ગમખ્વાર અકસ્માત:વડોદરાથી પાવાગઢ દર્શને જવા નીકળેલા બાઇકસવાર 3 મિત્રનાં ડમ્પરની અડફેટે મોત, એક મિત્રએ તો જન્મદિવસે જ જીવ ગુમાવ્યો

હાલોલ3 મહિનો પહેલા
  • બે બાઇક લઈને 5 મિત્ર પાવાગઢ જવા માટે નીકળ્યા હતા

વડોદરા-હાલોલ રોડ પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 3 મિત્રનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણેય મિત્ર વડોદરાની કોલેજમાં અભ્યાસ કરતા હતા
વડોદરાથી 5 મિત્ર આજે સવારે બે બાઈક પર સવાર થઈને પાવાગઢ દર્શન કરવા જવા માટે નીકળ્યા હતા. આ સમયે વડોદરા-હાલોલ રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બાઈક પર સવાર ત્રણેય મિત્રનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતક યુવકોમાં એક દેવાગઢ બારિયા, એક લુણાવાડા અને એક દાહોદના ગરબાડાનો રહેવાસી હતો. મૃતકો પૈકી રોનક પરમાર વડોદરામાં માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો, જ્યારે અન્ય બે યુવક હોસ્ટેલમાં રહેતા હતા. ઘટનાની જાણ થતાં મૃતક યુવાનોનાં પરિવારજનો અને સગાંસંબંધીઓ સહિતનાં ટોળાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ સમયે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ત્રણ મૃતકમાંથી વિરેન્દ્ર ગોહિલ અને રોનક પરમાર વડોદરાની સિગ્મા કોલેજમાં અભ્યાસ કરતા હતા, જ્યારે જયેન્દ્ર પટેલ વડોદરાની સુમનદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો.

હાલોલ રેફરલ હોસ્પિટલમાં મૃતદેહો લઈ જવાયા.
હાલોલ રેફરલ હોસ્પિટલમાં મૃતદેહો લઈ જવાયા.

રોનકનો આજે જન્મદિવસ હતો
મૂળ લુણાવાડાના લીંબડિયા ગામના રહેવાસી રોનક ધનભાઈ પરમારનો જન્મદિવસ હતો અને એ જ દિવસે જ રોનકનું મોત થયું હતું, જેથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

મૃતક યુવાનોનાં પરિવારજનો અને સગાંસંબંધીઓ સહિતનાં ટોળાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં.
મૃતક યુવાનોનાં પરિવારજનો અને સગાંસંબંધીઓ સહિતનાં ટોળાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં.

મૃતકોનાં નામ

  • વિરેન્દ્ર ભરતભાઈ ગોહિલ (ઉં.20), (રહે.ગાંગરડી, તા.ગરબાડા જિ.દાહોદ)
  • જયેન્દ્ર સંજયભાઈ પટેલ (ઉં.20), (રહે. દેગાવાડા, તા. દે.બારિયા, જિ. દાહોદ)
  • રોનક ધનાભાઈ પરમાર (ઉં.20), ( રહે. લીંબડિયા, તા. લુણાવાડા, જિ. મહીસાગર)
એક બાઇકના અકસ્માતમાં 3 મિત્રને કાળ ભરખી ગયો હતો.
એક બાઇકના અકસ્માતમાં 3 મિત્રને કાળ ભરખી ગયો હતો.

(અહેવાલઃ મક્સુદ મલિક, હાલોલ)

અન્ય સમાચારો પણ છે...