રાજ્ય સરકાર દ્વારા ઓટો રિક્ષાના ફિટનેસ માટે આરટીઓમાં જતાં પહેલાં રિક્ષા માલિકોએ તેમના મીટરનું તોલમાપ વિભાગ પાસે ફિટનેસ કરાવી તેનું સર્ટિફિકેટ આરટીઓમાં રજૂ કરવું પડશે. આ સર્ટિફિકેટની અને મીટરના નંબરની એન્ટ્રીની આરટીઓમાં ફરજિયાત ઓનલાઇન નોંધ કર્યા બાદ રિક્ષાનું ફિટનેસ સર્ટિફિકેટ આપી શકાશે. વડોદરામાં 13 તારીખે આ પરિપત્ર બાદ રિક્ષા ચાલકોએ ફિટનેસ કરાવવાનું બંધ કર્યું હોવાનું આરટીઓ દ્વારા જાણવા મળે છે. માંડ એકાદ રિક્ષા ફિટનેસ માટે આવે છે જે આ નિયમની માહિતી ધરાવતા નથી હોતા.
શહેરમાં અંદાજે 40 હજાર રિક્ષા છે, જેમાં બે ટાઈપના મીટર હોય છે, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ. નવી રિક્ષા લીધા બાદ 2 વર્ષ પછી દર વર્ષે ફિટનેસ કરાવવું પડે છે. જે માટે ફિટનેસ કરાવતાં પહેલાં જ મીટર જમ્પ થતું નથી અને બરાબર આંકડા દર્શાવે છે તેની ખરાઈ કરવા રાજ્ય સરકારે મીટર ચેક કરાવી તેનું સર્ટિફિકેટ ફરજિયાત આરટીઓએ અપડેટ કરવા પરિપત્ર કર્યો છે.
ઈલેક્ટ્રિકલ મીટર અને મિકેનિકલ મીટરમાં શું તફાવત છે?
ઇલેક્ટ્રિકલ મીટરમાં સરકારી સીલ આવતું હોય છે, તે ચેક કરી સર્ટિફિકેટ અપાય છે. ઇલેક્ટ્રિકલ મીટર કંપની દ્વારા સેટ થઈ શકે છે, અન્ય કોઈ સેટ કરી શકતું નથી. જ્યારે મિકેનિકલ મીટરમાં દાંતા હોય છે, જે ઘસાતા હોય છે અને આંકડા જમ્પ થઈ શકે છે.
અમદાવાદ જવું પડે છે
મિકેનિકલ મીટરને સર્ટિફાઈ કરવા વડોદરામાં કોઈ સંસ્થા પાસે સાધનો નથી. અમદાવાદમાં તેની ચકાસણી અને સર્ટિફિકેટ આપી શકે તેવાં સાધનો છે. - બી.ડી. ચૌહાણ, ઇન્સ્પેક્ટર મેટ્રોલોજી
પરિપત્રનું પાલન શરૂ કરાયું
રાજ્ય સરકારના મીટરના ફિટનેસ અંગેના પરિપત્રનો અમલ શરૂ કર્યો છે. રિક્ષાવાળાઓ એ જાતે મીટરનું ચેકિંગ કરાવી તેનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. - એ.એમ. પટેલ, ઇન્ચાર્જ આરટીઓ, વડોદરા
રાજ્ય સરકારના પરિપત્રનો રિક્ષા યુનિયનો દ્વારા વિરોધ
સરકારના આ નવા નિયમોને પગલે રિક્ષા યુનિયનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. સરકાર પાસે વિવિધ માગ કરવામાં આવી છે. મીટરની ચકાસણી માટેની પ્રોપર સંસ્થાઓ ઊભી કરાય ત્યાં સુધી આ મીટર સાથે ફિટનેસ થાય તેવી પણ માગણી ઊઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.