તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં માતાજીનું અપમાન થતા આક્રોશ:ગુપ્ત નવરાત્રિના પહેલા નોરતે જ મહાકાળી મંદિરનો ઘુમ્મટ તોડી મૂર્તિ ક્રેઈનથી ઉખાડી; મહિલાઓએ કહ્યું, ‘તમારી માતાને વરસાદમાં ખુલ્લામાં બેસાડશો?’

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્રેઈનથી મૂર્તિને ઉપાડી લીધા બાદ વિરોધ થતાં પરત મુકાઈ - Divya Bhaskar
ક્રેઈનથી મૂર્તિને ઉપાડી લીધા બાદ વિરોધ થતાં પરત મુકાઈ
  • કારેલીબાગ VIP રોડના 25 વર્ષ જૂના મંદિરને બિલ્ડરના ઈશારે તોડવાના પ્રયાસથી ઘર્ષણ
  • કોર્ટમાં કેસ જીતી ગયા બાદ મંદિર તોડવા આવ્યા હોવાની બિલ્ડરના માણસોની દલીલ

કારેલીબાગ વીઆઇપી રોડ અમર પાર્ક સોસાયટીની બહાર આવેલા મહાકાળી માતાના મંદિરને આજે ગુપ્ત નવરાત્રિના પ્રથમ નોરતે તોડવાનો પ્રયાસ થતાં સ્થાનિક લોકો સાથે ઘર્ષણ સર્જાયું હતું.

જમીન માલિક જયંત ઝવેરીના આદેશથી ક્રેઈન લઈ મંદિર તોડવા આવેલા લોકોને સ્થાનિકોનો આક્રોશ જોઇ કામગીરી અટકાવવી પડી હતી. પોલીસે સમાધાન કરાવી મામલો થાળે પાડ્યો હતો.

વીઆઈપી રોડ પર મંદિર તોડવાના પ્રયાસથી હોબાળો મચ્યો હતો.
વીઆઈપી રોડ પર મંદિર તોડવાના પ્રયાસથી હોબાળો મચ્યો હતો.

વીઆઈપી રોડ પર એન.ડી. પટેલના ગરબાથી પ્રચલિત થયેલા મહાકાળી મંદિરના પટાંગણમાં રવિવારે સાંજે ઘેરાયેલાં વાદળો વરસવાની તૈયારી કરતાં હતાં ત્યારે બીજી બાજુ ક્રેન લઈ આવેલા કેટલાક લોકોએ મંદિરમાંથી માતાજીની મૂર્તિ જમીનથી ઉખાડી મંદિરના પટાંગણમાં ખુલ્લામાં મૂકી દેતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

અમર પાર્ક, રેવા પાર્ક અને ગોવિંદ પાર્ક 3 સોસાયટી સહિત આ વિસ્તારના અન્ય લોકોના આસ્થાનું કેન્દ્ર બનેલા 25 વર્ષ જૂના આ મંદિરની માતાજીની પ્રતિમાને ધાર્મિક લાગણી દુભાય તે રીતે ક્રેઇન દ્વારા ઊંચકી ખુલ્લામાં મૂકવાને પગલે સ્થાનિક મહિલાઓ વિફરી હતી એટલે અંદાજે 50 લોકોના ટોળાએ ક્રેઇન વાળાને માતાજીની મૂર્તિ યથાસ્થાને મૂકવા માટે ફરજ પાડી હતી. સમય પારખી ગયેલા ક્રેઇનવાળાએ પણ ઉગ્ર વિરોધને પગલે માતાજીની મૂર્તિ સ્થાનિકો સાથે મંદિરમાં ફરી પધરાવી હતી. આ ઘટનાની જાણ થતાં દોડી આવેલી હરણી પોલીસની પીસીઆર વાનના પોલીસ જવાનોનો મહિલાઓએ ઉધડો લીધો હતો.આખરે પોલીસે સમાધાન કરાવતાં ક્રેઇનવાળા મંદિર તોડવાનું પડતું મૂકી રવાના થયા હતા.

25 વર્ષથી વીઆઈપી રોડ ઉપર આસ્થાનું કેન્દ્ર બનેલા મહાકાળી માતાના મંદિરના વિવાદને પગલે દોડી આવેલા પોલીસ જવાનોને મહિલાઓએ વેધક સવાલોનો મારો ચલાવ્યો હતો. મહિલાઓએ પોલીસને પૂછ્યું હતું કે, શું તમે તમારી માતાને વરસતા વરસાદમાં આવી રીતે ખુલ્લામાં બેસાડશો? જેને પગલે પોલીસે પણ મૌન રહેવું પડ્યું હતું.

