કાર સસ્તામાં અપાવવાના બહાને સાણંદના ભેજાબાજે ટાટા કંપનીના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ઓળખ આપી વડોદરાના મોબાઈલ સેલ્સમેન પાસેથી 1.61 લાખની રકમ પડાવી લીધી હોવાની ઘટના સામે આવી છે. તપાસ દરમિયાન ફરિયાદીના મિત્ર પાસેથી પણ આ ભેજાબાજે 1.12 લાખની રકમ પડાવી હોવાનું સામે આવતા છેતરપિંડીનો આંક વધવાની શક્યતા છે.
નાણાં જમા કરાવ્યા બાદ ઉડાઉ જવાબો આપ્યા
વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તાર ખાતે રહેતા દિવ્યેશ પંડ્યા મોબાઈલ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2021 દરમિયાન સાગર મનુભાઈ પુરોહિત (રહે. એકલીગજી રેસિડેન્સી, સાણંદ) સાથે પરિચય થયો હતો. તેમણે ટાટા મોટર્સ કંપનીમાં સાણંદ ખાતે આસિસ્ટન્ટ મેનેજર તરીકે પોતાનો પરિચય આપ્યો હતો અને જણાવ્યું હતું કે, હું ઓળખીતાને સસ્તામાં કાર અપાવું છું. તમારી માટે પણ વ્યવસ્થા કરી આપીશ. જેથી કાર ખરીદવા માટે મેં સાગર પુરોહિતને 1 લાખ ચૂકવ્યા હતા અને ટુકડે-ટુકડે અન્ય નાણાં પણ જમા કરાવ્યા હતા. ત્યારબાદ સાગર પુરોહિતે કાર બાબતે ઉડાઉ જવાબો આપી ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું.
પોલીસે ભેજાબાજની શોધખોળ શરૂ કરી
શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મારા મિત્ર ચિરાયુ જોશી સાથે પણ કાર અપાવવાના બહાને આ પ્રકારે નાણાં પડાવી છેતરપિંડી આચરી હતી. આમ ટાટા કંપનીની કાર અપાવવાના બહાને 1.61 લાખ પડાવી કાર નહીં આપી તેજ પ્રકારે મિત્ર પાસેથી 1.12 લાખ પડાવી છેતરપિંડી આચરી છે. આ ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે સાગર પુરોહિત વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.