CMએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું:ભૂપેન્દ્ર પટેલે બોડેલીમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી, કહ્યું: 'સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે'

વડોદરા3 મહિનો પહેલા
  • મુખ્યમંત્રીએ રઝા નગર અને વર્ધમાન નગર વસાહતની મુલાકાત લીધી
  • વરસાદે વેરેલા નુક્સાનની વિગતો મેળવી
  • સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • જિલ્લાના બાકી ગામોમાં વીજ પુરવઠો ઝડપભેર પુનઃ સ્થાપિત કરવામાં આવશે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બોડેલીના વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. ભુપેન્દ્ર પટેલ બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રય સ્થાનોની વ્યવસ્થા અંગે વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા અને વરસાદે વેરેલા નુક્સાનની વિગતો જાણી હતી.CMએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું.

CMએ સ્થાનિક અસરગ્રસ્તો સાથે વાતચીત કરી
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોડેલીના રઝા નગરની મુલાકાત કરી હતી અને સ્થાનિક અસરગ્રસ્તો સાથે વાતચીત કરી હતી. સ્થાનિક આગેવાન તેમજ સરપંચ સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આશ્રયસ્થાનોની મુલાકાત લીધી
મુખ્યમંત્રીએ શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતેના આશ્રયસ્થાનમાં આશરો લઈ રહેલા અસરગ્રસ્ત લોકોની પણ મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી અને સરકાર તેમની પડખે છે તેવો સધિયારો આપ્યો હતો. શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે મુખ્યમંત્રી વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાને પણ મળ્યા હતા. વિરોધપક્ષના નેતાએ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વેરેલા વિનાશની વિગતો મુખ્યમંત્રીને આપી હતી.

CMએ મદદની હૈયાધારણા આપી
મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને મદદરૂપ થવાની હૈયાધારણા આપી પૂર અસરગ્રસ્તોને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ જરૂરી તમામ સહાય સમયમર્યાદામાં ચુકવવામાં આવશે તેમ જણાવ્યું હતું મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારની નુકસાનીનો સર્વે કરીને લોકોને મદદરૂપ બનવા અંગે જિલ્લાના તંત્ર વાહકોને માર્ગદર્શન આપ્યું હતું. કુદરતી આપદામાં જે લોકોના જાનમાલને નુકશાન થયું છે તેને ઝડપભેર સહાય ચૂકવવા તેમણે અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવાનું માર્ગદર્શન આપ્યું
છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં ભારે વરસાદની અસર થઈ છે, ત્યારે આ સમયમાં પ્રજાની પડખે ઉભા રહેવાનું દાયિત્વ નિભાવવાનું જણાવતા મુખ્યમંત્રીએ હવે પાણી ઓસરતાં હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લાભ લઈ ન જાય એ રીતે નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવાનું માર્ગદર્શન આપ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાંથી જે ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાનો બાકી છે, તેવા બાકી ગામોમાં વીજ પુરવઠો ઝડપભેર પુનઃ સ્થાપિત કરવામાં આવશે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, વરસાદ બાદ રોગચાળો અટકાવવા માટે જરૂરી સફાઈ કામગીરી પણ હાથ ધરાશે.

આદિજાતિ રાજ્ય મંત્રી હાજર રહ્યા
આ મુલાકાત વેળાએ આદિજાતિ રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ,મુખ્ય સચિવ પંકજકુમાર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોડેલીમાં 22 ઇંચ વરસાદ ખાબક્યો હતો
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં બે દિવસ પહેલા રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ ખાબકતાં તબાહીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. બોડેલીના રજાનગરનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ, ટીવી અને ફ્રિજ સહિતનો તમામ સામાન પાણીમાં પલળી ગયો હતો. કેટલોક સામાન તો વરસાદના પાણીમાં તણાઈ પણ ગયો હતો.

5700 લોકોનું સ્થળાંતર કરાયું હતું
છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ તાંડવ કર્યું હતું. વહેલી સવારથી વરસવાનું ચાલુ કરતાં જ સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. બોડેલીમાં 22 ઇંચ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં લોકોનાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાયાં હતાં, જ્યારે વાહન વ્યવહારથી ધમધમતી અલીપુરા ચોકડી નદીના રૂપમાં ફેરવાઇ હતી. બોડેલી બાદ કવાંટમાં 17 ઈંચ, પાવીજેતપુરમાં 15 ઇંચ અને છોટાઉદેપુરમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે સૂકીભઠ્ઠ જિલ્લાની ઔરસંગ, હેરણ અને અશ્વિની નદી બે કાંઠે થઇ ગઇ હતી. ભારે વરસાદને કારણે માર્ગો તૂટી જવાને કારણે વ્યવહાર બંધ થયો હતો, જ્યારે વરસાદી પાણીમાં ડૂબેલા 5700 લોકોનું સ્થળાંતર કરાયું હતું અને 369 જેટલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...