કોઈ પણ ભોગે મંદિર તો નહીં તૂટે
વર્ષોથી આ મંદિર અમારા તમામનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અમે કોઈ પણ ભોગે આ મંદિર તોડવા નહીં દઈએ. મંદિર તોડવા આવનારાએ સ્થાનિક મહિલાઓ સાથે ધક્કા-મુક્કી પણ કરી હતી. માતાજીને ખુલ્લામાં બેસાડ્યાં હતાં અને નિર્દયી કૃત્ય અંગે માતાજી તેમને જોશે. > મહેન્દ્રસિંહ વાઘેલા, પ્રમુખ, અમર પાર્ક

રિનોવેશનના નામે મંદિર તોડવા પ્રયાસ
25 વર્ષિયથી મંદિર છે. જયંત ઝવેરી નામના વ્યક્તિ સાથે જગ્યા બાબતે વિવાદ ચાલે છે, જેણે કોર્ટ કેસ પણ કર્યો હતો. તેઓ કોર્ટ કેસ જીતી ગયા હોવાનું જણાવી આજે આ કૃત્ય કર્યું છે. અગાઉ મંદિરના રિનોવેશનની વાત કરી હતી, જ્યારે અમે પણ તેમને ફાળો આપવાનો સહયોગ દર્શાવ્યો હતો. > યોગેન્દ્રસિંહ વાઘેલા, સ્થાનિક રહીશ

મંદિરનો વિવાદ અગાઉ પણ પોલીસ અને કોર્ટમાં પહોંચ્યો હતો
વીઆઇપી રોડ પર મહાકાળી મંદિરના મુદ્દે બિલ્ડર જયંત ઝવેરી અને એન.ડી.પટેલ વચ્ચે લાંબા સમયથી વિ​​​​​​​વાદ ચાલી રહ્યો હતો. અગાઉ મંદિરને હટાવવાનો મામલો પોલીસ અને કોર્ટમાં પણ પહોંચ્યો હતો. દરમ્યાન એન.ડી. પટેલનું અવસાન થયું હતું. ઘણા વર્ષો બાદ આજે રવિવારે ફરી િબલ્ડરના માણસો મંદિર તોડવા આવતાં સ્થાનિકો રોષે ભરાયા હતા. મહિલાઓએ ઉગ્ર વિ​​​​​​​રોધ કર્યો હતો. સ્થાનિકે પોલીસ કન્ટ્રોલ રૂમે જાણ કરતા પોલીસ પહોંચી હતી પણ ત્યારબાદ સમાધાન થયું હતું તેમ હરણી પોલીસે જણાવ્યું હતું. પીઆઇ દેસાઇએ જણાવ્યું હતું કે કન્ટ્રોલ રુમની વર્ધીના આધારે પોલીસ ગઇ હતી.

મંદિર તોડવા આવેલા શખ્સોએ રિનોવેશનના નામે મંદિરનું ઘુમ્મટ તોડી નાખી ક્રેઈનથી માતાજીની મુર્તિ ઉપાડી લઇ ખુલ્લામા મુકી દીધી હતી. માતાજી પર વરસાદનો જલાભિષેક થતાં મહિલાઓની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતાં. રોષે ભરાયેલા લોકોએ વિ​​​​​​​રોધ કરતાં પોલીસ દોડી આવી હતી અને સમાધાન કરાવતાં આખરે મુર્તિ ફરી યથાસ્થાને પરત મુકી દેવાઈ હતી.

ચૂંટાયેલા નેતાઓ કાયમી ઉકેલ લાવે નહીં તો આંદોલન થશે
​​​​​​​
જમીન માલિક વર્ષોથી હિન્દુ ધર્મના મંદિર પર પ્રહાર કરી ધાર્મિક લાગણી દુભાવી રહ્યા છે.કોર્પોરેટરો-ધારાસભ્યોને કાયમી ઉકેલ લાવવા માટે બોલાવીએ છીએ. મંદિર ખસેડાશે તો 100 સોસાયટીના રહીશો આંદોલન કરશે. > નિલેશ પટેલ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ

આ પ્રશ્નનો ઉકેલ લાવવાનું ગજું નથી
હું આ જગ્યા ઉપર ગરબા રમવા આવતી હતી લોકોને ભેગા થયેલા જોઈ મંદિરમાં આવી છું. પ્રશ્નોનો ઉકેલ લાવવાનું મારું ગજું નથી, પરંતુ ઉપર આ અંગે હું રજૂઆત કરીશ.
> છાયાબેન ખરાદી, કોર્પોરેટર

​​​​​​​આ જમીન મારી છે, મંદિર ક્યાં બનાવવંુ તે કોણ નક્કી કરશે?
આ જમીન 1983માં દલસુખ પ્રજાપતિ પાસેથી લીધી હતી.ગરબા કરવા એન.ડી. પટેલને આપતાં તેની દાનત બગડી હતી. તેણે પાયો વિના મંદિર બનાવી દીધું. અમે કેસ કરતાં મંદિર સ્થાનિકોએ બનાવ્યું હોવાની રજૂઆત કરી હતી.જમીનમાલિક હું છું, મંદિર ક્યાં બનાવવું તે કોણ નક્કી કરશે? હું નવું મંદિર બનાવવા તૈયાર છું.> જયંત ઝવેરી, જમીન માલિક

અન્ય સમાચારો પણ છે...