વિવાદ:સ્ટેડિયમના રિવાઇઝ્ડ બજેટ મુદ્દે એપેક્ષમાં વિવાદની વકી, બીસીએની એપેક્ષની બેઠક 3 ઓગસ્ટે મળશે

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભ્યના નોમિનેશન અંગે પણ વિવાદ થઇ શકે

બરોડા ક્રિકેટ એસોસિયેશનના વર્તમાન હોદ્દેદારોનો કાર્યકાળ 30 સપ્ટેમ્બર સુધીમાં પૂરો થવાનો હોઈ ચૂંટણીની તૈયારી આરંભાઈ છે. જેના સંબંધમાં 3 ઓગસ્ટે મળનારી બીસીએ એપેક્ષ કમિટીમાં એપેક્ષમાં એક સભ્યને નોમિનેટ કરવા અને કોટંબી સ્ટેડિયમનું રિવાઇઝ બજેટ રૂા.80 કરોડથી 120 કરોડ કરવાના મુદ્દે બેઠકમાં શાબ્દીક ટપાટપીની સંભાવના છે.

સૂત્રો મુજબ એપેક્ષ સભ્ય જય બક્ષીએ રાજીનામું આપી બીસીએમાં કોર્ડિનેટર તરીકે નોકરી મેળવી હતી, જેથી તેનું સ્થાન ભરવા એપેક્ષમાં એક સભ્ય નોમિનેટ કરવાનો મુદ્દો એજન્ડામાં મુકાયો છે. જેનો વિવાદ થવાની સંભાવના છે. બીસીએ સેક્રેટરી અજીત લેલેનું કહેવું છેકે, લોઢા કમિટીની ભલામણ મુજબ એપેક્ષ સભ્ય ચૂંટાયેલો હોવો જોઈએ, નહીં કે નોમિનેટ થયેલો.

એપેક્ષ સભ્ય અને એડવોકેટ કમલ પંડ્યા કહે છે કે, બીસીએના બંધારણમાં આ અંગેની જોગવાઈ છે એટલે વિવાદની સંભાવના નથી. એપેક્ષના એજન્ડામાં કોટંબી ખાતે બનતા સ્ટેડિયમના બાંધકામના 80 કરોડથી 120 કરોડ કરવા સાથેના રિવાઇઝ બજેટને મંજૂર કરવાના મુદ્દે પણ ગરમાટો આવે તેવી સંભાવના છે. જોઇન્ટ સેક્રેટરી પરાગ પટેલે જણાવ્યું કે, બીસીએના બંધારણ અને નીતિનિયમ મુજબ જે કોઇ કામ હશે તે માટે જ અમે સંમત થઇશું.

એપેક્ષના આગલા દિવસે નોમિનેટેડ સભ્યનું નામ જાહેર થશે
બીસીએની એપેક્ષ કમિટી સર્વોચ્ચ બોડી ગણાય છે, એટલે આ વખતે પણ એપેક્ષની ચૂંટણી લડવા માટે બંને જૂથોમાં અનેક દાવેદારો તૈયાર છે. જોકે ચૂંટણી પહેલાં એપેક્ષ કમિટીની મહેરબાનીથી નોમિનેટ એપેક્ષ સભ્ય બનવા અનેક સભ્યો વચ્ચે કટ્ટર સ્પર્ધા છે. જોકે દાવેદારોએ સોમવાર સુધી પરિણામ માટે રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...