છેતરપિંડી:સવા કરોડની મશીનરી પરત ન આપીને 2 શખ્સનો વિશ્વાસઘાત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એમપીના દેવાસની કંપનીએ વડોદરાની કંપનીને કામ સોંપ્યા બાદ છેતરપિંડી
  • પીકેએસ​​​​​​​ ટેકોબિલ્ડ કંપનીના 2 ડાયરેક્ટરો સામે દેવાસ પોલીસે ગુનો દાખલ કર્યો

શહેરની પીકેએસ ટેકોબિલ્ડ પ્રાઇવેટ કંપનીના 2 ડાયરેક્ટરો કુણાલ પટેલ અને અંકિત સિંહે મધ્યપ્રદેશના દેવાસ સ્થિત કંપનીનો કોન્ટ્રાક્ટ મેળવી તેમની મશીનરી મેળવ્યા બાદ સવા કરોડની મશીનરી પરત નહીં કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ મધ્યપ્રદેશના દેવાસના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

મધ્યપ્રદેશની યોલેક્સ ઇફ્રો એનર્જી પ્રાઇવેટ કંપનીના ડાયરેક્ટર યોગેશ શર્માએ વડોદરાની પીકેએસ ટેકોબિલ્ડ પ્રાઇવેટ કંપનીના ડાઇરેક્ટરો અંકિત સિંહ અને કુણાલ પટેલ સામે મધ્યપ્રદેશના દેવાસના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, 2014માં તેમની કંપનીને કર્ણાટકની જેકે સિમેન્ટમાં લાઇમ સ્ટોન માઇનિંગ કામનો પ્રોજેકટ મળ્યો હતો અને તેમને 150 કરોડનો વર્ક ઓર્ડર અપાયો હતો. તેમણે આ વર્ક ઓર્ડર મુજબનાં કેટલાંક કામ પીકેએસ ટેકોબિલ્ડ કંપનીને આપ્યાં હતાં અને કંપનીના ડાયરેક્ટરો અંકિત સિંહ અને કુણાલ પટેલને મશીનરી અને વાહનો આપ્યાં હતાં. ઓક્ટોબર-2020માં આ કામ પૂર્ણ થયું હતું.

2018માં તેમની કંપનીને રાંચીની કોલ ઇન્ડિયાનું કામ મળતાં તેમણે પીકેએસ ટેકોબિલ્ડને આ કામ સોંપ્યું હતું અને અગાઉ આપેલી તમામ મશીનરી કર્ણાટક સાઇટ પરથી રાંચી સાઇટ પર અંકિત સિંહ લઇ ગયો હતો. ત્યારબાદ તેમણે અંકિત સિંહ અને કુણાલ પટેલ સાથે મશીનરીના ભાડા સાથે અને હિસાબ માટે વાતચીત થઇ હતી. જોકે બંનેએ હિસાબ આપ્યો ન હતો કે મશીનરી પરત પણ કરી ન હતી અને મશીનરીનું ભાડું આપ્યું ન હતું.

બંનેએ તેમના દ્વારા અપાયેલી 1.15 કરોડની મશીનરી પરત આપી ન હતી, જ્યારે કેટલીક મશીનરી તો બદલી પણ દેવાઇ હતી અને કેટલાક સ્પેરપાર્ટ્સ પણ કાઢી નખાયા હતા. અંકિત સિંહ અને કુણાલ પટેલને તેમની કંપનીએ અનેકવાર બોલાવ્યા હતા, પણ બંને આવ્યા ન હતા અને હિસાબ ન આપી મશીનરી પણ પરત કરી ન હતી અને કાર્યવાહી કરી શકો છો તેવી ચીમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.પોલીસે વિવિધ લોકોની પુછતાછ કરીને તપાસને ગહન બનાવી છે.

કુણાલ પટેલ અને અંકિત સિંહને પકડવા માટે MP પોલીસના દરોડા
અંકિત પંકજ સિંહ અને કુણાલ મહેન્દ્ર પટેલ સામે ગુનો નોંધી બંનેને ઝડપી લેવા દેવાસ પોલીસની એક ટીમ વડોદરા પહોંચી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, કુણાલ પટેલ વડોદરાના ભાયલી રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેની સન વીલા બંગલોમાં રહે છે અને અંકિત મહેસાણામાં રહે છે. પોલીસે બંને સ્થળે દરોડા પાડી તપાસ કરી હતી, પણ બંને મળ્યા ન હતા. આ મામલે સ્થાનિક જેપી પોલીસને પણ જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...