ઘણી વખત પોલીસ તેમની કામગીરી કરતાં તેમના વર્તનના કારણે ચર્ચામાં રહેતી હોય છે. જોકે તાજેતરમાં વડોદરા આવેલા રાજ્યના ગૃહમંત્રીએ પોલીસ કર્મચારીઓને વર્તનને સુધારવા ટકોર કરી હતી. ત્યારે સોમવારે ઝોન 1માં આવતા 7 પોલીસ મથકના પીઆઇ અને પીએસઆઇ માટે વર્તણૂકલક્ષી તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં ડીસીપી અને એસીપી અધિકારીઓએ નીચલા કર્મચારીઓને નાગરિકો સાથે સભ્યતાથી વર્તવા અને તેમની રજૂઆતને સાંભળવાનાં સૂચનો કર્યાં હતાં.
ઘણીવાર પોલીસના વર્તન અંગે નાગરિકોને ખરાબ અનુભવ થતા હોય છે. પોલીસ અધિકારી તેમના વર્તનમાં સુધારો કરે તે સમાજ માટે જરૂરી છે. ઝોન 1ના સયાજીગંજ, ફતેગંજ, છાણી, જવાહરનગર, લક્ષ્મીપુરા, ગોરવા અને નંદેસરી પોલીસ મથકના પીઆઇ-પીએસઆઇ માટે વર્તણૂકલક્ષી તાલીમ શિબિર યોજાઈ હતી. ઝોન 1ના ડીસીપી દિપક મેઘાણી અને એસીપી બકુલ ચૌધરીએ લોકોની સાથે સાથે નીચલા વર્ગના કર્મીને શાંતિથી સાંભળી રજૂઆતનો નિકાલ લાવવા જણાવ્યું હતું.
કર્મચારીઓના પ્રશ્નોને સાંભળી નિકાલ લાવવો, વ્હાલા દવલાની નીતિ ન અપનાવવી, સાથે જો કોઈ તપાસ અધિકારીની તપાસની પદ્ધતિ સારી હોય તો તેને સમજવી અને તપાસ અધિકારીને મદદ કરવી જોઈએ. તદુપરાંત મહિલા કર્મચારી સાથે સભ્યતાથી વર્તવા સાથે તેમનું માન જાળવવું જોઈએ. અધિકારીઓએ લોકો સાથે સભ્યતાથી વર્તી ફરિયાદ સાંભળવી જોઈએ. તમે પોલીસ છો તે બધાને ખબર જ છે, અસભ્ય વર્તનથી ડર પેદા થાય છે એમ નથી. તમારા નમ્ર અને શિસ્તપૂર્ણ વર્તનથી પણ લોકો તમને પોલીસ જ સમજશે અને તમારું માન જાળવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.