તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા ધર્માંતરણ મામલો:સલાઉદ્દીનને ભરૂચનો NRI હવાલાથી મોટી રકમ મોકલતો હોવાનો પર્દાફાશ; હવાલા ઓપરેટરોના રાષ્ટ્રવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થવાની સંભાવના

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સલાઉદ્દીન શેખની તસવીર - Divya Bhaskar
સલાઉદ્દીન શેખની તસવીર
  • હવાલા ઓપરેટર અને આંગડિયા એજન્સીની ઓફિસમાં પોલીસના દરોડા
  • ભરૂચ, સુરત, અંકલેશ્વર, કોસંબાના ઓપરેટરો-આંગડિયા એજન્સીઓ દ્વારા નાણાં હવાલાથી મોકલાયાં હોવાનું ખૂલ્યું

ઉત્તરપ્રદેશના ધર્માંતરણના મામલામાં ફંડિંગ કરવાના કિસ્સામાં ભરૂચના એનઆરઆઈ દ્વારા હવાલા મારફતે સલાઉદ્દીનના એએફએમઆઈ ટ્રસ્ટને મોટી રકમ મોકલી હોવાનો તપાસકર્તા એજન્સીઓની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ધર્માંતરણ પ્રકરણની તપાસમાં હવાલા ઓપરેટરોના રાષ્ટ્રવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થવાની પણ સંભાવના રહેલી છે. જેના પગલે પોલીસ દ્વારા ગુપ્ત રાહે દક્ષિણ ગુજરાતના હવાલા ઓપરેટરો અને આંગડિયા પેઢીના સંચાલકોની ઓફિસોમાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

યુપી એટીએસનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સલાઉદ્દીનને વિદેશથી મળેલા રૂા. 10 કરોડ અને ઉમર ગૌતમના આર્થિક વ્યવહારોની તપાસમાં કેન્દ્રીય એજન્સીને ભરૂચ, સુરત, અંકલેશ્વર, કોસંબાના હવાલા ઓપરેટરો અને આંગડિયા એજન્સીઓ દ્વારા પણ રૂપિયા હવાલા મારફતે મોકલવામાં આવ્યા હોવાનું ખૂલ્યું છે. વિદેશથી સલાઉદ્દીનને લાખો રૂપિયા મોકલનાર ભરૂચના એનઆરઆઈની કુંડળી શોધવામાં તપાસ એજન્સીઓ કામે લાગી ગઈ છે.

ઉલ્લેખનિય છે કે, યુપી એટીએસે સલાઉદ્દીનને લખનઉની કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે બાદ યુપી એટીએસ ગુજરાત એટીએસની સાથે મળીને આ કેસમાં તપાસ કરી રહી છે. બીજી તરફ યુપી એટીએસની ટીપથી ગુજરાત એટીએસ દ્વારા વડોદરા મુસ્લિમ મેડિકલ સેન્ટર સાથે સંકળાયેલા મોહંમદ હુસેન મન્સુરીને પણ ઉઠાવી લેવામાં આવ્યો હતો. એટીએસ દ્વારા તેની પણ હાલ પૂછપરછ ચાલી રહી છે.

આતંકી ગતિવિધિ અને ધર્માંતરણની કડી જોડી સમાંતર તપાસ શરૂ કરાઇ
યુપી એટીએસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં ધર્માંતરણનો ગોરખધંધો ઘણાં વર્ષોથી ચાલી રહ્યો છે. જેમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં હિંદુ સંગઠનના મોટા નેતાની હત્યા હોય કે પછી હિંદુ સંગઠનો પર હુમલા હોય આ તમામ આતંકી ગતિવિધિઓ અને ધર્માંતરણની કડીઓ ક્યાંકને ક્યાંક મળતી હોવાનું જણાયું છે. જેના લીધે તપાસ એજન્સીઓ દ્વારા ધર્માંતરણ અને આંતકવાદી ગતિવિધિને પણ જોડીને તપાસ કરી રહી છે.

સિન્ડિકેટમાં સલાઉદ્દીન ઉપરાંત કેટલા લોકો છે તેની તપાસ થશે
ધર્માંતરણ મામલામાં ઉમર ગૌતમને સલાઉદ્દીન શેખ ફંડિંગ કરતો હોવાનું તપાસકર્તા એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું છે. જોકે હવાલાઓની કારોબારીની સિન્ડિકેટમાં સલાઉદ્દીન સિવાય અન્ય કેટલા લોકો ઉમર ગૌતમ માટે ફંડિંગની વ્યવસ્થા કરતા હતા તે અંગે પણ યુપી એટીએસ તપાસ કરી રહી છે. જેના માટે એટીએસ અલગ-અલગ હવાલાના ઓપરેટરોની ઓફિસોમાં દરોડા પાડીને આ માહિતી એકત્રિત કરી રહી છે.

સલાઉદ્દીને મન્સુરીના નામે રોકાણ કર્યું હોવાની સંભાવના
સલાઉદ્દીનને વિદેશમાંથી જે ફંડ મળતું હતું તેમાંથી સલાઉદ્દીન કેટલાક ફંડનું મોહંમદ હુસેન મન્સુરીના નામે પણ અલગ-અલગ સ્થળે રોકાણ કરતો હોવાનું તપાસમાં જણાયું છે. સલાઉદ્દીને મન્સુરીના નામે ફંડનું રોકાણ ક્યાં કર્યું છે તેમજ ધર્માંન્તરમાં તે ફંડનો કેટલો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની તપાસ ચાલી રહી હોવાનું યુપી એટીએસનાં સૂત્રોએ જણાવ્યું હતું. સલાઉદ્દીન અને મન્સુરી વચ્ચે ટેલિફોનિક તેમજ સોશિયલ મીડિયા થકી થયેલી વાતચીતના રેકોર્ડની પણ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...