હોળી અને ધૂળેટીના પર્વને લઈને આગામી બે દિવસ 7 અને 8 માર્ચના રોજ વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદી અને નર્મદા નદી કાંઠે ન્હાવા અને અન્ય કામે જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જે અંગે આજે વડોદરા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું
ધૂળેટીના દિવસે વડોદરા નજીક આવેલા સિંધરોટ, ફાજલપુર તેમજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુર, અને શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી, કરજણ તાલુકાના નારેશ્વરમાં ન્હાવા માટે વડોદરા શહેર સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જેને પગલે વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના બે દિવસ માટે મહીસાગર અને નર્મદા નદી કિનારાના ન્હાવા માટેના સ્થળો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
નર્મદા-મહીસાગર નદીના કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
વડોદરા જિલ્લા કલેકટર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરાયા બાદ શહેર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હોળીના દિવસની સવારથી ધૂળેટીના તહેવારની મોડી રાત સુધી મહીસાગર અને નર્મદા કિનારાના ન્હાવા લાયક આવેલા સ્થળો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. જે લોકો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સિંધરોટ, લાંછનપુર, દીવેર અને નારેશ્વર ખાતે લોકો ન્હાવા માટે ઉમટે છે
વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં લઈ વડોદરા નજીક આવેલ સિંધરોટ ચેકડેમ, વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલાં લાંછનપુરા, શિનોર તાલુકાના દીવેર મઢી નર્મદા નદીનો પટ અને કરજણ તાલુકાના નારેશ્વર નર્મદા નદીના ઘાટ પર હોળી અને ધૂળેટીના બે દિવસ ન્હાવા જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં અનેક લોકોના મોત
નર્મદા અને મહીસાગર નદી કાંઠે તહેવારો દરમિયાન લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. આ દરમિયાન અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેને લઈને બે દિવસ નદી કાંઠે ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.