેશ પટેલ, વૉર્ડ 18