વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા બે હવસખોર સગીરાને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી, લગ્નની લાલચ આપી અપહરણ કરીને કરજણ તાલુકાના સરભાણ ગામમાં લઇ ગયા હતા અને ત્યાં તેની મરજી વિરૂદ્ધ રાત્રી દરમિયાન દુષ્કર્મ આચર્યું હતું. સાળાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બનેવીએ "હું મારી મરજીથી રવિ વસાવા સાથે આવી છું" એવો વીડિયો બનાવ્યો હતો. અને કેનાલમાં ફેંકી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે સાળા-બનેવીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાને મિત્રના ઘરે લઇ ગયા
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ખટ્ટી ઇમલી પાસે નવી વસાહતમાં રહેતો રવિ પ્રકાશ વસાવા અને આજવા રોડ ઉપર આવેલા માધવનગરમાં રહેતો વિશાલ વસંત પટેલ સાળા-બનેવી થાય છે. રવિ વસાવાએ સગીરાને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી અને લગ્નની લાલચ આપીને બનેવી વિશાલ પટેલને સાથે રાખી કરજણ તાલુકાના સરભાણ ગામમાં રહેતા મિત્ર સુનિલ વસાવાના ઘરે લઇ ગયો હતો. જ્યાં રવિ વસાવાએ સગીરાને કેફી પીણું પીવડાવી તેની મરજી વિરૂધ્ધ રાત્રી દરમિયાન દુષ્કર્મ આચર્યું હતું.
ધમકી આપી વીડિયો ઉતારી લીધો
રવિ વસાવાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ બનેવી વિશાલ પટેલે સગીરાને માર મારી કેનાલમાં ફેંકી દેવાની ધમકી આપીને બોલાવ્યું હતું કે, "હું મારી મરજીથી રવિ વસાવા સાથે આવી છું" તેવો વીડિયો ઉતારી લીધો હતો. સગીરાનો વિડીયો ઉતારી લીધા બાદ સાળો-બનેવી ફરાર થઇ ગયા હતા.
બંને સામે પોલીસ ફરિયાદ
તા.27 ફેબ્રુઆરીના રોજ બનેલા આ બનાવ અંગે સગીરાએ બાપોદ પોલીસ મથકમાં રવિ પ્રકાશ વસાવા અને વિશાલ વસંત પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પોલીસે ફરિયાદના આધારે હવસખોરો સામે બળાત્કાર, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં હતા.
રિમાન્ડની કાર્યવાહી
દરમિયાન, બાપોદ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ ગણતરીના દિવસોમાં હવસખોર રવિ વસાવા અને વિશાલ પટેલની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ બનાવની વધુ તપાસ માટે બંનેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ મળ્યા બાદ બંનેને સાથે રાખી આગળની તપાસ હાથ ધરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.