વડોદરામાં બેંકમાં પાણી ભરાયા:બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં વરસાદી પાણી ઘૂસ્યા, લોકરમાં મૂકેલી કિંમતી વસ્તુઓ અને મૂડી જોવા ગ્રાહકો ઉમટ્યા

વડોદરા19 દિવસ પહેલા

વડોદરામાં રવિવારે દોઢ ઇંચ વરસાદ ખાબકતા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ પાણી માંડવી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાના લોકર રૂમમાં પાણી ઘૂસી ગયા હતા. રવિવારે બેંક બંધ હોવાના કારણે આજે બેંક કર્મચારીઓ અને ગ્રાહકો બેંકમાં જતા લોકર રૂમમાં પાણી જોઇ ચોંકી ઉઠ્યા હતા. નોંધનીય છે કે, આ બેંકમાં દર વર્ષે લોકર રૂમમાં પાણી ભરાઇ જતા હોય છે. પરંતુ, બેંક સત્તાવાળાઓ દ્વારા લોકર રૂમમાં ભરાતા વરસાદી પાણી અંગે કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી.

રવિવારે રજા હોવાથી આજે પાણી ભરાયાની ખબર પડી
રવિવારે વરસેલા દોઢ ઇંચ જેટલા વરસાદને કારણે ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને નીચાણવાળી તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેમાં બેંક પણ બાકી નથી. ચાર દરવાજા વિસ્તારમાં બેંક ઓફ બરોડાની બ્રાન્ચ આવેલી છે. જેમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. રવિવારે પડેલા વરસાદને પગલે બેંકમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી બેંકના કર્મચારીઓ સહિત ખાતેદારો ચિંતામાં મૂકાયા હતા. વરસાદી પાણી લોકર રૂમ સુધી પહોંચી જતા ખાતેદારો પોતાની મૂડી અને લોકરમાં મૂકેલી કિંમતી વસ્તુઓને જોવા માટે ઉમટી પડ્યા હતા.

બેંક ઓફ બરોડામાં પાણી ભરાતા ખાતેદારો અને કર્મચારીઓ મુશ્કેલીમાં મૂકાયા.
બેંક ઓફ બરોડામાં પાણી ભરાતા ખાતેદારો અને કર્મચારીઓ મુશ્કેલીમાં મૂકાયા.

લોકરમાં કિંમતી વસ્તુઓ અને રૂપિયા હોય છે
આ અંગે બેંકના ખાતાધારક ફારૂકભાઈએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં ચાર દરવાજા વિસ્તારમાં બેંક ઓફ બરોડાની મેઈન બ્રાંચ આવેલી છે. જેમાં દર વર્ષની જેમ પાણી ભરાઇ ગયા હતા. આ વર્ષે 153મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો, ત્યારે આ બેંકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની સમસ્યા યથાવત્ જોવા મળી રહી છે. બેંકના લોકરોમાં લોકોના રૂપિયા, સોનું-ચાંદી મૂકેલું હોય છે. જેમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન-પરેશાન થઈ જાય છે.

લોકર રૂમમાં પાણી ભરાતા ગ્રાહકો ચિંતામાં મૂકાયા.
લોકર રૂમમાં પાણી ભરાતા ગ્રાહકો ચિંતામાં મૂકાયા.

સમસ્યાનો નિકાલ લાવવા માંગ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે ચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ કરવાનો કોઈ રસ્તો નથી. માત્ર 1થી દોઢ ઈંચ વરસાદમાં જ દુકાનોની અંદર વરસાદના પાણી ઘૂસી જાય છે. ખાસ કરીને બેંક ઓફ બરોડાના લોકર વિભાગમાં પાણી ભરાઈ ગયું છે. બેંકમાં એટલું પાણી ભરાયું છે કે, લોકોને ચપ્પલ ઉતારીને લોકર રૂમમાં જવું પડી રહ્યું છે, જેથી તમામ લોકર ધારકો દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

લોકરમાં મૂકેલી કિંમતી વસ્તુઓ અને મૂડી જોવા ગ્રાહકો પહોંચ્યા હતા.
લોકરમાં મૂકેલી કિંમતી વસ્તુઓ અને મૂડી જોવા ગ્રાહકો પહોંચ્યા હતા.
લોકર રૂમમાં પાણી જોઈ ખાતેદારો ચોંકી ઉઠ્યા હતા.
લોકર રૂમમાં પાણી જોઈ ખાતેદારો ચોંકી ઉઠ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...