મ.સ.યુનિ.ના પદવીદાનમાં શનિવારે મુખ્ય મહેમાન તરીકે ગૃહમંત્રી અમીત શાહ આવશે. તેઓ કાર્યક્રમમાં 2 કલાક રોકાઇ એરપોર્ટથી કેમ્પસ અને ફરી સીધા એરપોર્ટ જશે. ત્યારે કોઈ અપ્રિય ઘટના ના ઘટે તેની અગમચેતી રૂપે શહેર પોલીસ દ્વારા પદવીદાન સમારોહ સ્થળ અને યુનિ.કેમ્પસમાં લોખંડી સુરક્ષાના ભાગરૂપે એડવાન્સ સીકયુરીટી લાઈઝનીંગ (એએસએલ) કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સરકારી વિભાગના ટોચના અધિકારી પણ જોડાયા હતા. શુક્રવારે પોલીસ બંદોબસ્તનું રીહર્સલ કરવામાં આવશે અને બપોરે બે વાગ્યા બાદ પોલીસ તંત્રના 250 જવાનો યુનિ.કેમ્પસનો કબજો લઇ લેશે.
શહેરના ટોચના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ‘અમીત શાહની સુરક્ષા વ્યવસ્થામાં 250 પોલીસ જવાનો જોડાશે. જેમાં ત્રણ ડીસીપી, 6 ડીવાયએસપી, 15 પીઆઈ અને 30 પીએસઆઈનો સમાવેશ થાય છે. એડવાન્સ સીકયુરીટી લાઈઝનીંગની પ્રક્રિયા ગુરૂવારે કેમ્પસમાં કરવામાં આવી ત્યારે ડીસીપી ઝોન-1 જુલી કોઠીયા, એસીપી ચાવડા, સયાજીગંજ પીઆઈ જાડેજા, સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઈબી, ડીસીબી, પીસીબી, એસઓજી, ઉપરાંત વિવિધ સરકારી વિભાગના ટોચના અધિકારીઓ જોડાયા હતા. આ દરમિયાન લોખંડી સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા થઇ હતી. શુક્રવારે બપોરે બે વાગે રીહર્સલ કરવામાં આવશે, બે કલાકના બંદોબસ્ત રીહર્સલ બાદ પોલીસ અધિકારી અને પોલીસ જવાનોને ફરજના સ્થળ સોંપાશે.
હોટલ, ગેસ્ટહાઉસ, બસ ડેપો, સ્ટેશન પર ચેકિંગ
શનિવારે યુનિ.પદવીદાન સમારોહમાં ગૃહમંત્રી અમીત શાહ હાજરી આપશે ત્યારે તેમની મુલાકાત પૂર્વે શહેરના વિવિધ હોટલ, ગેસ્ટહાઉસ, રેલવે સ્ટેશન અને બસ ડેપો ખાતે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેંકિંગ શુક્રવારે પણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.