વડોદરાના મેયર અને સયાજીગંજ બેઠકના ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયા ઉમેદવારી નોંધાવવા માટે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. વડોદરાના મેયર કેયુર રોકડિયા ફોર્મ ભરવા માટે સાંસદ રંજનબેનની ગાડીમાં આવ્યા અને ફોર્મ ભર્યા બાદ ધારાસભ્યની ગાડીમાં રવાના હતા. કેયુર રોકડિયાએ ચૂંટણી પહેલા જ ધારાસભ્યની ગાડીમાં સવારી કરી હતી.
ભાજપમાં વડોદરાની એકમાત્ર બેઠકને લઈને કોકડું ગૂંચવાયું હતું. આ બેઠક પર આજે યોગેશ પટેલને ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવાર તરીકે રિપીટ કર્યાં છે. આ અંગે યોગેશ પટેલે જણાવ્યું હતુ કે સી.આર. પાટીલ અને મુખ્યપ્રધાને મને ટિકિટ આપી, આજે હું ઉમેદવારી ફોર્મ ભરવા જઈશ. ઘણા સમયથી યોગેશ પટેલને ભાજપના નેતાઓ દ્વારા મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ, યોગેશ પટેલે જીદ પકડી રાખતાં ભાજપે આખરે તેમને માંજલપુર બેઠકની ટિકિટ આપી છે.
દીકરીએ પિતાને શુભેચ્છા આપી
અમેરિકામાં રહેતી દીકરી ચિરાગીએ પિતા યોગેશ પટેલને વીડિયો કોલ કરી શુભેચ્છા પાઠવી હતી. ચિરાગીએ જણાવ્યું હતું કે, હું પપ્પાને શુભેચ્છા પાઠવું છું. મારા પપ્પાની ઉંમર થઈ ગઈ છે, પરંતુ, તેઓ હાર્ડ વર્કિંગ કરે છે. તેમનાં કામ બોલે છે. આ વખતે પણ તેઓ સારા મતોથી જીત મેળવશે. હું પ્રચારમાં આવવાની નથી. આવતા વર્ષે આવવાની છું.
મધુ શ્રીવાસ્તવ અને દિનુ મામા ન માન્યા
વાઘોડિયા બેઠક પર 6 વખત ધારાસભ્ય રહેલા બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી નથી. ભાજપની યાદી જાહેર થવાની સાથે મધુ શ્રીવાસ્તવે બળવો શરૂ કરી દીધો હતો. મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમની સાથે વડોદરા એરપોર્ટ પર બેઠક કરી હતી. બંને વચ્ચે એક કલાકથી વધુ સમય બેઠક ચાલી હતી, પરંતુ પાટીલનો આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો. મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, સતીષ નિશાળિયા ભલે માન્યા, પરંતુ, હું મધુ શ્રીવાસ્તવ છું, હું અપક્ષ ચૂંટણી લડવાનો છું. બીજી બાજુ, પાદરા બેઠક પરથી દિનેશ પટેલ(દિનુ મામા) આજે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે.
આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કઇ બેઠક પર કોણે ફોર્મ ભર્યા
AAPના ઉમેદવારે અધધ 343 કરોડની સંપત્તિ જાહેર કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. તેમજ હવે ઉમેદવારી નોંધાવવા માટે આવતીકાલ 17 નવેમ્બરનો એક જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. જેમાં ડભોઇ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે અધધ 343 કરોડની સંપત્તિ જાહેર કરી છે.
ડભોઇમાં આપના ઉમેદવાર માલેતુજાર
વડોદરા જિલ્લાની ડભોઇ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીતસિંહ ઠાકોરે ઉમેદવારીપત્ર ભર્યું હતું. જેમાં તેમણે રેકોર્ડ 343 કરોડની સંપત્તિ જાહેર કરી છે. આ સંપત્તિમાં મોટો હિસ્સો તેમની જમીનનો છે. ઉલ્લેખનીય છે કે ડભોઇમાં ભાજપે શૈલેષ સોટ્ટાને રિપિટ કર્યા છે.
અપક્ષ દિનુમામની સંપત્તિ 65 કરોડ
બીજી તરફ વડોદરા જિલ્લાની કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે 3 કરોડ 46 લાખની સંપત્તિ દર્શાવી છે. પાદરામાં અપક્ષ દિનેશભાઇ (દિનુમામા)એ 65 કરોડ 92 લાખની સંપત્તિ જાહેર કરી છે. વડોદરાની અકોટા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર દીપક પાલકરે 23 લાખ 12 હજારની સંપત્તિ જાહેર કરી છે.
વડોદરા સિટી બેઠકના AAP ઉમેદવારની સંપત્તિ માત્ર 58 હજાર
વડોદરાની માંજલપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તસ્વીન સિંઘે 8 કરોડ 45 લાખ 42 હજાર 652ની સંપત્તિ દર્શાવી છે. માંજલપુર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિનય ચૌહાણે 2 કરોડ 74 લાખની સંપત્તિ જાહેર કરી છે. તો આમ આદમી પાર્ટીના વડોદરા સિટી બેઠકના ઉમેદવાર જીગર સોલંકીએ માત્ર 58 હજારની સંપત્તિ જાહેર કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.