જૂથબંધી ચરમસીમાએ:ભાજપના કોર્પોરેટરની ચેટ વાઇરલ, ગોરધન પાસેથી 2 પેટી દારૂ લઈ જજો,યાત્રામાં સંખ્યા ફુલ થવી જોઈએ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઈરલ થયેલી ચેટ - Divya Bhaskar
વાઈરલ થયેલી ચેટ
  • દિવ્ય રામ યાત્રા 2022 નામના સોશિયલ મીડિયા ગ્રૂપમાં લખાયેલી વાત ફરતી થઈ
  • ઉમંગભાઈ કોર્પોરેટરના નામવાળી ચેટમાં યાત્રામાં આવતા લોકોને પેટ્રોલની 500 કૂપનો આપવા અંગેની વાત

વડોદરા શહેરમાં ભાજપમાં ચાલી રહેલી જૂથબંધી ચરમસીમાએ પહોંચી છે. જેમાં એકબીજાને પાડી દેવા માટે નીચલા સ્તરની રાજરમત રમાઇ રહી છે. પશ્ચિમ વિસ્તારના એક કાઉન્સિલરના નામે સોશિયલ મીડિયા ગ્રૂપમાં દારૂ અંગેની ચેટ થઇ હોવાના સ્ક્રીન શોટ વાઇરલ કરતા રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે તેવામાં શહેર ભાજપમાં એકપછી એક વિવાદ સર્જાઈ રહ્યા છે.

વડોદરા શહેર ભાજપના કાઉન્સિલરો વિવાદમાં આવતા શિસ્તની પાર્ટીની છાપને કાળો બટ્ટો લાગ્યો છે. ત્યારે પશ્ચિમ વિસ્તારના ભાજપના એક કાઉન્સિલરના નામે ગ્રુપમાં થયેલી ચેટ વાઇરલ થતા ભારે ખળભળાટ મચ્યો છે. વાઇરલ થયેલી ચેટમાં દિવ્ય રામ યાત્રા 2022ના ગ્રૂપ ચેટમાં ઉમંગભાઈ કોર્પોરેટરના નામનો ઉલ્લેખ છે.

ચેટમાં ઉમંગભાઈ કોર્પોરેટરના નામ વાળા વ્યક્તિએ બે પેટી દારૂ ગોરધનભાઇ પાસેથી લઈ જજો, 2 પેટી બિયર અને લાલાને કોટરની પેટી સવારે લેવડાવી લેજો, કાલની યાત્રામાં સંખ્યા ફૂલ થવી જોઈએ, બાકી ઈજ્જત પર આવી જશે તેમજ યાત્રામાં આવતા લોકોને પેટ્રોલની 500 કૂપનો આપવા અંગેની વાત છે. સોશિયલ મીડિયામાં આ ગ્રૂપના સ્ક્રીન શોટ વાઇરલ થતા પશ્ચિમ વિસ્તારના ભાજપમાં ભારે ચકચાર ફેલાઈ છે.

ઉલ્લેખનીય છે કે વોર્ડ 10ના ભાજપના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ છે અને તેઓએ રામ નવમીના દિવસે ગોત્રીમાં શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. તેવામાં ભાજપના જ કેટલા અસંતોષી લોકોએ આ કૃત્ય કર્યું હોવાની ભારે ચર્ચા ફેલાઈ છે. જોકે આ બાબતે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે. કાઉન્સિલરની પોલીસ ફરિયાદ કરવાની તૈયારી છે, તેમ શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે જણાવ્યું છે.

ફેક ગ્રૂપ છે, બદનામ કરવાનું એક ષડ્યંત્ર છે
કોઈએ ફેક ગ્રૂપ બનાવ્યું છે. કોઈએ ગ્રપમાં મારા નામથી કોઈ નંબર સેવ કરીને આ કૃત્ય કર્યું છે. અમારું જે વર્ષોથી ગ્રુપ ચાલે છે તેનું નામ દિવ્ય રામ જય જય શ્રી રામ છે. પરંતુ ફેક ગ્રૂપ છે. વાઇરલ થયેલા સ્ક્રીનશોટ અમારા ગ્રૂપના નથી. સારાં કાર્યોમાં રોડાં નાખવાનું કામ કરવામાં આવ્યું છે. જે અંગે પોલીસમાં ફરિયાદ કરવાનો છું. આ રામની યાત્રાને પણ બદનામ કરવાનું એક ષડ્યંત્ર છે. - ઉમંગ બ્રહ્મભટ્ટ, કાઉન્સિલર, વોર્ડ 10

ભાજપના કાઉન્સિલરો અને વિવાદ એકબીજાના પર્યાય બની રહ્યા છે
હાલમાં ભાજપના કાઉન્સિલરો વિવાદમાં સપડાઈ રહ્યા છે. ભાજપના વોર્ડ 3ના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા વગડામાં બનેલાં રોડના વિવાદમાં સપડાયા હતા. જ્યારે તેમના જ વોર્ડના કાઉન્સિલર છાયાબેન ખરાદી સામે એક વૃદ્ધનું મકાન લખાવી લેવા અને લારી ધારક પાસે નાણાની માંગણી કરવાના આક્ષેપ થયા હતા. તો વોર્ડ 13ના ધર્મેશ પટણી એ મંદિરમાં ગાળાગાળી કરી ત્રિશુલ મારવાનો આરોપ લાગ્યો હતો. તાજેતરમાં જ વોર્ડ 18ના કલ્પેશ પટેલ પર ચેક રિટર્નની થયેલી ફરિયાદમાં તેમને એક વર્ષની સજા થઈ છે. ત્યારે લગ્ન પ્રસંગમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિનો ફાયરિંગ કરતો વિડીયો વાઇરલ થતા તેમની સામે પોલીસ તપાસની તજવીજ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...