વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના બેંક ખાતામાંથી કોઇ અજાણી વ્યક્તિએ નાસિકથી ATM દ્વારા 1 લાખ 65 હજાર રૂપિયા ઉપાડી લીધાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
ત્રણ દિવસ સુધી અલગ-અલગ રકમ ઉપાડી
વડોદરામાં વડસર રોડ ખાતે રહેતો દેવેન્દ્રનાથ સ્વામીનાથ યાદવ એમ.એસ.યુનિવર્સિટીના એમ.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જેના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી ગત તા. 3, 4 અને 5 ફેબ્રુઆરીએ જુદા-જુદા 15 જેટલા ટ્રાન્જેક્શન કરીને 1 લાખ 65 હજાર 500 રૂપિયા ઉપાડી ગયા હતા. આ રકમ ઉપડી ગયાનો દેવેન્દ્રનાથ યાદવના મોબાઇલમાં મેસેજ પણ આવ્યા ન હતા. જેથી આ અંગે તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના આધારે નેશનલ પોર્ટલ પર અરજી નોંધાઇ છે.
પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી
વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર તેણે કોઇને પણ પોતાના બેંક કે ATM કાર્ડ વિશે માહિતી આપી ન હતી છતાં તેના ખાતામાંથી કોઇએ રૂપિયા ઉપાડી લીધા હતા. આ અંગે તપાસ કરતા મહારાષ્ટ્રના નાસિકથી જે ATMમાંથી રૂપિયા ઉપડી ગયા તેના CCTV ફૂટેજ પણ પોલીસે મંગાવ્યા હતા અને તેને બતાવવામાં આવ્યા છે. જો કે ATMમાંથી આ રૂપિયા ઉપાડી લેનાર વ્યક્તિને પણ દેવેન્દ્ર ઓળખતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.