ભરૂચની ફિઝિયોથેરાપિસ્ટ યુવતી ડો.ખુશ્બુ સોલંકીને 27 એપ્રિલની મધરાતે વડોદરા લાવવામાં આવી, ત્યારે તેનું ઓક્સિજન લેવલ 59 જેટલું સાવ તળિયે પહોંચી ગયું હતું. તે બોલી શકતી ન હતી અને લગભગ અર્ધ બેભાન હાલતમાં હતી. આવી નાજુક હાલતમાં અંકલેશ્વરથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવેલી ખુશ્બુ આજે લગભગ 10 દિવસની સઘન સારવારના પગલે લગભગ સ્વસ્થ થઈ ગઈ છે. તેને ગમે તે સમયે તબીબો રજા આપે એવી શક્યતા છે. જાણે કે, સયાજી હોસ્પિટલની સારવારથી ખુશ્બુની જીવન ખુશ્બુ અકબંધ રહી છે.
મને લાગ્યું કે, હવે હું સાચી જગ્યાએ આવી ગઈ છું, હું અવશ્ય જીવી જઈશ
ડો. ખુશ્બૂ સોલંકીએ જણાવ્યું હતું કે, મને વડોદરા લાવવામાં આવી ત્યારે મારી હાલત ખૂબ નાજુક અને ગંભીર હતી.સયાજીમાં દાખલ થતાં ની સાથે જ સારવાર શરૂ થઈ ગઈ, મને વેન્ટિલેટર પર લેવામાં આવી, ત્યારે મને લાગ્યું કે હવે હું સાચી જગ્યાએ આવી ગઈ છું, હું અવશ્ય જીવી જઈશ. ભરૂચની આ યુવતીએ સુરતની કોલેજમાંથી ફિઝિયોથેરાપીનો અભ્યાસ પૂરો કર્યો છે. ઇન્ટર્નશીપના ભાગરૂપે એણે સુરતની હોસ્પિટલમાં ફેબ્રુઆરીમાં કોવિડ આઇસીયુ માં ફરજો પણ અદા કરી હતી.
કોવિડ સંક્રમિત પિતાની દેખભાળ કરતી વખતે પોઝિટિવ થઈ
તે પછી ભરૂચમાં કોવિડ સંક્રમિત પિતાની દેખભાળ કરતાં એ પણ પોઝિટિવ થઈ, એટલે એને અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, ત્યાં ઓક્સિજનની અછત હતી, જેથી એટલે બીજા દવાખાનામાં ખસેડવામાં આવી હતી. ઓક્સિજનની વધુ જરૂર હોવાથી ત્યાંથી વડોદરા જવાની સલાહ મળી, આખરે એનો ભાઈ એને વડોદરા લઈ આવ્યો અને સદનસીબે સયાજી હોસ્પિટલમાં બેડ મળી ગયો હતો.
યુવતીને સીધી જ વેન્ટિલેટર પર મૂકી હતી
એની હાલત જોઈને સીધી જ વેન્ટિલેટર પર મૂકવાની તકેદારી સંજીવનીનું કામ કરી ગઈ. તેની સ્થિતિ સુધરતા એને NRBM પર અને પછી વધુ સ્ટેબલ થતાં નેઝલ પ્રોબ પર મૂકવામાં આવી હતી, હવે આજે એની હાલત એટલી સારી થઈ ગઇ છે કે, એ અગાઉની જેમ ખુલ્લી હવામાં મુક્ત શ્વાસ લઈ શકે છે.
હું ક્રિટીકલ સ્થિતિમાંથી બહાર નીકળી ગઈ છું અને ખતરો ટળી ગયો છે
ખુશ્બુ કહે છે કે, હું ક્રિટીકલ સ્થિતિમાંથી બહાર નીકળી ગઈ છું અને ખતરો ટળી ગયો છે. સયાજી હોસ્પિટની સારવાર મારા માટે નવજીવન આપનારી બની છે. તે કહે છે કે અહીંની સારવાર લેવામાં આવતી કાળજી, દવા, ભોજન બધું જ સંતોષજનક છે.
મહત્તમ ઓક્સિજન એટલે કે 15 લિટર પ્રતિ મિનિટ પર રાખીને યુવતીની સારવાર કરાઇ
ડો.ખુશ્બુ ની શરૂઆતી હાલત અંગે જાણકારી આપતાં વહીવટી નોડલ અધિકારી ડો. ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, એને તુરત જ આઇસીયુમાં વેન્ટિલેટર પર મૂકવાની સાવચેતી લેવામાં આવી હતી. એને મહત્તમ ઓક્સિજન એટલે કે 15 લિટર પ્રતિ મિનિટ પર રાખીને સારવાર કરવામાં આવી હતી. આઇસીયુમાં ડો.નેહા શાહની કાળજી અને હૂંફથી તેને ખૂબ પીઠબળ મળ્યું હતું. એ સાજી થયા પછી કોવિડના દર્દીઓ માટે લાભપ્રદ હોય એવી ફિઝિયોથેરાપીના સત્રો યોજવા ઈચ્છે છે.
જીવવાની જીજીવિષાને કારણે યુવતીને નવજીવન મળી ગયું
ડો. ખુશ્બુ કોરોનાથી ખૂબ ગંભીર પરિસ્થિતિમાં મૂકાઈ હતી, પરંતુ, જીવવાની એની જીજીવિષા પ્રબળ હતી. અણીના સમયે સયાજી હોસ્પીટલમાં એને ઉમદા સારવાર મળી ગઈ અને જાણે કે એની જીવન ખુશ્બુને નવજીવન મળી ગયું છે. ખુશ્બુ એ આ ચમત્કાર માટે સયાજી હોસ્પિટલમાં સૌનો દિલથી આભાર માન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.