સફળતા:વડોદરામાં વાહન ચોરીના 18 ગુનામાં સંડોવાયેલા રીઢો બાઇક ચોર ઝડપાયો, ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો

વડોદરાએક વર્ષ પહેલા
આરોપીએ ત્રણ ચોરીની કબૂલાત કરી. - Divya Bhaskar
આરોપીએ ત્રણ ચોરીની કબૂલાત કરી.
  • ચોરીની ત્રણ બાઈક પણ કબજે કરવામાં આવી

વાહન ચોરીના 18 ગુનામાં સંડોવાયેલા રીઢા બાઇક ચોરને ઝડપી પાડવામાં વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસને સફળતા મળી છે .પોલીસે ચોરીની ત્રણ બાઇકો સાથે આરોપીને ઝડપી પાડી બાઈક ચોરીના ત્રણ ગુનાના ભેદ ઉકેલ્યા છે.

પોલીસ બાતમી આધારે આરોપીને ઝડપાયો
વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે વણ ઉકેલ્યા ગુનાના ભેદ ઉકેલવા ચોક્કસ ટીમ બનાવી તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે ચોક્કસ માહિતીના આધારે રીઢા વાહનચોરને ઝડપી પાડયો હતો. અને ચોરીની ત્રણ બાઇક કબજે કરી ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. એસ.ઓ.જી.ને ચોક્કસ માહિતી મળી હતી કે બાપોદ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં ચોરાયેલી બાઇક લઇને એક વ્યક્તિ જરોદ ખાતે આવવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.

બાઈક ચોરી કર્યાની કબુલાત કરી
પોલિસની પૂછતાછમાં આરોપી વિષ્ણુ રતિલાલ મકવાણા (હાલ રહે -ટેકરા વાળુ ફળીયુ, જરોદ /મૂળ રહે -છેલ્લું ફળીયુ, પસવા ગામ, સાવલી) હોવાનું બહાર આવ્યું હતું. અને આજવા રોડ શ્રી હરિ ટાઉનશીપ ખાતેથી આ બાઈક ચોરી કર્યાની કબુલાત કરી હતી. આ ઉપરાંત રિફાઇનરીના મેઇન ગેટના પાર્કિંગમાંથી તેમજ ઇસ્કોન મંદિર પાસેથી બાઈક ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે ચોરીમાં ગયેલ ત્રણ બાઈક કબજે કરી હતી.

વડોદરા-છોટાઉદેપુર જિલ્લાના 18 ગુનામાં આરોપી સંડોવાયેલો છે
બાપોદ, જવાનગર અને ગોત્રી પોલીસ મથકે નોંધાયેલા ત્રણ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં એસ.ઓ.જી ગ્રામ્ય પોલીસને સફળતા મળી હતી. અત્રે નોંધનીય છે કે વિષ્ણુ મકવાણા સામે વડોદરા જિલ્લામાં 12 , વડોદરા શહેરમાં 4 તથા પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં બે વાહનચોરીના ગુના નોંધાયેલા છે.