સૌથી જૂનું શિવ મંદિર:ભીમ સ્થાપિત શિવલિંગ : મંદિરના પાયામાંથી મળેલા 2200 વર્ષ જૂના પથ્થરોએે પુરાવો આપ્યો

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભીમનાથ બ્રિજ, જેતલપુર રોડ - Divya Bhaskar
ભીમનાથ બ્રિજ, જેતલપુર રોડ
  • અહીંના પથ્થરોમાંથી બ્રાહ્મી લિપિમાં ય, ક્ર અને ચી સંસ્કૃત શબ્દો કોતરેલા પથ્થર મળતાં સ્થાપનાનો સમયગાળો પુરવાર થયો

વિશ્વામિત્રી નદી કિનારે વિશ્વામિત્ર ઋષિએ તપ કર્યું અને નવનાથ મંદિરોની સ્થાપના કરી હોવાના ઉલ્લેખ વિશ્વામિત્રી પુરાણ સહિતના ગ્રંથોમાં ઉલ્લેખ છે. આ પૈકીનું સૌથી જૂનું શિવ મંદિર ભીમનાથ મહાદેવનું હોવાનો ઉલ્લેખ છે. જે ઓછામાં ઓછા 2200 વર્ષ જૂનું હોવાનું પુરાતત્વીય પુરાવાઓના આધારે અનુમાન મૂકી શકાય તેમ છે. ભીમનાથ બ્રિજ પાસે જેતલપુર રોડ પરના આ અતિ પ્રાચીન મંદિરનું શિવલિંગ ભીમે સ્થાપ્યું હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ છે.

જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે ભીમ હિડિમ્બા સાથે વિહરતા હતા ત્યારે આ શિવલિંગ મળતાં ભીમે શિવજીના શિવલિંગની સ્થાપના કરી હતી. ભીમનાથ મહાદેવ મંદિરનાં શિવલિંગનો ઘેરાવો દોઢ ફૂટનો અને ઊંચાઇ ત્રણ ફૂટ જેટલી છે. રેતીના પથ્થરમાંથી તૈયાર થયેલું મૂળ શિવલિંગ છે. મંદિરના પાયા અને અહીંના પથ્થરોની ખાસિયત પરથી જ અહીં શિવપૂજા થતી હશે તેનો અંદાજ તજજ્ઞોને આવ્યો હતો. આ મંદિરના પાયાના પથ્થરો ઇસવીસન પૂર્વે બીજી સદીના છે. એટલું જ નહીં આ મંદિરની બહારના ભાગે બ્રાહ્મી લિપિમાં પથ્થર મળ્યાં જેના પર બ્રાહ્મી લિપીમાં ય, ક્ર અને શી એવું કોતર્યું છે.

આ પથ્થરો તે જમાનાના કારીગરો કોઇ બાંધકામ કરે તો એક પથ્થર પર પોતાની નિશાનીના ભાગરૂપે આવું કરતા હતા. જોકે આ જગ્યા સહિતની અનેક જગ્યાએ સંશોધન કરનાર એમએસયુની આર્કિયોલોજીના પૂર્વ પ્રાધ્યાપક વી.એચ. સોનવણે કહે છે કે, 2200 વર્ષ જૂના પથ્થરો મળી આવ્યાં છે એ વાત સાચી છે, એ 2200 વર્ષ જૂના છે. પણ તેને મંદિર સાથે સાંકળવું યોગ્ય નથી.

શા માટે મંદિરનું શિવલિંગ સહેજ દબાયેલું છે
ભીમનાથ મહાદેવ મંદિરના દબાયેલા શિવલિંગ વિશે એવી દંતકથા છે કે, ભીમને પહેલી નજરે આ શિવલિંગ કોઇ પથ્થરરૂપ દેખાયો હતો. તેણે પોતાની ગદાથી શિવલિંગ પર પ્રહાર કર્યો હતો જેના લીધે આ શિવલિંગ ઉપરના ભાગેથી દબાયેલું દેખાય છે. અગાઉ શિવલિંગો પ્રકૃતિમાં ખુલ્લા જ હતા. શિવલિંગની ફરતે દીવાલ અને પછી છત-શિખર નિર્માણ ચોથી-પાંચમી સદીમાં કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...