વિવાદ:પ્રબોધ સ્વામી અમેરિકાથી વડોદરા આવે તે પહેલા તેમનો વિરોધ કરતા બેનર લાગ્યા

વડોદરાએક મહિનો પહેલા
પ્રબોધસ્વામીના વિરોધમાં પોસ્ટર.

વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ, સંગમ અને હરણી વિસ્તારમાં પ્રબોધસ્વામીનો વિરોધ કરતા વિશાળ બેનર્સ લાગ્યા છે. આ બેનર્સ એવા સમયે લાગ્યા છે જ્યારે પ્રબોધસ્વામી અમેરિકાનો પ્રવાસ કરી વડોદરા પરત ફરી રહ્યા છે.

સોખડા મંદિરમાંથી સંતો જુદા થયા હતા
સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ કોર્ટ સુધી પહોંચ્યા બાદ પ્રબોધસ્વામી સમર્થક સંતોનું જૂથ અલગ થયું હતું. ત્યાર બાદ બંને જૂથના સંતો વચ્ચે કોલ્ડવૉરની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં બંને જૂથ એકબીજા પર પરોક્ષ રીતે કોઇને કોઇ રીતે આક્ષેપબાજી કરતા રહે છે, ત્યારે બે મહિના પહેલા શિવજી અંગે ટિપ્પણી બદલ આનંદ સાગર સ્વામી સામે રોષ જોવા મળ્યો હતો.

પ્રબોધસ્વામીના અમેરિકા પ્રવાસને લઇને વિરોધીઓ નારાજ
હવે જ્યારે પ્રબોધ સ્વામી સત્સંગ કરી અમેરિકાથી 23 ઓક્ટોબરના રોજ વડોદરા એરપોર્ટ પર આવવાના છે, ત્યારે તેમની સામે પોસ્ટરવૉર છેડાયું છે. વડોદરામાં એરપોર્ટ સર્કલ, સંગમ અને હરણી વિસ્તારમાં વિશાળ બોર્ડ લાગ્યા છે. જેમાં સનાતન સંત સમિતિ, ગુજરાતના નામથી લાગેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે, શિવજીનું અપમાન કરનારને વડોદરામાં પ્રવેશ સામે વિરોધ, શિવજીના અપમાન કરનારને કોઈ માફી નહીં. આ પોસ્ટરમાં આનંદસાગર સ્વામી અને પ્રબોધસ્વામીના ફોટો પર લાલ રંગની ચોકડી મારી વિરોધ કરવામાં આવ્યો છે.