વડોદરા અને સુરતમાં ચાલી રહેલી બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની હોસ્પિટલ, નર્સિંગ કોલેજ અને નિવાસ સ્થાનના ઈન્કમટેક્સ વિભાગની તપાસ રવિવારે પૂર્ણ થઈ હતી. સતત 5 દિવસ ચાલેલી તપાસમાં રવિવારે મોડી રાત્રે નર્સિંગ કોલેજની તપાસ પૂર્ણ કરવામાં આવી હતી, જ્યારે અન્ય સ્થળોએ રવિવારે બપોરે અધિકારીઓ ગયા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સોમવારથી લોકર, દસ્તાવેજો અને અન્ય વસ્તુની તપાસ હાથ ધરવામાં આવશે. જોકે હજુ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સત્તાવાર કોઈ ડિસક્લોઝર જાહેર કરવામાં આવ્યું નથી.
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ડો.દર્શન બેંકરના નિવાસ સ્થાન અને હોસ્પિટલ ખાતે હાથ ધરેલી તપાસમાં એકાઉન્ટ અને સર્વર વિભાગના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી હતી, જ્યારે નર્સિંગ કોલેજમાં પણ તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.
ઇન્કમટેક્સ વિભાગના સર્ચને પગલે પાદરાના મહૂવડ પાસે આવેલી નર્સિંગ હોસ્ટેલના 120 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં અટવાયા હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને ટ્રેનિંગ માટે હોસ્પિટલમાં લઇ જનાર બસ અને તેની ચાવી હોસ્પિટલમાં હોવાથી વિદ્યાર્થીઓ બહાર જઇ શક્યા નહોતા. એક તબક્કે વિદ્યાર્થીઓને બહાર જવા માટે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેમાં બીમાર અને જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને બહાર જવા દેવાયા હતા, તો તમામ વિદ્યાર્થીઓને બહાર જવું હોય તો તેમને સામાન ચેક કરીને જવાની પરમિશન અપાઈ હતી.
જોકે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો સામાન ચેક કરવો પણ અઘરું હોવાથી હોવાથી વિદ્યાર્થીઓએ ઘરે જવાનું માંડી વાળ્યું હતું. બીજી તરફ ઈન્કમટેક્સ વિભાગનાં મહિલા અધિકારીઓ દ્વારા નર્સિંગની વિદ્યાર્થિનીઓની પણ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
સરકારી રકમનું ક્રોસ વેરિફિકેશન કરાયું
નર્સિંગના વિદ્યાર્થીઓ માટે સરકારમાંથી મળેલી લાખો રૂપિયાની રકમ વિદ્યાર્થીઓ માટે વપરાઇ છે કે કેમ તે અંગે ઈન્કમટેક્સે ક્રોસ વેરિફિકેશન થયું હોવાનું જાણવા મળે છે. આ સાથે જ વિદ્યાર્થીઓની પરીક્ષા કેવી રીતે લેવામાં આવે છે તે અંગે પણ પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
હોસ્પિટલ કર્મીઓનાં લોકર ચેક કરાયાં
બેન્કર હાર્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓનાં લોકર પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ખોલાવીને ચેક કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કર્મચારીઓમાં તેઓની ઉપર કોઈ તપાસનો રેલો આવશે કે કેમ તે અંગે પણ ચિંતા પ્રવર્તી જોવામાં આવી હતી. જોકે સૂત્રો દ્વારા માત્ર ગણતરીના અને ફાઇનાન્સ સાથે સીધા જોડાયેલા કર્મચારીઓ સિવાય તમામને બહાર જવાની મંજૂરી અપાઈ હતી.
ચર્ચા : રાજકીય વગ છતાં તપાસ કેમ?
બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ રાજકીય ક્ષેત્રે મજબૂત સંપર્ક ધરાવતું હોવાનું શહેરમાં વર્ષોથી ચર્ચાય છે ત્યારે આવા રાજકીય વગ ધરાવતા ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્કમટેક્સનું સર્ચ 5 દિવસ સુધી ચાલવા અંગે શહેરમાં પણ ચર્ચા ઊઠી છે. કયાં કારણોથી આ તપાસનો રેલો આટલો લાંબો ચાલ્યો તે અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.